ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!
– હર્ષા દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ દિવેટિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વદાય – નરસિંહરાવ દિવેટીયા

સધ્યા સલૂણી થઈ લુપ્ત સુષુપ્ત થાયે
નૈને રમે તદપિ રંગ રૂડા બધા એ,
આનન્દ દેતું મૃદુ ગાન વિરામ પામે,
તોયે ભમી શ્રવણમાં ધ્વનિ રમ્ય જામે;
ખીલી હસે કુસુમ ને કરમાય જયારે
તોયે સુગન્ધ મનમાં કરી વાસ મ્હાલે;
હા ! તેમ આજ તુજ દર્શન લુપ્ત થાયે,
તારા ગુણો સ્મરણમાં રમશે સદાયે.

– નરસિંહરાવ દિવેટીયા

વસંતતિલકા છંદની આઠેય પંક્તિઓમાં ‘એ’કારાંત પ્રાસ ઉપરાંત ત્રીજી-ચોથી અને સાતમી-આઠમી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવાયો હોવાથી કાવ્યસંગીત વધુ કર્ણમધુર બને છે. પ્રિયજનની વિદાયની વાત છે. પણ શરૂઆત પ્રકૃતિના ઘટકતત્ત્વોથી થાય છે. સલૂણી સાંજ લુપ્ત થઈ જાય પણ એના રંગો આંખ સમક્ષ ક્યાંય સુધી રમતા રહે છે. આનંદ આપતું મીઠું ગીત પૂરું થઈ જાય એ પછી પણ એનો ધ્વનિ મનોમસ્તિષ્કમાં ભમતો રહે છે. મજાનું ફૂલ કરમાઈ ગયા બાદ પણ એની ખુશબૂ ક્યાંય સુધી સ્મૃતિમાં ઘર કરી રહે છે. એ જ રીતે પ્રિયપાત્રની વિદાય બાદ પણ એના ગુણો કથકના સ્મરણોમાં હરહંમેશ રમતા રહેવાના છે… કેવું મજાનું ગીત!

પણ હવે આ ગીતની સાથે શેલીનું આ કાવ્ય સરખાવીએ તો તરત જ ખ્યાલ આવશે કે આ તો સીધેસીધો ભાવાનુવાદ જ છે. નરસિંહરાવે આ કવિતા મૌલિક છે કે અનુવાદ એ અંગે ક્યાંય ફોડ પાડ્યો હોય તો મને એની જાણકારી નથી. કોઈ મિત્ર આ બાબત પર પ્રકાશ પાડશે તો ગમશે. જો કે શ્રી રામનારાયણ વિ. પાઠકે આ બંને રચનાઓ એકસાથે ટાંકીને લખ્યું છે કે, ‘શ્રી નરસિંહરાવ ઉપર અંગ્રેજીની પુષ્કળ અસર છે.’ પાઠકસાહેબ પ્રખર જ્ઞાની અને અભ્યાસુ હતા. તેઓ એકપણ શબ્દ નક્કર પુરાવા વિના કદી રજૂ કરતા નહોતા, એટલે એમની ટિપ્પણી પરથી એમ તારણ કાઢી શકાય કે કવિએ પ્રસ્તુત રચના અનુવાદ છે કે કેમ એ વિશે કવિએ ખુલાસો આપ્યો જ નહીં હોય.

Music, when soft voices die,
Vibrates in the memory—
Odours, when sweet violets sicken,
Live within the sense they quicken.

Rose leaves, when the rose is dead,
Are heaped for the belovèd’s bed;
And so thy thoughts, when thou art gone,
Love itself shall slumber on.

– Percy Bysshe Shelley

Comments (9)

ઊંડી રજની – નરસિંહરાવ દિવેટિયા

આ શી ઊંડી રજની આજની ભણે ઊંડા ભણકાર!

ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ ગૂઢ સન્દેશ વ્હેનાર રે;
.                                          આ શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રે ઊંડું, અદભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી છાનો અનિલ રમે સુકુમાર રે;
.                                          આ શી ઊંડી રજની!

ડૂબી ઊંડી એ પૂરમાં રે તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ કાંઈ કરે ન ઉચ્ચાર રે;
.                                          આ શી ઊંડી રજની!

મૂઢ બન્યો એહ મંત્રથી રે, સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ, કરે ચોગમ ઘોર ઝંકાર રે;
.                                          આ શી ઊંડી રજની!

જાગી ઊઠી એ ઝંકારથી રે અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે મ્હારું હૃદય ફાટે શતધાર રે!
.                                          આ શી ઊંડી રજની!

ગૂંથાયું એ શતધારથી રે એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદભુત, ઊંડા કંઈ સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે.
.                                          આ શી ઊંડી રજની!

– નરસિંહરાવ દિવેટિયા

આ ગીત વાંચીએ તો બ. ક. ઠાકોરનું સૉનેટ ‘ભણકારા’ યાદ આવ્યા વિના ન રહે. ગુજરાતી ભાષાના એ સર્વપ્રથમ સૉનેટમાં બ. ક. ઠાકોરે કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર આપ્યો છે. એ સૉનેટમાં પણ ગાઢ રાત્રિ, અંધકાર, એમાં ડૂબી જતી વૃક્ષોની હારમાળા, નદીના પ્રશાંત જળ, હળુ-હળુ વાતો પવન, અને આ નીરવ શાંતિમાં કવિહૃદયમાં ઊઠતા ભણકારા અને અનાયાસ થતું કાવ્યસર્જન – આ વાતો જોવા મળે છે. અહીં આ ગીતમાં પણ એ બધા જ તત્ત્વો નજરે ચડે છે. અલબત્ત, આ કોઈ ઊઠાંતરી નથી. કાવ્યસ્વરૂપ સાવ અલગ છે, કાવ્યબાની પણ સાવ અલગ છે પણ બે અલગ-અલગ કવિની કલમે એકસમાન અનુભૂતિ અવતરે ત્યારે કવિતા કેવાં બે ભિન્ન-સમાન સ્વરૂપ ધારે એ જોવા-સમજવા માટે જ આ સરખામણી છે.

આકાશની ઘેરી ગુફામાં સૂતેલ ગાઢ રાત્રિના ઊંડા અંધકારમાંથી ઊંડા ભણકારા ઊઠે છે. તારાઓ પણ નજરે ન ચડે એવી આ ગાઢ રાત્રિ કંઈક ગૂઢ સંદેશ લઈને આવી છે. સહુ કોઈ ઠાર મરાયા હોય એવી નિઃસ્તબ્ધતા જન્માવતું  શાંતિનું પૂર અદભુત રેલાઈ રહ્યું છે, માત્ર પવન થોડું થોડું આ શાંતિ સાથે રમી લે છે. અંધારામાં લુપ્ત થઈ ગયેલી વૃક્ષોની હારમાળા પણ લેશ માત્ર અવાજ કરતી નથી. કવિ પોતે પણ સ્તબ્ધ અને મંત્રમુગ્ધ ઊભા છે. અંધારું એવું છે કે અસંખ્ય ગૂઢ ભેદ-રહસ્યો ન ભીતર ભર્યા-ભંડાર્યા હોય! આ રહસ્યોના ઝણકારથી અચાનક જાગી ઊઠ્યા હોય એમ કવિ દિવ્ય ઓથાર અનુભવે છે અને એમનું હૃદય જાણે કે સો-સો ધારે ફાટે છે અને દિવ્ય કવિતાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

Comments (1)

મારો જીવનપંથ ઉજાળ – નરસિંહરાવ દિવેટીયા

પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ !… પ્રેમલo

દૂર પડ્યો નિજ ધામથી હું, ને
ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…પ્રેમલo

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય … પ્રેમલo

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા
હામ ભીડી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમલo

ભભકભર્યા તેજથી હું લોભાયો ને
ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ;
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલo

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ,
આજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo

કર્દમભૂમિ કળણ ભરેલી ને
ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ
મુને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo

રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo

– નરસિંહરાવ દિવેટિયા

16 જુન, 1833ના રોજ જ્હોન હેનરી ન્યુમેને દરિયાઈ સફર દરમિયાન લખેલ  ‘Lead kindly light‘ કવિતાનો ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું !

Comments (9)

શબ્દોત્સવ – ૬: ભજન: મંગલ મન્દિર ખોલો ! – નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાભર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

– નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (જન્મ: 03-09-1859, મૃત્ય: 14-01-1937) પંડિતયુગના ઉત્તમકોટિના સર્જક છે. જાણીતા સાક્ષર કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી. વડનગરા નાગર. મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક. પાછળથી ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર. જેવા કવિ એવા જ સંવેદનશીલ ગદ્યસર્જક. ક્યારેક કોઈ એક જ કૃતિ પણ કવિને અમર કરી દેતી હોય છે. યુવાનપુત્ર નલિનકાન્તના મૃત્યુપર્યંત રચેલા ‘સ્મરણસંહિતા’ દીર્ઘકાવ્યમાંનું આ  ભજનગીત એની સાબિતી છે. એમની એક બીજી અમર પંક્તિ છે: ‘છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’.

કાવ્યસંગ્રહો: ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’, ‘સ્મરણસંહિતા’.

Comments (1)