આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.
નીતિન વડગામા

સુદામાચરિત્ર – કવિ પ્રેમાનંદ

કડવું – ૦૯
(રાગ મલાર)

ગોવિન્દે માંડી ગોઠડી, કહો મિત્ર અમારા, (ટેક)
અમો સાંભળવા આતુર છઉં સમાચાર તમારા ગો. ૧

શું દુઃખે તમો દૂબળા? એવી ચિંતા કેહી ?
પૂછે પ્રીતે વળી શામળિયો, મારા બાળસનેહી! ગો. ૨

કોઈ સદગુરુ તમને મળ્યો, શું તેણે કાન ફૂંકયો ?
શું વેરાગી ત્યાગી થયા, કે સંસાર જ મૂકયો ? ગો. ૩

શરીર પ્રજાળ્યું જોગથી ? તેવી દીસે દેહી;
શે દુઃખે દૂબળા થયા, મારા બાળસનેહી ! ગો. ૪

કે શત્રુ કો માથે થયો, ઘણું દુઃખદાતા?
કે ઉપરાજ્યું ચોરીએ ગયું, તેણે નથી શાતા? ગો. ૫

ધાતુપાત્ર મળ્યું નહિ, આવ્યા તુંબડું લેઇ?
વસ્ત્ર નથી શું પહેરવા, મારા બાળસનેહી? ગો. ૬

કે સુખ નથી સંતાનનું, કાંઈ કર્મને દોષે?
કે ભાભી અમારા વઢકણાં, તે શું લોહીડું શોષ? ગો. ૭

કે શું ઉદર ભરાતું નથી, તેણે સૂકી દેહી?
એટલામાં કિયું દુખ છે, મારા બાળસનેહી? ગો. ૮

પછે સુદામોજી બોલિયા, લાજી શીશ નામીઃ
‘તમને શી અજાણી વાત, મારા અંતરજામી! ગો. ૯

છે મોટું દુઃખ વિજોગનું, નહીં કૃષ્ણજી પાસે;
આજ પ્રભુજી મુજને મળ્યા, દેહી પુષ્ટ જ થાશે.’ ગે ૧૦

– પ્રેમાનંદ

પ્રેમાનંદ જેવો આખ્યાનકાર ગુજરાતમાં એના પહેલાં કે પછી કોઈ પાક્યો નથી. કથામાં કવિતા રેડીને કવિતાની કથા એ જે રીતે માણ વગાડતા વગાડતા કરતો હતો એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી અમર ઘટના છે. પ્રેમાનંદના વિખ્યાત ‘સુદામાચરિત્ર’માં કુલ ચૌદ કડવાં છે, જેમાંથી નવમું કડવું અત્રે પ્રસ્તુત છે. સુદામા વર્ષો બાદ પત્નીના કહેવાથી તાંદુલની પોટલી કેડે બાંધીને શ્રીકૃષ્ણને મળવા આવ્યા છે. અને એમને જોતાંની સાથે કૃષ્ણ એના સૂકાઈ ગયેલા દેહ વિશે જે લાગણીથી પૃચ્છા કરે છે, એ મિત્રતાના ઇતિહાસનું સોનેરી પાનું કહી શકાય એમ છે. સુદામા કયા દુઃખે આટલા દૂબળા થઈ ગયા છે એ વિશે એક પછી એક જે અટકળો કૃષ્ણ બાંધે છે, એ જ આ કડવાનો પ્રાણ છે. કૃષ્ણની ઉલટતપાસનો કાવ્યાંતે સુદામા જે જવાબ આપે છે એનાથી ઉત્તમ બીજો કોઈ જવાબ હોઈ શકે ખરો?

6 Comments »

  1. Harihar Shukla said,

    April 2, 2021 @ 2:45 AM

    પ્રેમાનંદ જેવો “લોક” પ્રિય કવિ થાવો નથી.💐
    એમનું ઓખાહરણ તો ચૈત્ર માસમાં ઘેર ઘેર વંચાય છે હજી 👌

  2. Kajal kanjiya said,

    April 2, 2021 @ 4:23 AM

    આજ પ્રભુજી મુજને મળ્યાં….👌

  3. Anjana bhavsar said,

    April 2, 2021 @ 5:24 AM

    કૃષ્ણ પાસે નથી, એ જ મોટું દુઃખ
    ખૂબ સુંદર

  4. Poonam said,

    April 2, 2021 @ 6:15 AM

    Krushna(paksh) Su(kala)ma Paksh !

  5. DILIPKUMAR CHAVDA said,

    April 2, 2021 @ 7:03 AM

    શરીર પ્રજાળ્યું જોગથી ? તેવી દીસે દેહી;
    શે દુઃખે દૂબળા થયા, મારા બાળસનેહી ! ગો.

    વાહ ખૂબ સુંદર 👏👏👌👌👌

  6. pragnajuvyas said,

    April 2, 2021 @ 12:24 PM

    છે મોટું દુઃખ વિજોગનું, નહીં કૃષ્ણજી પાસે;
    આજ પ્રભુજી મુજને મળ્યા, દેહી પુષ્ટ જ થાશે.’

    – પ્રેમાનંદ ના આખ્યાન ની અનોખી વાતે પડઘાય સ્વર: પ્રફુલ દવે, આશા ભોંસલે.
    લાગ્યો લાગ્યો … સહેત ટાઇ વિંટેલી,
    સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..
    પંખા … આયખાની સાંજ ઉપર ઉભેલા કાનજી
    સપનાનો ટૉક ટાઇમ માંગે.. રાધાનો રિંગટોન …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment