ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુશી દલાલ

સુશી દલાલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પાણી એક રોશની છે – કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ

પ્રતીક્ષા ન કરો
જે કહેવું હોય
એ કહી નાખો
કારણકે શક્ય છે
પછી કહેવાનો કોઈ અર્થ જ ન રહે.

વિચાર કરો
જ્યાં ઊભા છો ત્યાંથી જ વિચાર કરો
ભલે રાખથી જ શરૂ કરો
પણ વિચાર કરો.

એ જગાની તલાશ વ્યર્થ છે
જ્યાં પહોંચીને આ દુનિયા
એક અફીણના ડોડામાં બદલાઈ જાય છે.

નદી સૂઈ રહી છે
એને સૂવા દો
એના સૂવાથી
દુનિયાના હોવાનો અંદાજ મળી રહે છે

પૂછો
જેટલીવાર પૂછવું પડે એટલી વાર પૂછો
ભલે પૂછવામાં ગમે તેટલી તકલીફ પડે
પણ પૂછો
પૂછો કે ગાડી હજી કેટલી લેટ છે

પાણી એક રોશની છે
અંધારામાં આ જ એક વાત છે
જે તમે પૂરા વિશ્વાસથી
કહી શકો છો બીજાને.

– કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ

આ કાવ્યના ગુહ્યાર્થ બાબતે હું બહુ ચોક્કસ નથી છતાં મને જે સમજાયું છે તે કંઈક આ પ્રમાણે છે –

વિચારશૂન્યતા – ભયાનક જડતા – ઉપર વેધક કટાક્ષ છે અહીં. Bertrand Russel નું એક વાક્ય યાદ આવે છે – ‘ People would rather die then think. And they actually do ! ‘
‘સૂતી નદી’ એ દુનિયાની પ્રવાહહીનતા-જડતા નું પ્રતિક છે. પાણીને રોશની સાથે કોઈ સંબંધ નથી છતાં અંધારામાં – અર્થાત અગાધ અજ્ઞાનના અંધારે – રહેલા આપણે કેટલા વ્યર્થવિશ્વાસ સાથે બીજાને અભિપ્રાય આપી દઈએ છીએ !! અણજાણ મુલકે આંધળો અજાણ્યાને દોરે….!!

ભાવાર્થ બાબતે સૌ પોતપોતાના વિચારો મૂકશે તો આભારી થઈશ…..

Comments (2)

કવિતાની તાકાત – મદન ગોપાલ લઢા (અનુ. સુશી દલાલ)

કવિતાને કારણે
વરસાદ નહીં વરસે
કવિતાને કારણે
સૂરજ નહીં ઊગી શકે
કવિતાને કારણે
નહીં ભરી શકાય પેટ.
પણ કવિતા
જરૂર બતાવી શકે છે રસ્તો –
પાણી લાવવાનો
રાત પસાર કરવાનો
ભૂખ ભાંગવાનો

– મદન ગોપાલ લઢા
(અનુ. સુશી દલાલ)

કવિતા પ્રકટપણે કોઈ ચમત્કાર કરી શક્તી નથી એમ લાગે પણ હકીકતમાં જે ચમત્કાર અપ્રકટપણે કવિતા સર્જી શકે છે એ અતુલ્ય અને અમાપ છે… કવિતાની ખરી તાકાતનો સાચો નિચોડ આ રાજસ્થાની કવિએ થોડી જ પંક્તિમાં કેવો સચોટ કાઢી બતાવ્યો છે !

Comments (14)