કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વજેસિંહ પારગી

વજેસિંહ પારગી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

એકલવાયા - વજેસિંહ પારગી
ગઝલ - વજેસિંહ પારગી
ગઝલ - વજેસિંહ પારગીએકલવાયા – વજેસિંહ પારગી

માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.

શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.

એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.

બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.

તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.

– વજેસિંહ પારગી

કવિ મત્લામાં કહે છે એવી દૂ….રની માયા રાખીએ તો દુઃખી ન થવાય. બીજા શેરનો સંદર્ભ તો તરત જ સમજી શકાય છે. પણ ખરી મજા ત્રીજા શેરમાં છે. પ્રણયની આખી ગીતા બે જ લીટીમાં કવિ સમાવી લે છે. સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ભલે ને ટોળાંમાં હોવ કે ન હોવ.

Comments (3)

ગઝલ – વજેસિંહ પારગી

શ્વાસ છે ને શરીર આજે છે,
જાત મારી અમીર આજે છે.

આંખ સામે કો લક્ષ્ય મૂકી દે,
હાથમાં મારા તીર આજે છે.

હુંય આસન લાગાવી બેઠો છું,
મારી ભીતર કબીર આજે છે.

દેહ દરગાહ જેવો લાગે છે,
રૂહ પણ જાણે પીર આજે છે.

– વજેસિંહ પારગી

કોઇ કોઇ કવિતા ગાઢ સંતોષમાંથી જન્મતી હોય છે. સંતોષ જ્યારે એક હદ વટાવી જાય ત્યારે માણસ અમીર-પીર-કબીર થઇ જાય છે. અમીર પછી પીર ને પછી કબીર – દિલ તર થઈ જવાની આ ત્રણ અવસ્થાઓ છે. છેલ્લા થોડા દીવસથી આ ગઝલને રોજ વાંચી રહ્યો છું. માણસ આગળના સ્તર પર જવા માટે તૈયાર થઇ જાય ત્યારે કેવી લાગણી થતી હશે એનો આછો અનુભવ આ પંક્તિઓથી પામી રહ્યો છું.

Comments (7)

ગઝલ – વજેસિંહ પારગી

સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.

છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.

ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.

હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.

મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.

– વજેસિંહ પારગી

વિષાદના કાળા રંગે રંગાયેલી ગઝલ… જીવનની વાસ્તવિક્તાને શબ્દો વડે કવિ જાણે વધુ નજીકથી અડે છે.

Comments (22)