ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આબિદ ભટ્ટ

આબિદ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આરઝૂ – આબિદ ભટ્ટ
ગઝલ - આબિદ ભટ્ટ
ગઝલ - આબિદ ભટ્ટ
ગઝલ - આબિદ ભટ્ટ
ઠીક છે - આબિદ ભટ્ટઆરઝૂ – આબિદ ભટ્ટ

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !

હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.

જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.

દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.

બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.

જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !

યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.

સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !

– આબિદ ભટ્ટ
‘readgujrati.com’ ના સંચાલક શ્રી મૃગેશભાઈને શોકાંજલિ સમાન આ ગઝલ તેઓની વેબસાઈટ ઉપરથી સાભાર…..

પ્રથમ શેર…………………

Comments (5)

ગઝલ – આબિદ ભટ્ટ

સેંકડો મુફલિસ, તવંગર થઈ ગયા,
જઈને માટીમાં બરાબર થઈ ગયા !

નામ રેતી પર લખેલા છે સમજ,
યાદ કોને છે સિકંદર થઈ ગયા ?

આદમી તો યે નહીં આદમ થયો,
કેટલા જગમાં પયંબર થઈ ગયા !

ખાણના પથ્થર ચણાયા તાજમાં,
આ જગત કાજે ધરોહર થઈ ગયા !

અશ્રુઓએ સ્થાન સંભાળ્યું પછી,
શબ્દ હોઠેથી છુમંતર થઈ ગયા !

જિંદગીની રેલગાડી સડસડાટ,
બેઉ પાટા જ્યાં સમાંતર થઈ ગયા !

– આબિદ ભટ્ટ

બંને પાટા સમાંતર કરી શકાય તો જીવનની ગાડી પૂરપાટ ચાલતી થઈ જાય પણ આ કસબ કેટલાને હાંસિલ ? આંસુઓ વહેવા મા6ડે અને શબ્દ નિઃશબ્દ થઈ જાય એ શેર પણ ખૂબ મજાનો… સરવાળે મજાની ગઝલ…

Comments (5)

ઠીક છે – આબિદ ભટ્ટ

કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.

ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,
એ સ્મરણની પળ ટળે તો ઠીક છે.

છે સમય અસ્તિત્વના સંઘર્ષનો,
કૈંક રસ્તો નીકળે તો ઠીક છે.

લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,
ચીસ જો તું સાંભળે તો ઠીક છે.

રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.

‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે !

– આબિદ ભટ્ટ

આજના ગઝલના અતિરેકના દોરમાં આવી સાદ્યંત સુંદર અને સંતર્પક ગઝલ મળે એ મોતી ઉપલબ્ધિ ગણાય. બીજા નંબરનો શેર થોડો ગૂંચવાડાભર્યો લાગ્યો પણ એ સિવાય એક-એક શેર પાણીદાર. ‘સિંદરી બળે પણ વળ ના મૂકે’ની કહેવતનો આધાર લઈ દોરડી નહીં પણ એના વળને બાળવાની વાતને જાત નહીં પણ ‘હું’પણા સાથે સાંકળે છે ત્યારે એક ઉત્તમ શેર આપણને મળે છે…

Comments (10)

ગઝલ – આબિદ ભટ્ટ

આવ લઈ, જે વાતને સમજી શકે,
દર્દ, એની જાતને સમજી શકે.

ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
લાવ કે જે રાતને સમજી શકે.

કંટકો સાથે રહ્યા જે ડાળની,
પાનખરની ઘાતને સમજી શકે.

શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
એ વળી જઝબાતને સમજી શકે ?

તારલાનો તું હશે આશિક ભલે,
બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?

હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,
એ જ મારા તાતને સમજી શકે.

– આબિદ ભટ્ટ

શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની શરતને પૂરી કરતી મજાની ગઝલ… બહુધા પરંપરાને અનુસરતી આ ગઝલના બીજા શેરનું કલ્પન એને આધુનિક ગઝલની કક્ષાએ લઈ જાય એટલું સશક્ત છે…

Comments (12)

ગઝલ – આબિદ ભટ્ટ

મંજિલ અનહદ દૂર પ્રવાસી,
છે ધુમ્મસનાં પૂર પ્રવાસી.

ઠોકર એક જ વાગે એવી,
સપનાં ચકનાચૂર પ્રવાસી.

હામ ધરી લે હૈયે હો જી,
શાને તું મજબૂર પ્રવાસી !

સમજી લે કલરવની બોલી,
વન મળશે ઘેઘૂર પ્રવાસી.

તમસ ભલેને કરતું લટકા,
આતમનાં છે નૂર પ્રવાસી.

થાજે ના બેધ્યાન કદી પણ,
હો ભીતરના સૂર પ્રવાસી.

મરણ મળે તો જા ઓવારી,
જન્નતમાં છે હૂર પ્રવાસી !

– આબિદ ભટ્ટ

ટૂંકી બહેરની મુસલસલ ગઝલ. મંજિલ દૂર છે અને માર્ગ અડાબીડ ધુમ્મસથી ભર્યો છે, જિંદગી એક જ ઠોકરમાં ભલભલાં સપનાંને ચકનાચૂર કરી દે એવી કડવી વાસ્તવિક્તા છે પણ મજબૂર ન થઈ દિલમાં હિંમત રાખી આત્માના અજવાળાના સહારે બેધ્યાન થયા વિના મુસાફરી કરનાર એની મંઝિલે અચૂક પહોંચે જ છે…

Comments (7)