તું મને જોતાની સાથે ઓળખી લેશે, ન ડર;
ખુશબૂ પહેરીને ઊભો છું, છાંટીને ઝાકળ જરા.
વિવેક મનહર ટેલર

પથપ્રવર્તક કાવ્યો: ૦૮ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ

(સૉનેટ-હરિગીત)

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, આ સૌ મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(સાછંદ પદ્યાનુવાદ: વિવેક મનહર ટેલર)

કવિતાનો જાદુ આપણી સમજણ બહારનો છે… કાગળના ટુકડા પર લખેલી કવિતા ક્યારેક કોઈ વ્યક્તિનું જીવન બદલી નાંખે, તો ક્યારેક આખેઆખા સમાજની કાયાપલટ કરી નાંખે… ક્યારેક એ કોઈક વસ્તુનો અર્થપલટો કરી દે તો ક્યારેક તો દેશ-દુનિયામાં આગ બનીને ફરી વળે… લયસ્તરોની એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે રજૂ થઈ રહેલ આવી પથપ્રવર્તક અને યુગપ્રવર્તક કવિતાઓની શૃંખલામાં આજે એક એવી કવિતા જેણે એક મહાપ્રતિમાની અને એની રૂએ એક દેશની ઓળખ બદલી નાંખી…

૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ અમેરિકાને આઝાદી મળી, એના સો વર્ષ પૂરા થયાનો ઉત્સવ ઉજવવા, તેમજ અમેરિકા સાથે રાજનૈતિક મૈત્રી વિકસે અને પ્રજાસત્તાકવાદને બહાલી મળે એ હેતુસર ફ્રાન્સે અમેરિકાને વિશાળ પ્રતિમા ભેટ આપવાનું નક્કી કર્યું. મૂર્તિ ફ્રાન્સ આપે અને એને ઊભી કરવા માટેની કુંભી અમેરિકા બનાવે એમ નક્કી થયું. ગંજાવર કુંભીનિર્માણ માટે આવશ્યક પૈસા ઉઘરાવવા અનેક કાર્યક્રમો યોજાયા. અમેરિકન કવયિત્રી એમા લેઝારસે આ ઉપક્રમના જ એક ભાગરૂપે એક સૉનેટ લખી આપ્યું. ૧૮૮૩ના નવેમ્બરથી ૧૮૮૫ના ઓગસ્ટ સુધી ચાલેલ પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર એ લગાવવામાં આવ્યું, ઉદઘાટન પણ આ સૉનેટના વાંચનથી કરાયું અને પૈસા ઉઘરાવવા માટે થયેલ નિલામી દરમિયાન પણ એનું પઠન કરાયું. લગભગ બે વરસ ચાલેલ પ્રદર્શની સાથે સતત સંકળાયેલ હોવા છતાં ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે કોઈએ આ રચનાને યાદ ન કરી અને પછી તો એ સાવ ભૂલાઈ જ ગયું. કવયિત્રીના મૃત્યુના ચૌદ વર્ષ પછી ૧૯૦૧માં એમની એક સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી એક પુસ્તક મળ્યું, જેમાં આ સૉનેટ હતું. જ્યૉર્જિનાના બે વરસના અથાક પ્રયત્નોના પરિણામે ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં એક તકતી પર આ સૉનેટ મૂકવામાં આવ્યું. બસ, ત્યાંથી આ સૉનેટનો જાદુ શરૂ થાય છે…

એ સૉનેટ જેણે એના સર્જકને કોઈ જ નામના અપાવી નહોતી, એ સૉનેટ જે દોઢ દાયકા સુધી ગાયબ થઈ ગયું હતું, એ સૉનેટની બીજી ઇનિંગ અકલ્પનીય રીતે દમદાર સિદ્ધ થઈ. છેલ્લી સવા શતાબ્દીની સૌથી વધુ ખ્યાતનામ અને સૌથી વધુ ટંકાયેલી કવિતાઓની યાદીમાં એ આજે અગ્રમિ સ્થાને બિરાજે છે. સૉનેટ અને લેડી લિબર્ટી હવે પરસ્પર સાથે તાણાવાણા પેઠે વણાઈ ચૂક્યાં છે. લેડી લિબર્ટીનો મૂળભૂત અર્થ હતો આઝાદી.

જે લોકો આ કવિતા વિશે કશું જાણતા નથી એ લોકો પણ અમેરિકાને અને લેડી લિબર્ટીને ‘આવકાર’ ગણીને જોતાં થયાં છે એ આ કવિતાના સાર્વત્રિક જાદુને આભારી ગણાય. પ્રતિમાનું નિર્માણ તો આઝાદીની શતાબ્દીની ઉજવણી, રાજનૈતિક મૈત્રી અને આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદના પ્રતિક તરીકે થયું હતું, પણ આ કવિતાએ લેડી લિબર્ટીને દુનિયાભરના બેસહારા અને બહિષ્કૃત લોકોને માટે આશાનું કિરણ હોય એવી આવકારો દેતી મા તરીકે સ્થાપિત કરી દીધી. મૂળ હેતુ જ બદલી નાંખ્યો. લગભગ સવા શતાબ્દીથી સ્વાતંત્ર્યદેવીની ગંજાવર પ્રતિમા હાથમાં આશાની ઝળહળતી જ્યોત લઈને નિર્વાસિતોનું અનૌપચારિક સ્વાગત કરી રહી છે. આજે પણ અમેરિકામાં દેશાંતર અને રાષ્ટ્રીય ઓળખની ચર્ચાઓમાં એમાનું સૉનેટ અચૂક ટાંકવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસને પણ એમાની પંક્તિઓમાં ઉમેરણ કરી વિદેશનીતિ ઘડવાની કોશિશ કરી હતી, જેને પાછળથી કોર્ટે અવમાન્ય ઠરાવી હતી. કોઈ દેશની આંતરરાષ્ટ્રીય નીતિઓ ઘડતી વખતે કોઈ એક જ કવિતા અવારનવાર ટાંકવામાં આવે અને કવિતાને કાયદાની રૂએ માન આપીને કવિતાની પંક્તિઓ દેશના ધારાધોરણ ઘડવામાં નિમિત્ત બને ત્યારે સમજાય કે સફેદ કાગળના ટુકડા પર લખાયેલ ગણતરીના કાળા અક્ષરોની કવિતાનો સાચો જાદુ શું છે!

11 Comments »

  1. વિવેક said,

    December 16, 2025 @ 7:27 AM

    The New Colossus

    Not like the brazen giant of Greek fame,
    With conquering limbs astride from land to land;
    Here at our sea-washed, sunset gates shall stand
    A mighty woman with a torch, whose flame
    Is the imprisoned lightning, and her name
    Mother of Exiles. From her beacon-hand
    Glows world-wide welcome; her mild eyes command
    The air-bridged harbor that twin cities frame.
    “Keep, ancient lands, your storied pomp!” cries she
    With silent lips. “Give me your tired, your poor,
    Your huddled masses yearning to breathe free,
    The wretched refuse of your teeming shore.
    Send these, the homeless, tempest-tossed to me,
    I lift my lamp beside the golden door!”

    – Emma Lazarus

  2. Kishor Ahya said,

    December 16, 2025 @ 5:20 PM

    એમા લેઝારસ “ધ ન્યૂ કોલોસસ” કવયિત્રી એમા લેઝારસ.
    સ્ટેચ્યુ ઑફ લિબર્ટી અથવા સ્વતંત્રતાની મૂર્તિ, જેને સત્તાવાર રીતે લિબર્ટી એનલાઈટનીંગ ધ વર્લ્ડ નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમા ન્યુ યોર્ક સિટી હાર્બરના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવી છે.

    સ્વાતંત્ર્યદેવીનું આ પૂતળું ફ્રાન્સ દ્વારા મૈત્રીના પ્રતીક રૂપે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાને ભેટ મળેલું છે. પૂતળું કંડારવા માટે ફ્રેન્ચ નાગરિકોએ નાણાંનું દાન કરેલું, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોએ તેની બેઠક તૈયાર કરવા માટે ફાળો એકઠો કરેલો.પરંતુ આ ભંડોળ ઓછું પડતા કામ અટકી
    ગયેલં ત્યારે લેખક કોન્સ્ટન્સ કોરી હેરિસને એમા લાઝરસને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના બાંધકામ માટે ભંડોળ એકત્ર કરવા માટે લોકો સમક્ષ એનું મહત્વ મૂકી શકાય તેવી કેટલીક કવિતાઓ લખવા વિનંતી કરી. પરિણામે “ધ ન્યૂ કોલોસસ” નામનું સોનેટ લખાયું. કવયિત્રી એમા લેઝારસ યહૂદી હતાં અને જ્યારે યહૂદીઓ પોતાની ભૂમિ છોડવાણી ફરજ પડી હતી ત્યારે ઇમિગ્રન્ટ્સનું યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કવિતા તેમની સૌથી પ્રભાવશાળી કૃતિઓમાંની એક હતી, જેણે પ્રતિમાના અર્થને સ્વતંતતાની સાથે આવકારાના પ્રતીકમાં પરિવર્તિત કરી. આ કવિતા “ધ ન્યૂ કોલોસસ” (નવો વિશાળ સ્તંભ) તરીકે ઓળખાય છે, આ કાવ્ય સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ના અંદરના ભાગે ૧૯૦૧ પછી તકદીરૂપે મૂકવામાં આવ્યું છે. એમા લેઝારસ ન્યુયોર્કમાં એક શ્રીમંત સેફાર્ડિક-યહૂદી પરિવારમાં જન્મેલી, તેણીએ પોતાના લેખનનો ઉપયોગ થાકેલા અને ગરીબ લોકોને અમેરિકામાં આશ્રય મળે એવા હેતુથી આશાના કિરણ તરીકે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પ્રતિકાત્મક અર્થ તરીકે આ કાવ્ય બનાવ્યું. (જોકે દુર્ભાગ્યે આજે આ ભાવનાનું અમેરિકન સરકાર દ્વારા સ્વાગત થતું નથી તે દુખની વાત છે.)

    “ધ ન્યૂ કોલોસસ” કાવ્ય સાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ના બાંધકામ સાથે સંકળાયેલા લોકોને સીધો સંબંધ હતો કેમકે લોકોને ફાળો આપવા માટે આ કાવ્ય ખૂબ પ્રેરણા દાઈ બન્યું હતું.તેમ છતાં અગમ્ય કારણોસર સન ૧૮૮૬માં સ્મારકના ઉદ્ઘાટન સમારોહમાં કાવ્યનો ઉલ્લેખ પણ કરાયો ન હતો!

    “ધ ન્યૂ કોલોસસ” બહુજ ઉમદા શબ્દોથી રચેલું કાવ્ય છે

    “અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
    એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
    છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
    ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
    એક વિશ્વવ્યાપી આવકારો;”

    અહીં આપણા સૂર્યાસ્તી સાગર દ્વારા ધોવાયેલા બારણે
    ઊભશે એક શક્તિશાળી સ્ત્રી. જેના હાથમાં મશાલ હશે, જેની જ્યોતમાં વીજળી પણ કેદ હશે. નિર્વાસિતોની મા એનું નામ.
    ને દીવાદાંડી જેવો ચમકતો હાથ
    આપતો રહેશે એક વિશ્વવ્યાપી આવકારો.

    “રાખો પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
    એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
    ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
    મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
    ઘરહીન, આંધી-પીડ્યા, આ સૌ મોકલો મારી કને,
    હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

    ઓ મહાન નગરો, તમારી ચિત્કારતી ભવ્ય કથાઓ તમારી પાસે રાખો, મને આપો ઘર વગરના, થાકેલા ગરીબોને ,કે જે મુક્તિ માટેના શ્વાસો ઝંખે છે. હું દીવો લઇને ઊભી છું આ સ્વર્ણ બારણાની બાજુમાં. કવયિત્રી એ અમેરિકાને સ્વર્ણનું બારણું કહ્યું છે! વાહ !

    કવિતા સાંભળતાજ લોકોએ દાનનો પ્રવાહ વહેવડાવી દીધો ને ઝોળી છલકાય ગઈ. આ છે કવિતાની તાકાત! અને તેને માણવાનો આનંદ.

    ખૂબ મજા આવી વિવેકભાઈ, ખૂબ સરસ અનુવાદ અને એટલોજ સરસ આસ્વાદ આપ્યો. કવયિત્રીને આવું સુંદર કાવ્ય રચવા બદલ ખૂબ ખૂબ:, ધન્યવાદ.

    🌹🌹🌹🌹

  3. નેહા said,

    December 16, 2025 @ 6:47 PM

    I lift my lamp beside the golden door!
    વાહ વાહ વાહ!

  4. ઊર્મિ said,

    December 16, 2025 @ 7:47 PM

    Visited Lady Liberty many times and much often but I will have yet to find this sonnet next time I visit her again 😀

    સુંદર સોનૅટનું સ-રસ રસપાન કરાવ્યું…
    આખી શૃંખલામાં ભાગ લેવાની ખૂબ જ મજા પડી

  5. Shailesh Gadhavi said,

    December 16, 2025 @ 8:05 PM

    વાહ વાહ!!

  6. ધવલ said,

    December 16, 2025 @ 8:26 PM

    For the nation that is built by immigrants, this poem is not just an invitation to the huddled masses of the world, it is also a blueprint for the prosperity.

  7. Pinki Pathak said,

    December 16, 2025 @ 10:49 PM

    લયસ્તરો અને તેની ટીમને એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે અઢળક અભિનંદન 💐

    આ પ્રસંગે પથપ્રવર્તક કાવ્યશ્રેણીને માણવાની અને જાણવાની ખૂબ મજા પડી.
    લયસ્તરો તરુણાવસ્થાથી પુખ્તાવસ્થા તરફ ડગલા ભરી રહ્યું છે ત્યારે આ કાવ્યો તેની સાક્ષી બની રહે છે.

  8. Parbatkumar Nayi said,

    December 17, 2025 @ 7:52 PM

    વાહ સરસ રસપાન
    લયસ્તરો ટીમને એકવીસમી વર્ષગાંઠ પ્રસંગે અઢળક અભિનંદન 💐🥰🥰🥰🥰

  9. વિવેક said,

    December 18, 2025 @ 11:06 AM

    પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

    ખાસ આભાર શ્રી કિશોર આહ્યાનો, જેમણે સ્થળસંકોચના ભયે જે માહિતીઓ આપવાનું મારે જતું કરવું પડ્યું હતું, એ માહિતી કમેન્ટ સ્વરૂપે પૂરી પાડીને લેખને સંપૂર્ણતા બક્ષી… આભાર!

  10. Mungla Hiren said,

    December 19, 2025 @ 11:36 AM

    જોરદાર અનુવાદ,.

  11. Nitin Vadgama said,

    December 27, 2025 @ 12:30 PM

    આનંદ…આભાર, વિવેકભાઈ.કવિતા સાથેનું નિસબતપૂર્વકનું તમારું સગપણ ગમે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment