ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અલ્પેશ કળસરિયા

અલ્પેશ કળસરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - અલ્પેશ કળસરિયા
ચાલને ગોરી ! - અલ્પેશ કળસરિયા
મુક્તક -અલ્પેશ કળસરિયાગઝલ – અલ્પેશ કળસરિયા

શું વ્હાલું, શું દવલું ? વ્હાલા !
સઘળું અહીં તો નવલું, વ્હાલા !

ભભૂત લગાવી બેઠાં સાધુ,
પ્હેર્યું અલખનું ઝભલું, વ્હાલા !

ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
રિક્ત સમયનું સસલું, વ્હાલા !

જાત-ઇયળને ચણી જવાનું,
એકલતાનું ચકલું, વ્હાલા !

ઘેંટા-બકરાં જેવા આપણ,
ડગલાં પાછળ ડગલું, વ્હાલા !

માનસપટની રેતમાં રખડે,
એક અટૂલું પગલું, વ્હાલા !

– અલ્પેશ કળસરિયા
૯૪૨૭૫૧૧૫૭૩

વાંચતા જ વહાલી લગે એવી મજાની ગઝલ… ખાલીપાનું સસલું ક્ષણોના ઘાસને ખાઈ રહ્યું હોવાનું કલ્પન સવિશેષ સ્પર્શી જાય એવું છે. આપણી ગાડરિયાપ્રવાહની માનસિક્તા પણ સુપેરે ઉપસી આવી છે… પણ આ બધા જ શેરોની ભીડમાંથી જે મારા માનસપટ પર કાયમ માટે અંકાઈ જવાનો છે એ શેર તો આખરી છે… રેતીમાં પડતાં પગલાં તો ભૂંસાઈ જવા જ સર્જાયા હોય છે પણ એકાદ સ્મરણ તો અમીટ છાપ મૂકી જ જતું હોય છે…

Comments (17)

મુક્તક -અલ્પેશ કળસરિયા

એવું તને હું કહેતો નથી કે મજા ન કર,
પણ આબરૂ જતી રહે એવી દશા ન કર!
એને છુપાવવાની તને આવડત ન હો,
તો, મૂર્ખ દોસ્ત મારાં! હવેથી ગુના ન કર!

અલ્પેશ કળસરિયા

Comments (10)

ચાલને ગોરી ! – અલ્પેશ કળસરિયા

ચાલને ગોરી ! ઊડને હવે, ઊડવા તને પાંખ ફૂટી છે ! આભને, ગોરી ! આંબને હવે, આંબવા તને પાંખ ફૂટી છે !
કોઈ કરે છે સાદ રે તને સ્થાનથી પરે, કાળથી પરે; કાળને, ગોરી ! વીંધને હવે, વીંધવા તને પાંખ ફૂટી છે !

આભની ભૂમિ આભમાં ઘૂમી આભમાં ઝૂમી આભને ચૂમી આભને, ગોરી ! એટલું કે’જે ચાંદ છું હું ને હું જ ચકોરી !
થાય ઝળાહળ આભનું આંચળ, આભનાં વાદળ એમ પળેપળ પછી આભને વીંધશે તારી વીજળી જેવી પાંખની દોરી;
આભના ઘોડા હણહણે છે, નામ તારું લઈ રણઝણે છે, આભને, ગોરી ! નાથને હવે, નાથવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

કાળને માપી, કાળમાં વ્યાપી, કાળને કાપી, કાળમાં સ્થાપી; કાળને, ગોરી ! એટલું કે’જે હું જ રથ છું ને હું જ છું રથી !
કાળને ચહે, કાળમાં  રહે, કાળમાં વહે, કાળને ગહે; કાળને છતાં લાગતું કે તું કાળમાં છે પણ કાળમાં નથી !
જોબન તારું કાળને નાથે, કાળને તારી પાંખો સાથે બાંધને હવે, બાંધને, ગોરી ! બાંધવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

– અલ્પેશ કળસરિયા

ગણગણ્યા વિના વાંચી ન શકાય અને ગણગણવા બેસો તો પ્રેમમાં પડી જવાય એવું લાંબીલચ્ચ બહેરનું મજાનું ગીત. આખા ગીતને કવિએ લયની દોરીથી એવી રીતે બાંધી દીધું છે કે વાંચતી વખતે સતત  ભીતર કોઈ તાર રણઝણતો હોવાની અનુભૂતિ થતી રહે છે. પહેલા અંતરામાં આભ અને બીજા અંતરામાં કાળ શબ્દના એકધારા લયાન્વિત પુનરોચ્ચારના કારણે ગીતમાં જાણે કે રેવાલ ચાલ સમી અકળ રવાની ભળે છે.

તાજી જ પાંખ ફૂટેલી ગોરીની વાત છે અને ઊડવાનું ખુલ્લું આહ્વાન છે. ગીતના મુખડામાં કવિ આભ અને કાળને વારાફરતી સાંકળી લઈને ઊડવાનો સંદર્ભ ખુલ્લો કરે છે. ઉડ્ડયન ક્યાં હોય ? ક્યાં તો આભમાં ક્યાં તો કાળમાં.. ખરું ને ? આજ બે સંદર્ભો – આભ અને કાળ- લઈને પછીના બે અંતરામાં કવિ ગીતનો ચૈતસિક વિસ્તાર સાધે છે અને આપણને આભને નાથી અસીમ અવકાશ સુધી અને કાળને નાથી કાલાતીત થવા સુધીની આહલાદક અનુભૂતિનો સંસ્પર્શ થાય છે…

Comments (16)