બાધા વાદળની – ડૉ. જગદીપ નાણાવટી
ખાઈ ખાઈને કસમો ખાધી ઝાકળની!
મધદરિયે હોડી હંકારી કાગળની?
મૌન સમી માતા જડશે નહીં ભાષાની,
શબ્દો મીઠી ધારા એના આંચળની.
આંખોના ભીના ફળિયામાં જાવું શું?
દ્વાર ઉપર સાંકળ ભીડી’તી કાજળની.
બંધ અમે બાજી રમતા’તા જીવતરની,
સહેજ હતી ચિંતા ના પત્તાં પાછળની.
ચંદ્ર અમે બબ્બે ક્યાંથી સાંખી લઈએ,
આજ અમે બાધા લીધી’તી વાદળની.
– ડૉ. જગદીપ નાણાવટી
કવિતા પસંદ પડવી-ન પડવી એ ભાવકની જે તે સમયની મનોસ્થિતિ પર અવલંબે છે. એની એ કવિતા ક્યારેક વાંચતાવેંત ખૂબ જ ગમી જાય અને ક્યારેક દીઠી ન ગમે એવું બની શકે. આ ગઝલ પહેલી વાર વાંચી હતી ત્યારે મન મોહી ગયું હતુ. આજેય પહેલા ત્રણ શેર એ જ રીતે મોહે છે, પણ ચોથો શેર થોડો સાધારણ લાગ્યો ને વળી પાંચમો શેર એવો જ સરસ. વાદળની બાધા રાખી આકાશમાંના ચાંદને અદૃશ્ય કરાવી કેવળ ચંદ્રમુખી પ્રિયાને જ નજર સન્મુખ રાખવાની વાત જ કેવી સરસ! અને વાદળની બાધા જેવો અનૂઠો પ્રયોગ તો જગદીપા નાણાવટી જેવા હટ કે ગઝલકાર જ કરી શકે…


Muktida said,
January 3, 2026 @ 12:23 PM
સરહ
વ્રજેશ said,
January 3, 2026 @ 12:27 PM
સાચું
Sunil said,
January 3, 2026 @ 3:11 PM
સરસ
Dr.Bipin Thacker said,
January 3, 2026 @ 3:44 PM
વાહ! સુંદર 👌👍
Shailesh Gadhavi said,
January 3, 2026 @ 3:45 PM
વાહહ
Kishor Ahya said,
January 3, 2026 @ 5:35 PM
ડૉ.જગદીપ નાણાવટી ની “બાધા વાદળની” ગઝલના પાંચેય શેર ગમી જાય તેવા થયા છે તેમજ દરેક શેર સરસ મજાના અર્થ ધરાવે છે. સ્વતંત્ર શેર વાળી આ ગઝલ ના બીજો અને ત્રીજો શેર બહુ ગમ્યા..
મૌન સમી માતા જડશે નહીં ભાષાની,
શબ્દો મીઠી ધારા એના આંચળની.
મૌન એક ભાષા છે અને આ ભાષા જેને વાચતા આવડી જાય, પ્રગટ કરતા આવડી જાય તેને બીજી કોઈ સમજની જરૂર રહેતી નથી એટલેજ કવિએ અહીં મૌનને ભાષાની માતાનું બિરુદ આપ્યું છે. ભાષાની ધરી મૌન છે. આ દેખાતા બ્રહ્માંડમાં પણ એક મહાશૂન્ય ની ધરી હોવાનું કહેવાય છે! શોધ ચાલી રહી છે, પણ હકીકત છે કે જ્યાં પણ ચક્ર ચાલતું હોય ત્યાં એક સ્થિર ધરી હોવી જ જોઈએ, તો જ તે પર ચક્ર ફરી શકે. આમ મૌનને શબ્દની ધરી કહી શકાય.શબ્દ પ્રગટ સ્વરૂપ છે જ્યારે મૌન સ્થિર અપ્રગટ સ્વરૂપ છે. કવિ શ્રી એ બહુજ સરસ કહ્યું છે “શબ્દો મીઠી ધારા એના આંચળની”.
તે પછીનો શેર
“આંખોના ભીના ફળિયામાં જાવું શું?
દ્વાર ઉપર સાંકળ ભીડી’તી કાજળની”
આ વ્યક્તિગત બાબતને સ્પર્શ કરતો શેર જણાય છે પણ શેરની રચના અને શબ્દો ખૂબ મજાના છે. આંખના કાજળને કવિ સાંકળ કહે છે !વાહ! ખૂબ સરસ કલ્પનો.
છેલ્લો શેર થોડો ગહન છે.
ચંદ્ર અમે બબ્બે ક્યાંથી સાંખી લઈએ,
આજ અમે બાધા લીધી’તી વાદળની.
આ શેરના વિવિધ અર્થ હોય શકે, મને લાગે છે કવિ જે બે ચંદ્ર ની વાત કરે છે તેમાં એક ચંદ્ર એ આકાશમાં નો ચંદ્ર ,અને બીજો ચંદ્ર તે નાયકની કોઈ પ્રિયતમાંને કવિએ ચંદ્રની ઉપમા આપી હોય. “ચંદ્ર અમે બબ્બે ક્યાંથી સાંખી લઈએ” ……
નાયક કહે છે “આજ અમે બાધા લીધી’તી વાદળની”
વાદળ આવતા ચંદ્ર આડે વાદળ હશે જેથી નાયક આકાશમાંના ચંદ્રની જગ્યાએ પોતાની ચંદ્રમુખી
નું મુખ જોઇ શકે.
નાયકે અહીં એક સાથે બે ચંદ્ર ક્યાંથી સાખી લઈએ તેમ કહીને પ્રિયતમાનું ખૂબ માન વધાર્યું છે, અને તેના માટે બાધા પણ રાખી! તેમ કહીને તેણે પ્રિયતમા માટે પોતાનો ખુબજ સુંદર ભાવ પ્રગટ કર્યો છે.
સ્વતંત્ર શેરની એક મજા છે.જ્યારે ખીલે ત્યારે કઈ બાકી ન રહે,તેવા ખીલી ઊઠે પણ ઘણીવાર એટલા ગહન હોય કે અર્થો સુજવા જરા મુશ્કેલ લાગે.
કવિ શ્રી ડૉ.જગદીપ નાણાવટી ની “બાધા વાદળની” સરસ ગઝલ છે. શ્રી.વિવેકભાઈએ ગઝલની સરસ પસંદગી કરી છે.
🌹🌹🌹🌹
વિવેક said,
January 3, 2026 @ 5:55 PM
@કિશોર આહ્યા:
હંમેશ મુજબ સવિસ્તર પ્રતિભાવ આપવા બદલ હૃદયથી આભારી છું… આ વેળા તો સવિશેષ આભાર માનવાનો… સવારે ઉતાવળમાં પાંચમાં શેરમાં ‘વાદળની બાધા’ સંદિગ્ધ લાગી હતી, પણ મુંબઈના સુશ્રી માના વ્યાસ અને શ્રી કિશોર આહ્યાના પ્રતિભાવે લાંબા સમય પહેલાં જે મનોસ્થિતિમાં આ ગઝલ સુવાંગ ગમી ગઈ હતી, એ મનોસ્થિતિમાં ફરી પહોંચાડ્યો… બંને મિત્રોનો દિલથી આભાર અને કવિની ક્ષમાપના…
jagdip nanavati said,
January 4, 2026 @ 9:44 AM
સહુનો આભાર…..
jagdip nanavati said,
January 4, 2026 @ 11:03 AM
સહુનો આભાર….