ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે - વિતાવી નહીં શકે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રતિકાવ્ય

પ્રતિકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

યાચે શું ચિનગારી ? - ન. પ્ર. બુચ
લાઘવ ક્યાંય નથી કવનમાં - નિર્મિશ ઠાકરલાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો.

Comments (3)

યાચે શું ચિનગારી ? – ન. પ્ર. બુચ

[ ભૈરવી-તીનતાલ ]

યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

ન. પ્ર. બુચ

સ્વ. હરિહર પ્રા.ભટ્ટના એક જ દે ચિનગારી નું પ્રતિકાવ્ય. કવિએ આને પ્રત્યુત્તર કાવ્ય કહ્યું છે!

(ટાઇપ કરીને મોકલવા માટે અમદાવાદથી શ્રી.જુગલકિશોર વ્યાસ નો આભાર.)

Comments (4)