બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આખ્યાન

આખ્યાન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઈર્શાદગઢ : ૦૭ : આખ્યાનકાવ્ય: કાલાખ્યાન - ચિનુ મોદી
એક કડવાની આખ્યાન-ગઝલ - જવાહર બક્ષી
સુદામા નું દ્વારિકા ગમન - પ્રેમાનન્દઈર્શાદગઢ : ૦૭ : આખ્યાનકાવ્ય: કાલાખ્યાન – ચિનુ મોદી

chinu modi aakhyan

કડવું – ૦૧

મંગલાચરણ

ઋષિ જુએ કે દશરથસુતને
ક્ષણ ના પડતું સુખ રે
જુએ પાદુકા, લસલસ રુએ
ચિંતાઘેર્યું મુખ રે

સંગમસ્થાને કુંવર ગયા,
ત્યાં ત્રણ નદીઓનાં પાણી રે
ગંગા ન્હાતા, જમના ન્હાતા
પણ, ત્રીજી તરછોડે જાણી રે

ઋષિ કહે કે ‘કુંવર તમે આ આવું કરતા કેમ જી?
ત્રિવેણીમાં સ્નાન કરે, તેનું હૈયું ટાઢ હેમ જી!
કુંવર કહેઃ ‘ગંગામાં ન્હાઉં; સ્નાન કરું જમનામાં જી!
ત્રીજીને શું અંગ અડાડું? ના સ્નાન કરું સપનામાં જી!
મને નહિ, આખી નગરીને દુઃખ અપાવ્યું કેવું જી!
એવી નદીનાં વ્હેણે ન્હાવું? સરસ્વતી એ સેવું જી!

વલણ
રસની છાલક છોળ ઉડાડી કહું કથા સાંભળજો રે
રસનો ભંગ કરાવે એવા સેલ ફોન અવગણજો રે.

કડવું – ૦૨

આરંભે શુભ કામનાં, ગૌરીપુત્ર ગણેશ રે
ઝળહળતાં કરજો હવે, ગૂઢ ચિત્તનો દેશ રે.

કડવું – ૧૧

વાંસ જેમ છાતી ફાટે ને હીબકે ચઢતી જાય
ઈન્દ્રાણીને કહે વિષ્ણુ: ‘ક્યાં કાળગતિ પરખાય?
કાળગતિને વેદ ન પામ્યા; પામ્યા નથી પુરાણી,
વશમાં એના સૌ વર્તે છે, કમળા શું, બ્રહ્માણી!’

કડવું – ૧૨

કલ્પી લો કે બંધ પડ્યું છે ઘરનું એક ઘડિયાળ રે
ડાયલ પરના બે કાંટાની અટકી હરણાં ફાળ રે
ચાવી આપ્યે યંત્ર ચાલતું; થયો સમય સૂચવવા રે
ડાયલ પરના બે કાંટાને તરત પડે ફેરવવા રે
કાળકૃપા જ્યાં પૂરી થાય
વૃદ્ધત્વ વપુમાં વ્યાપી જાય.
મુખ પર કરચલીઓનું જાળું, આંખ ગઈ બે ઊંડી રે
હાથ અને પગની ચામડીઓ, લબડ્યે લાગે ભૂંડી રે.
અન્ય જોઈને, નિજને જુએ; એથી નારી ચૂપ રે
કોઈ નથી કહેતું કે ખોયું; ક્ષણમાં કેવું રૂપ રે.

કડવું – ૧૬

એક જ ક્ષણમાં દેવભૂમિ પર અંધરું કાળું ધબ
સાવ અચાનક રંગભૂમિ પર, વીજળી ઝબાક ઝબ
ઉષઃકાળની વેળા ટાણે રક્તિમ છે આકાશ;
રથમાં સાતે અશ્વ જોડવા અરુણ પકડતા રાશ.

કડવું – ૧૮

વૈશંપાયન એણી પેરે બોલ્યા: સુણ જનમેજય જંત રે
બધી કથાનો ક્યારે આવે, કલ્પ્યો એવો અંત રે

ફલશ્રુતિ

કાળપ્રભુની કથા કહી તે જે સાંભળશે લોક રે
કાળ કરે તે કરવામાં નહિ હરખ ધરે, ના શોક રે

– ચિનુ મોદી

ઉમાશંકર જોશી પાસે ચિનુ મોદીને પ્રેમાનંદ ભણવા મળ્યા. ચિનુભાઈ કહે છે, ‘પ્રેમાનંદના આખ્યાનોમાં રહેલું નાદતત્ત્વ કાવ્યકારક કેવી રીતે બને છે, કઈ રીતે દૂધમાં સાકર ઓગળે એમ અલંકાર ઓગળે છે, આખેઆખી ગુજરાતી ભાષા આ કવિ કઈ રીતે ખપ લગાડે છે – એના ભેદ તો કવિશ્રી ઉમાશંકર જોશીએ જ ચીંધી બતાવ્યા.’ ગુજરાતી ભાષાના સર્વકાલિન શ્રેષ્ઠ ‘વન મેન થિએટર’ પ્રેમાનંદના અમર આખ્યાનોમાં ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાયું અને આજની ગુજરાતી સામાન્ય લોકો સુધી પહોંચી.

લગભગ સાડી ત્રણસો વર્ષ પહેલાંના પ્રેમાનંદનું આખ્યાન ચિનુ મોદી ‘કાલાખ્યાન’માં પુનર્જીવિત કરે છે. આખ્યાનના ઘટકતત્વો જેવા કે કડવું, વલણ, મંગલાષ્ટક, ફલશ્રુતિ વગેરેનો સુપેરે પ્રયોગ કરીને સેલફોન જેવા નવા સંદર્ભો લઈને પુરાણકથાવસ્તુની મદદથી સમય-કાળનો મહિમા કરે છે.

શરૂઆત રામના વનવાસ બાદ વ્યથિત ભરત ત્રિવેણીસ્નાન કરતી વેળા સરસ્વતીમાં નહાવાનું ટાળે છે ત્યાંથી થાય છે. આખ્યાન ચાલતું હોય ત્યારે સેલ ફોન અવગણવાની ચીમકી આપીને કવિ બીજા કડવાથી આખ્યાન પ્રારંભે છે.

દ્વાપર યુગ પૂરો થતાં ઈન્દ્રને સ્વર્ગ છોડવાનું થાય છે પણ સ્વર્ગના એશોઆરામ ત્યજવા મન તૈયાર નથી. બીજી તરફ ઈન્દ્રાણીને નવો ઈન્દ્ર મળે એ વિષયની મથામણ બંને પતિ-પત્નીના મનમાં છે. પુરુષસહજ માનસિક્તાવાળો ઈન્દ્ર પત્નીનો પ્રેમ અને સંવેદના સમજી શકે એમ નથી. વિષ્ણુ ઈન્દ્રાણીને કાળની અકળ ગતિ સમજાવે છે. કાળગતિને વેદ કે પુરાણ પણ પામી શક્યા નથી તો આપણું શું ગજુ? કાળકૃપા પૂરી થઈ નથી કે વૃદ્ધત્વ વ્યાપ્યું નથી. અંતે ફલશ્રુતિરૂપે કવિ કહે છે કે જે લોકો કાળની આ કથા ધ્યાનથી સાંભળશે એ લોકો કાળ કહે તે નિઃસ્પૃહભાવે, હરખ-શોક અનુભવ્યા વિના કરશે…

અઢાર કડવાં (પ્રકરણ)માં વહેંચાયેલ આ “કાલાખ્યાન”ના કેટલાક કડવાંમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે..

Comments

એક કડવાની આખ્યાન-ગઝલ – જવાહર બક્ષી

(મુખબંધ)

ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા
જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા

(ઢાળ)

મળવા પહેલાં એના હોવાના થોડા અણસારા બાંધ્યા
બાંધી કંઈ અટકળ, કંઈ અફવા બાંધી, કંઈ ભણકારા બાંધ્યા

ખાલી હાથનો જીવ, લઈ શું જાઉં, છતાં અડખેપડખેથી
મુઠ્ઠીભર કંઈ ઝાકળ બાંધી, મુઠ્ઠીભર કંઈ તડકા બાંધ્યા

એમ થયું એ ઉછીનાં ઉજાશભીનાશ નહીં સ્વીકારે
તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં, આંખે ટશિયા બાંધ્યા

વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યાં
ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા

(વલણ/ઊથલો)

બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા
આંખો મીંચી ખોલી, મીંચી ખોલી, પાછા પાછા બાંધ્યા

ડગલે પગલે જાણ્યાં-અજાણ્યાં સ્મરણોના મઘમઘ મેળા
મેળે મેળે અટ્ક્યા-ભૂલ્યા-ભટ્ક્યા-ના કંઈ જલસા બાંધ્યા

એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું
છૂટ્યા સૌ પડઘા પડછાયા જે જન્મોજન્મારા બાંધ્યા

(ઉપસંહાર)

તેજતિમિરની હદઅનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા
છૂટ દીધી હોવાની અમને એના જેવા છુટ્ટા બાંધ્યા

(ફલશ્રુતિ)

એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં
એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા

– જવાહર બક્ષી

પ્રેમાનંદના આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે. આજની પરિભાષામાં કહીએ તો આખ્યાન એટલે એ જમાનામાં લખાતી પદ્ય નવલકથા. નવલકથામાં પ્રકરણ હોય તેમ આખ્યાનમાં કડવું યાને કે ઢાળ. આ આખ્યાન-ગઝલમાં જોકે સાંપ્રત જમાનાની લાઘવની અપેક્ષાની એરણ પર ખરા ઉતરવા કવિ એક જ કડવાની આખ્યાન-ગઝલ લઈ આવ્યા છે. નવલકથાની પ્રસ્તાવના એટલે આખ્યાનનું મુખબંધ. અહીં નવલકથામાં શું વાત આવવાની છે એના અણસારનો પિંડ બંધાય છે. વલણ અથવા ઊથલો સામાન્યરીતે બે પંક્તિનું હોય જેમાં પહેલી પંક્તિમાં વહી ગયેલી વાર્તાનો ટૂંકસાર અને બીજી પંક્તિમાં આવનારી વાર્તાનો સંકેત હોય છે. અહીં જો કે એક જ કડવાની ગઝલ હોવાથી કવિ ઊથલો ત્રણ શેર સુધી લંબાવવાનું વલણ રાખે છે. ઉપસંહાર એટલે આખી નવલકથાનો સાર અને આખ્યાનના અંતે આવે છે ફળશ્રુતિ. એ જમાનામાં પુસ્તકો લખાતા નહોતા અને કવિતાઓ લોકમુખે જ જીવતી રહેતી. એટલે કવિતાનું વારંવારનું પુનરાવર્તન જ એને જીવતી રાખી શક્શે એ વાતથી અભિપ્રેત કવિ કવિતાના અંતે ફળશ્રુતિ રાખતા જેમાં આ આખ્યાનનો પાઠ કરવાથી વાચકને કેટલો ફાયદો થશે અને એને કેટલું પુણ્ય મળશે એનો અણસારો દઈ ‘પોઝીટીવ ઈન્સેન્ટીવ’ આપવામાં આવતું.

ઈશ્વરને મળવાની વાત છે. આયખાની ક્ષણભંગુરતા ‘ભગ્ન સમય’, સોયની અણી’ અને ‘પરપોટા’ વડે સૂચક રીતે બતાવી કવિ શરૂઆત કરે છે. પરપોટાનું આયુષ્ય આમેય કેટલું? અને એ પણ વળી સોયની અણી પર હોય તો ?

ઈશ્વર છે કે નહીંની શાશ્વત ચર્ચાઓ ગૂંથે ભરીને કવિ નીકળ્યા છે. સુદામાનો સંદર્ભ ઝળકે છે. હાથ ખાલી હતા એટલે આડોશપાડોશમાંથી મુઠ્ઠીભર તાંદુલ લઈ કૃષ્ણને મળવા નીકળેલ સુદામાની જેમ કવિ જીવનની તડકી-છાંયડી માંગીતુંસીને સાથે લે છે. મળવાનો રસ્તો પણ જાણી જોઈને કાચો બાંધે છે. કાચો હોય તો તૂટે અને તૂટે તો ફરીફરીને બાંધવાની તક મળે. અને અંતે ઈશ્વર ભક્તને ક્યાં ઝાલે છે એ જુઓ ! તેજ અને તિમિરની વચ્ચે, હદ અને અનહદની વચ્ચે અને જેણે ભક્તને ‘હોવાપણાં’ની છૂટ બક્ષી છે એ ભક્તને સ્ત્રી જેમ વાળ છુટ્ટા બાંધે છે એમ છુટ્ટા બાંધે છે !

અંતે કવિ સોનેટ જેવી ચોટ કરે છે. ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે. કવિ અહીં ગઝલારંભની ક્ષણભંગુરતા અને પરપોટાની વાત સાથે પુનઃસંધાન સાધીને કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે…

Comments (17)

સુદામા નું દ્વારિકા ગમન – પ્રેમાનન્દ

ઋષિ સુદામો સાંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ત્યાગી વેરાગી વિપ્રને છે ભક્તનો શણગાર.

ભાલ તિલક ને માળા કંઠે, ‘રામ’ ભણતો જાય;
મૂછ- કૂછની જાળ વાધી, કદરૂપ દીસે કાય.

પવન-ઝપટથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ;
થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળ ગોટાગોટ.

ઉપાન–રેણૂએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય!
જે પથિક મારગમાં મળે તે જોઇ વિસ્મે થાય.

કૌપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન;
ભાગ્ય-ભાનુ ઉદે થયો, કરશે કૃષ્ણજી આપ સમાન.

– પ્રેમાનન્દ ( કડવું પાંચ – સુદામા ચરિત )

સુદામા દ્વારિકા ના પંથે નીકળે છે તેનું વર્ણન. જે જમાનામાં કથા, આખ્યાનો, ભવાઇ જેવાં જૂજ મનોરંજનો જ પ્રજા પાસે હતાં તે જમાનામાં, માણના ટકોરા સાથે પ્રેમાનન્દ જાતે આ આખ્યાન કરતા હશે, ત્યારે કથારસ કેવો જામતો હશે, તે આ રચના પરથી કલ્પી શકાય છે.

Comments (4)