અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મણિશંકર રત્નજી ભટ્ટ

મણિશંકર રત્નજી ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક કવિતા કાન્તની, એક કવિતા કલાપીની…

વ્હાલાંઓને પ્રાર્થના – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

[અંજનીગીત]

રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
.                   સાથે રોતું ને જોતું !

વ્હાલાંઓ ! વ્હાલાંને કહેજો !
સાગરમાં તો સાથે વ્હેજો !
સ્હેવાનાં એકાબીજાનાં
.                   સાથે સૌ સ્હેજો !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

* * *

વીત્યાંને રોવું – કલાપી

રોતું અન્તરનુ રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં હૈયું એ લ્હોતુ
પણ વીત્યાંને શુ રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
વીત્યાંને રોશુ :
ત્હેાયે વીત્યાંને રોશુ :

– કલાપી
(૨૯-૪-૧૮૯૭)

આ બે કાવ્યોને અડખે પડખે રાખીને જોવા જેવાં છે. કાન્તનો સમયકાળ ૧૮૬૭થી ૧૯૨૩. કલાપીનો સમયકાળ ૧૮૭૪થી ૧૯૦૦. કલાપીએ કાવ્યસર્જનની તારીખ લખી છે, જ્યારે કાન્તની રચનાઓમાં એની અનુપસ્થિતિ જોવા મળે છે. બંને કવિઓનો જન્મસમય ખૂબ નજીકનો હોવાથી બંનેનો સક્રિય કાવ્યસર્જનનો સમય એકસરખો જ હોવાનો એ સમજી શકાય છે.

આ બંને રચનાનો વિષય એકસમાન છે અને કલાપીએ એક પંક્તિ વધુ ઉમેરી છે, એને નજરઅંદાજ કરીએ તો બંનેની કાવ્યરીતિ પણ એક –અંજનીગીત- જ છે. કાન્ત પણ ભીતરમાં રોનારાની વાત કરે છે પણ આંસુ લૂંછનાર ભીતર લૂંછી શકતું ન હોવાની વાસ્તવિક્તા પણ સમજે છે. કલાપી પણ ભીતરમાં રોનારની જ વાત કરે છે પણ આજન્મ નખશિખ પ્રેમી હોવાના કારણે જે ભીતરને જોઈ શકે છે, એ રોનારના ભીતરને લ્હોઈ પણ શકે છે એવો આશાવાદ સેવે છે અને સાથોસાથ વીત્યાંને શું રોવું કહીને carpe diem –આજમાં જીવવાનો મંત્રોચ્ચાર પણ કરે છે. બીજા બંધમાં કાન્ત વહાલાંઓને વહાલાંઓને સાગરમાં સાથે વહેવાનો બોધ આપે છે, તો કલાપી પણ વહાલાંઓની આખી પ્રેમજમાતને એક જ રંગે રંગી દઈને ભર સમુદ્રમાં સાથે જ વહેવાનું કહે છે.

કેટલું સામ્ય! બંને કવિઓએ એકમેકની રચના વાંચી હશે કે કેમ અને વાંચી હોય તો કોણ કોનાથી પ્રેરિત થયું હશે એ તો સંશોધન કે કલ્પનાના જ વિષય બની રહે છે. જો કે એક હકીકત એ પણ છે કે કલાપી કવિતાની બાબતમાં કાન્તની સલાહ ઘણીવાર લેતા હોવાની હકીકત આપણે જાણીએ જ છીએ… એટલે આ બધી પળોજણમાં પડવાના બદલે આપણે તો બસ, કવિતાનો આનંદ લઈએ…

Comments (8)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે.  કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

Comments (26)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઝુલણા છંદ અને શંકરાભરણની ચાલમાં ચાલતું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!

૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૬/૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…

Comments (29)

ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?

–મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઉત્તમ કવિ, વિવેચક, નાટ્યકાર અને અનુવાદક કવિ ‘કાન્ત’નો જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ અમરેલીના ચાવંડ ગામમાં. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો પણ પ્રચંડ વિરોધ ફાટી નીકળતા બે વર્ષ પછી આર્યસમાજમાં પાછા ફર્યા પણ અંતઃકરણથી જીવનપર્યંત ખ્રિસ્તી જ રહ્યા. યાદગાર ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો થકી ગુર્જર સાહિત્યાકાશે કાયમી સ્થાન અંકિત કર્યું. ખંડકાવ્ય નામનો કલાત્મક કાવ્યપ્રકાર ગુજરાતી ભાષામાં એમણે સૌપ્રથમ પ્રયોજ્યો હતો એ નાતે એમને તમે ખંડકાવ્યોના અધિષ્ઠાતા પણ ગણી શકો. લાગણીની ગહરાઈ, સુરેખ શબ્દનિરૂપણ, ભાવાનુસાર છંદ-પલટા, શિષ્ટ-મિષ્ટ અને સ્વચ્છ-સઘન શૈલી અને સમગ્ર કાવ્યની સુગ્રથિતતાના કારણે એમના કાવ્યો આજે પણ બેનમૂન રહ્યાં છે. ૧૬-૦૬-૧૯૨૩ના રોજ કાશ્મીરથી પરત થતી વેળાએ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં જ અવસાન અને એ જ દિવસે અમદાવાદ ખાતે એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું.

Comments (8)