બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર?
એક ફળ ક્યારેક તો આવે આ ભૂખી ડાળ પર!
- વિવેક મનહર ટેલર

સમજે તે ના બોલે – ઇન્દ્ર શાહ

સમજે  તે  ના   બોલે,  બોલે   તે  ના   સમજુ
ડુબ્યા વિના થઇ  શકે ના કદી કોઇ પણ મજનુ !

બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું,
તમે  જુઓ  છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું.

અંતના મૂળમાં આદિ, અંત આદિનું અંતિમ પગલું,
અનંતની ઓળખ માટે ના શૂન્ય વિના કંઇ ખપનું.

ડાબા જમણી ગયા વિના આ વચમાં રહેવું અઘરું,
નટના જેવું કામ  આ તો  ધ્યાન અને છે તપનું.

આકારો  સૌ  નિરાકારના,  શું  સાચું  શું  સપનું?
સપાટીએ સૌ જુદા જુદા પણ ભીતર સરખું સરખું.

– ઇન્દ્ર શાહ

ઓહાયોમાં રહેતા, મૂળ અમદાવાદના શ્રી ઇન્દ્ર શાહ વ્યવસાયે વકીલ, પણ અંતરથી કવિ છે. તેમનો કાવ્ય સંગ્રહ ‘બે ફૂલ’ ઊપરથી જુઓ તો પણ એક વિશિષ્ટ સર્જન છે. તેમના પોતાના હસ્તાક્ષરમાં છપાયેલ આ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ આપણને છાપકામની પહેલાંની દુનિયામાં લઇ જાય છે, તો તેની ભીતરની રચનાઓમાં આક્રોશ છે અને ગહન તત્વની ચર્ચા છે. ઝેન, બુદ્ધ અને ઓશોના વિચારો તેમની રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે. ગઝલનો વચલો શેર આપણને ‘શૂન્ય’ પાલનપુરીની યાદ અપાવી દે છે.

4 Comments »

  1. Jayshree said,

    July 7, 2006 @ 5:54 AM

    આકારો સૌ નિરાકારના, શું સાચું શું સપનું?
    સપાટીએ સૌ જુદા જુદા પણ ભીતર સરખું સરખું.

    સરસ રચના….

    છેલ્લી પંક્તિ પરથી આ યાદ આવ્યું : ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે…

  2. વિવેક said,

    July 7, 2006 @ 8:13 AM

    જયશ્રી,

    તમારી વાત વાંચીને મને મારો જ એક શેર યાદ આવી ગયો:

    પાડ્યો જરી ઘસરકો કે બસ, દુઃખ નીકળ્યું,

    બાકી તો સૌની ચામડી કેવી સરસ હતી!

  3. ઊર્મિ સાગર said,

    July 7, 2006 @ 9:12 PM

    સરસ રચના!!!

  4. ધરતી, ધરા, ભૂમિ « સહિયારું સર્જન - પદ્ય said,

    May 25, 2007 @ 2:39 AM

    […] બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું, તમે  જુઓ  છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું. – ઇન્દ્ર શાહ ( ઓહાયો) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment