બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જવાહર બક્ષી

જવાહર બક્ષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અક્ષરાંત કાફિયાની ગઝલ [ કાફિયાના પ્રચલિત નિયમમાં અપવાદ ] -જવાહર બક્ષી
અનુભવ - જવાહર બક્ષી
અભિસારિકા ગઝલ - જવાહર બક્ષી
અમસ્તો થઈ ગયો - જવાહર બક્ષી
આપણી યાદગાર ગઝલો : ૧૯ : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી - જવાહર બક્ષી
એક અમસ્તી શક્યતા - જવાહર બક્ષી
એક કડવાની આખ્યાન-ગઝલ - જવાહર બક્ષી
કોને ભાન છે - જવાહર બક્ષી
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી - જવાહર બક્ષી
ગઝલ - જવાહર બક્ષી
ગઝલ - જવાહર બક્ષી
ઘેરો થયો ગુલાલ -જવાહર બક્ષી
ચહેરા રહી ગયા – જવાહર બક્ષી
ચાલ્યા જતા પ્રસંગની....- જવાહર બક્ષી
જડી જાય - જવાહર બક્ષી
જતી વેળા - જવાહર બક્ષી
જવા પહેલાં - જવાહર બક્ષી
ઝેન ગઝલ - જવાહર બક્ષી
તારા જવાનું... - જવાહર બક્ષી
તારો વિયોગ - જવાહર બક્ષી
તું - જવાહર બક્ષી
તું નથી - જવાહર બક્ષી
ત્રિપાદ કુંડળ - જવાહર બક્ષી
ન રહી - જવાહર બક્ષી
નડતર - જવાહર બક્ષી
પડઘાનું શહેર છે - જવાહર બક્ષી
બારી ખૂલી ગઈ - જવાહર બક્ષી
ભજન-ગઝલ - જવાહર બક્ષી
ભીના સ્મરણનાં શુકન - જવાહર બક્ષી
ભીનાશ – જવાહર બક્ષી
મરજાદીની વાત - જવાહર બક્ષી
મુક્તક - જવાહર બક્ષી
રાત, પ્રતીક્ષા - જવાહર બક્ષી
રૂપજીવિનીની ગઝલ - જવાહર બક્ષી
લખી બેઠો - જવાહર બક્ષી
વહી જઈશ - જવાહર બક્ષી
વિરહ - જવાહર બક્ષી
વ્યક્તમધ્ય - જવાહર બક્ષી
શબ્દોત્સવ - ૧: ગઝલ: કલહાંતરિતા ગઝલ - જવાહર બક્ષી
શૂન્યનો દ્રષ્ટા - જવાહર બક્ષી
સવા-શેર : ૧ : ટોળાની શૂન્યતા - જવાહર બક્ષી
સ્તબ્ધ વન - જવાહર બક્ષી
સ્વરૂપે અવસ્થાનમ્ - જવાહર બક્ષી
હું તને કયાંથી મળું ? -જવાહર બક્ષી
હું પહેલો મળી જઈશ - જવાહર બક્ષી
હું પહેલો મળી જાઈશ - જવાહર બક્ષીકોને ભાન છે – જવાહર બક્ષી

છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે,
ઝાંઝર હતાં કે એ હતી તલવાર કોને ભાન છે.

જોઉં ન જોઉં ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ,
કેવો કર્યો’તો એમણે શણગાર કોને ભાન છે.

સ્પર્શીલ પળમાં ઊઘડું ને ઓગળું આકાશ થઈ,
હોવાપણાનો છે કયો આકાર કોને ભાન છે.

ક્યાંથી કહું હોવું, ન હોવું, જાણવું, પરમાણવું,
એ ખુદ હતા કે એમનો અણસાર કોને ભાન છે.

છે એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં,
આ પાર, પેલે પાર, અપરંપાર કોને ભાન છે.

– જવાહર બક્ષી

સૂફીરંગની ગઝલ….બુદ્ધિ-લૉજિક થી પર વાતો છે…..અનુભૂતિની વાતો છે. સમજવા જઈશું તો છટકી જશે.

Comments (6)

એક અમસ્તી શક્યતા – જવાહર બક્ષી

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

– જવાહર બક્ષી

Comments (4)

તું – જવાહર બક્ષી

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે !

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો’તો તને યાદ છે ? – કહે

– જવાહર બક્ષી

અંતિમ શેરને બાદ કરતાં આખી ગઝલનો અંદાઝ-એ-બયાં જુઓ !!!!!!

Comments (11)

જતી વેળા – જવાહર બક્ષી

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી … શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

-જવાહર બક્ષી

Comments (3)

અક્ષરાંત કાફિયાની ગઝલ [ કાફિયાના પ્રચલિત નિયમમાં અપવાદ ] -જવાહર બક્ષી

ખ્યાલ રાખ્યો નથી જયારે મેં અપેક્ષા કરતાં,
ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં.

પ્રેમ પારખ નહીં, ચૂપચાપ સ્વીકારી લે, બસ,
ક્યાં તને આવડે છે એની પરીક્ષા કરતાં.

લાગણી પણ કહો શું કામ ડરે બુદ્ધિથી,
એ તો વધતી જ ગઈ તારી સમીક્ષા કરતાં.

હું જ મળવાના બધા માર્ગને સંકેલી લઉં,
તારો તો જીવ નહીં ચાલે ઉપેક્ષા કરતાં.

તારા ઘરમાંથીય ફરક બહુ નથી મારા ઘરથી,
ત્યાંય બેસી રહ્યો’તો તારી પ્રતીક્ષા કરતાં.

-જવાહર બક્ષી

ગઝલ પસંદ કરી લીધી એના ચોથા શેરને લીધે !! વાતનું ઊંડાણ તો જુઓ !! શુદ્ધ પ્રેમ !!!

Comments (6)

મરજાદીની વાત – જવાહર બક્ષી

ઇચ્છાય વળી મરજાદી ક્યાં ઝટમાં બોલે,
બોલે તોપણ ક્યારે કૈં પરગટમાં બોલે.

ઝીણી ઝીણી રણઝણ એ પણ છાનીમાની,
ઝાંઝર પણ પડઘાઈને ઘૂંઘટમાં બોલે.

ઘરખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે,
આખી રાતનું અંધારું પનઘટમાં બોલે.

લાગણીઓની જાત જનમથી છે મિતભાષી,
વરસે અનરાધાર અને વાછટમાં બોલે.

સહુ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું,
એ ધારી કે કોઈ તો ઉપરવટમાં બોલે.

– જવાહર બક્ષી

મક્તાનો શેર બાકીના શેરની સામે ઝાંખો પડતો લાગ્યો. બાકી સરસ અભિવ્યક્તિઓ સાથે નાજુક રજૂઆત…..

Comments (5)

શૂન્યનો દ્રષ્ટા – જવાહર બક્ષી

કોણ અહીંયાં સત્યવકતા હોય છે,
બોલવું પોતે જ મિથ્યા હોય છે.

એ ખરું કે શબ્દ ખોટા હોય છે,
વાત જેની કહું છું સાચા હોય છે.

માર્ગ ખુદ ખોવાય જેની રાહમાં
કૈં સગડ સપનામાં મળતા હોય છે.

સ્વપ્ન પાછળ દોટ મૂકી ક્યાં જવું,
સ્વપ્ન સરનામાં વિનાનાં હોય છે.

એક ઘર મનમાંથી ખાલી થાય….ને,
શ્હેર આખું સૂનકારા હોય છે.

શૂન્યતા ક્યાં વારતાનો અંત છે,
શૂન્યનો પણ કોઈ દ્રષ્ટા હોય છે.

-જવાહર બક્ષી

છેલ્લેથી બીજા શેરમાં ‘ સૂનકારા ‘ શબ્દ કઠ્યો.

મત્લા અને મક્તા ઉપર વારી ગયો…..

Comments (3)

સ્તબ્ધ વન – જવાહર બક્ષી

સ્તબ્ધ વન, વૃક્ષોય સ્થિર ને પાંદડું એકે ન ડોલે,
બંધ મુઠ્ઠીમાં પવન છે, પણ એ મુઠ્ઠી કોણ ખોલે.

પ્હેલ કરવાની પ્રતીક્ષામાં…. છે વર્ષોના અબોલા,
એક અમથો શબ્દ બસ છે, પણ એ અમથું કોણ બોલે.

એક તો અમથી અધૂરપના અરીસામાં તરસીએ,
ને વળી બુઠ્ઠી અપેક્ષા આપણાં પ્રતિબિંબ છોલે.

આપણું હોવાપણું આકાશ ! એ ક્યાં માપવાનું !
બેઉ બાજુ હોઈએ તો ત્રાજવું પણ શુંય તોલે.

આમ આ ઊભા અડોઅડ, આમ ક્ષિતિજથીય આઘા,
પારદર્શક ભીંત વચ્ચે…. કોણ એનો ભેદ ખોલે.

-જવાહર બક્ષી
[ સૌજન્ય- ડૉ.નેહલ નંદીપ વૈદ્ય ]

અદભૂત ગઝલ !!! એક એક શેર જુઓ !!!!

Comments (8)

સવા-શેર : ૧ : ટોળાની શૂન્યતા – જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

-જવાહર બક્ષી

 

ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ટોળાંને નથી દિલ, ન મગજ. ટોળું એક અર્થહીન, શૂન્યતા છે. ગાડરિયા પ્રવાહની જેમ આપણે ટોળાંમાં તણાતા હોઈએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતાથી વિશેષ, એક અવ્યવસ્થાથી વધુ કશું જ નથી હોતા. આપણું હું-ન હોવું બરાબર જ છે જો આપણે આપણે વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો એક ભાગ બની બેઠાં હોઈએ. આ શેર વાંચતા જ ગાલિબ યાદ આવી જાય: डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?

– વિવેક

 

સમૂહ અને ટોળામાં ફરક છે. સમૂહમાં જે સંવાદિતા હોય છે એ ટોળામાં નથી હોતી. ટોળાને નથી હોતી બુદ્ધિ કે નથી હોતો કોઈ પોતીકો સૂર… બસ હોય છે માત્ર જુદા જુદા અવાજોથી સર્જાતો એક ઘોંઘાટ. ટોળાનો દરેક માણસ સ્વયં સિવાય અન્ય વિશે વિચારી શકતો નથી. ટોળાનો હિસ્સો બની રહેવામાં એ એક ભ્રામિક સલામતી અનુભવે છે. ટોળાના માણસો અનેક જગ્યાએ અન્યાય થતો જુએ, છતાંય પોતાને ટોળાની સંકુચિત મર્યાદામાં રાખી એ અન્યાયને અવગણી શકે. જે જોવું હોય એ જ જુએ, નહીંતર આંખો બંધ. માત્ર ટોળાનાં બનીને રહી ગયેલા એક માણસ એટલે કે પિતામહ ભિષ્મ. પોતાને આવા ટોળાની શૂન્યતાથી વધારે કશું જ ન સમજતા કવિ જીવનનો મર્મ ખૂબ સ-રસ રીતે સમજાવી જાય છે. પોતાની લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી ચાલીસ વર્ષ પછી પોતાને જ ન ગમેલી સાતસો જેટલી ગઝલોને રદ કરીને માત્ર 108 ગઝલોનો ‘તારાપણાનાં શહેરમાં’ સંગ્રહ આપનાર આ કવિ કહે છે કે "હું છું ને હું નથી"!

– ઊર્મિ

 

‘ટોળું’ એટલે શું ? – ઘણાબધા ‘હું’ નો સમૂહ. ‘હું’ એટલે ઘણાબધા વિચારો નું ‘ ટોળું’. શેરની ચાવી છે ‘શૂન્યતા’.

‘હું છું ને હું નથી.’- આ વિરોધાભાસ આભાસી છે. અસ્તિત્વનું મધ્યબિંદુ છે શૂન્યતા. જેની એક તરફ છે ‘હું છું’ અને બીજી તરફ છે ‘હું નથી’.

– તીર્થેશ

 

કેટલાક શેર અરીસા જેવા હોય છે. એની સામે જે ઊભુ રહે તેને પોતાના વિચારોનું પ્રતિબિંબ જ શેરમાં દેખાય. આ શેર જેટલી વાર વાંચો એટલી વાર તમારી પોતાની મનોસ્થિતિ પ્રમાણે એનો અર્થ તમને દેખાશે. ટોળું, શૂન્યતા, હોવું – એ બધાનો અર્થ જુદી જુદી રીતે થઈ શકે એમ છે.

પહેલી નજરેઃ ટોળાની શૂન્યતા એટલે ટોળું ભરાતું જાય એમ માણસ ખાલી થતો જાય અને છેવટે શૂન્યતા સુધી પહોંચી જાય. પોતે ટોળામાંથી અલગ નથી થઈ શકતા એટલે પોતાની જાત પર પણ કવિ ચોકડી મારે છે. પોતાનો મર્મ કશો રહ્યો નથી. ટોળાની વચ્ચે પોતાનું અલગ અસ્તિત્વ નથી રહ્યું એટલે પોતાના હોવા અને ન હોવામાં કોઈ ફરક રહેતો નથી. ટોળાનો ભાગ બની ગયેલા કવિ પોતાની જગતમાં કશો ફરક પાડી શકવા માટે અસમર્થ બની ગયા છે અને પોતાના અસ્તિત્વને નિરર્થક બની ગયેલું જુએ છે.

પછીઃ જેમ વિચારોની ઊંડાઈ વધતી જાય એમ ખ્યાલ આવે કે આટલા ઉમદા કવિ ટોળાની વાત કરીને પોતાનો સમય શું કરવા બગાડે ? આ તો આત્મદર્શનના કવિ છે. એ જે ‘ખાલીપણાના શહેર’ની વાત કરે છે એ કોઈ શહેરની વાત નથી, એ તો પોતાની જાતને જ ‘ખાલીપણાના શહેર’ તરીકે ઓળખાવે છે. (વિચાર જ કેટલો ઉમદા છેઃ દૂર દૂરથી જ્યાં ખાલીપો રહેવા માટે આવે છે એ શહેર!) તો પછી ‘ખાલીપણાના શહેર’માં ઘોંઘાટ કરી રહેલું ટોળું એટલે શું? એ ટોળું એટલે આપણી સિમિત ઈન્દ્રિયો. એ ટોળું મળીને ગમે તેટલો ઘોંઘાટ કરે એમનો છેવટે સરવાળો શૂન્ય જ થવાનો છે! પોતાના શરીરની-પોતાની ઈન્દ્રિયોની સીમા પારખીને કવિ કહે છે, હું કશું નથી. અને હું કશું છું કે નથી એનો પણ કશો અર્થ નથી.

આમ જ બીજા પણ અર્થ પણ થઈ શકે. નવો અર્થ મળે તો કવિતા બદલાતી નથી. આપણી પોતાની વિચારવાની રીત બદલાઈ હોય છે. આવી કવિતાને હું મુક્ત-કવિતા કહું છું. જે તમને વારંવાર વિચારવા મજબૂર કરી દે.

– ધવલ

Comments (5)

તારા જવાનું… – જવાહર બક્ષી

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.

– જવાહર બક્ષી

મજાની ગીતનુમા ગઝલ…

Comments (9)

Page 2 of 5123...Last »