પથપ્રવર્તક કાવ્યો: ૦૨: માચુ પિચ્ચુની ઊંચાઈઓ (સર્ગ ૧૨) – પાબ્લો નેરુદા
ઊઠ મારી સાથે જન્મ લે, મારા ભાઈ.
તારા દુઃખોથી ઘવાયેલા અંતરના ઊંડાણથી
મને તારો હાથ આપ.
તું હવે આ પથ્થરની કિલ્લેબંધીમાંથી પાછો નહીં ફરે.
તું હવે આ સમયના ભૂગર્ભમાંથી બહાર નહીં આવે.
તારો તૂટેલો અવાજ પાછો નહીં આવે,
ને તારી ફૂટી ગયેલી આંખો ફરી નહીં ઉઘડે.
ધરતીના તળિયેથી મારી સામે જો,
ખેતરના ખેડનાર, વણકર, નરમ ભરવાડ,
કુળપ્રતીક ગાયોના પાલક,
જોખમી પાલખ પર ઉભેલા કડિયા,
એન્ડીઝના આંસુ ખાળનાર,
રુક્ષ આંગળીઓવાળા ઝવેરી,
રોપાઓ વચ્ચે બેચેન ખેડૂત,
પોતાની માટીમાં ઓગળી ગયેલા કુંભાર—
આ નવજીવનના પ્યાલામાં
તારા પ્રાચીન દફન થયેલા દુઃખો ભરી દે.
મને તારું લોહી અને તારો ચાસ બતાવ;
મને કહે: અહીં મને કોડા મારવામાં આવ્યા હતા
કારણ કે રત્ન જરા ઝાંખું હતું અથવા તો ધરતીએ
ધર્માદો ભરવા જેટલા ય પાક કે પથ્થર ન આપ્યા.
મને એ પથ્થર બતાવ જેના પર ઠોકર ખાઈને તું પડ્યો હતો,
અને એ ક્રોસ બતાવ જેના પર તેમણે તારા શરીરને જડી દીધું હતું.
જૂનાં ચકમક ઘસીને સળગાવ પુરાણા દીવાઓને, સળગાવ સદીઓથી ઘા પર
ચોંટેલા ચાબુકને અને સળગાવ લોહીથી ચમકતી કુહાડીઓને.
હું તમારા મૃત મુખ વતી બોલવા આવ્યો છું.
આખી ધરતી પરના
મૃત હોઠોને એકઠા કરો,
આ લાંબી રાતને મારી બાજુમાં એવી ગોઠવો
જેથી લાગે કે હું તમારી સાથે જ અહીં લંગર નાખીને પડ્યો છું.
અને કહો મને બધી કથા, સાંકળ દર સાંકળ,
કડી દર કડી, અને પગલે દર પગલે;
એ છરીઓની ધાર કાઢો જે તમે છુપાવી રાખી હતી,
તેમને મારી છાતીમાં અને મારા હાથમાં ભોંકી દો,
સૂર્યકિરણોના ધાડાની જેમ,
ધસમસતા મૃત દીપડાઓની જેમ,
અને મને રડવા દો: કલાકો સુધી, દિવસો સુધી, વર્ષો સુધી,
અંધ યુગો સુધી, યુગાંતરો સુધી.
અને આપો મને મૌન, આપો મને પાણી, આપો આશા.
મને સંઘર્ષ આપો, લોઢું આપો, જ્વાળામુખી આપો.
તમારા શરીરોને ચુંબકની જેમ મારા શરીર સાથે ચોંટી જવા દો.
ઝડપભેર મારી નસોમાં અને મારા મુખ સુધી આવો.
બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.
– પાબ્લો નેરુદા
(અનુવાદઃ ધવલ શાહ)
આજે પથપ્રવર્તક રચનાઓમાં બીજી પસંદગી હું ચીલી દેશના મેઘાવી કવિ પાબ્લો નેરુદાની શિરમોર રચના ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ની કરું છું.
આ કવિતા સમજવા માટે પહેલા આપણે નેરુદા અને એમના સમય-સ્થાનને સમજવા રહ્યા.
પાબ્લો નેરુદાએ એમના લેખનની શરૂઆત ઉત્કટ પ્રેમ કવિતાઓથી કરી. એમનો પ્રેમકાવ્યોનો પહેલો જ સંગ્રહ એવો તો અદભુત હતો કે આજે પણ એમની પ્રેમ-કવિતાઓ વંચાય, વખણાય અને જીવાય છે. (એ કવિતાઓનો જાદુ સમજવા માટે રસિકોને Il Postino: The Postman ફિલ્મ જોવા ભલામણ છે.)
પણ સમય જતા અને દુનિયાને જોવાના અનુભવમાંથી પસાર થતા (નેરુદાએ દસ વર્ષથી વધુ સમય એશિયા અને યુરોપના વિવિધ દેશોમાં ચિલીની દૂતાવાસોમાં કાઢેલો) કવિ ધીરે ધીરે રાજકીય વિચારો તરફ ખેંચાતા ગયા અને સામ્યવાદના રંગે રંગાતા ગયા.
1940ના દાયકાની શરૂઆતમાં કવિ માચુ પિચ્ચુની મુલાકાતે ગયા. માચુ પિચ્ચુ એ પંદરમી સદીમાં ઈન્કા સંસ્કુતિના લોકોએ એન્ડિઝના ઊંચા શિખરોની ઉપર બનાવેલું શહેર છે. પથ્થરમાં જાણે કવિતા રચી છે એમ કહી શકો. આ શહેર ચાર સદીઓ સુધી ભુલાઈ ગયેલું અને 1911માં ફરી મળી આવેલું.
માચુ પિચ્ચુની સફર નેરુદા મારે પ્રસવપીડા સમાન નીવડી.
નેરુદા એક તો દુનિયા જોઈને માણસાઈથી હાથ ધોવા પર આવી ગયેલા. શહેરોમાં વસતા માણસોની એકલાતા અને પીડા એમના મનમાં ઘૂમતી હતી. સામે સામ્યવાદી વિચારધારા એમને બીજી બાજુ ખેંચાતી હતી. આ બધાની વચ્ચે માચુ પિચ્ચુની પાષાણ-દુનિયાની યાત્રા એમના પર સિદ્ધાર્થની નગરયાત્રા જેવી અસર કરી ગઈ.
થોડા સમય પછી એમણે ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ નામનું દીર્ઘ કાવ્ય પ્રગટ કર્યું. એના બાર સર્ગ છે. શરૂઆતમાં કવિ આધુનિક નાગરોના ખાલીપા, નૈતિક અધઃપતન, માણસને મારી નાખરી એકવિધતા અને એક માત્ર વિકલ્પ મૃત્યુની વાત કરે છે. માચુ પિચ્ચુને જોતા જ એ એના પ્રેમ પડી જાય છે. પહેલા એ નગરનો અને પછી એ નગરના નિવાસીઓનો વિચાર કરવા માંડે છે. એમને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ નગર કોઈ રાજાનું નગર નથી. આ તો ત્યાંની સ્થાનિક પ્રજાનું સર્જન છે જેને ઇતિહાસ સંપૂર્ણપણે ભૂલી ગયો છે.
અને કવિતાની ચરમસીમા એના બારમા સર્ગમાં આવે છે જેને અહીં રજુ કર્યો છે.
પેહેલી જ પંક્તિમાં કવિ માચુ પિચ્ચુના ભૂલાયેલા સ્થાનિક લોકોને આવાહન કરે છે: ‘ઊઠ મારી સાથે જન્મ લે, મારા ભાઈ.’ કવિ પોતાનો નવો જન્મ થતો જુવે છે અને સાથે જ ભુલાયેલી પ્રજાને પણ ફરી જન્મ લેવા કહે છે.
ધરતીના ઊંડાણમાંથી, સમયની ગર્તમાંથી, પથ્થરની કેદમાંથી એ ભુલાયેલી પ્રજાને બહાર આવવા માટે સમજાવે છે. એ રાજાને નથી બોલાવતા પણ ખરી પ્રજા – ખેડૂત, વણકર, ભરવાડ, કડિયા, ઝવેરી, કુંભાર – ને બોલાવે છે. એ એમના દુઃખો અને એમના પાર થયેલા સીતમોમાં ભાગીદાર થવા માંગે છે.
કવિ ઈચ્છે છે કે મૃત લોકો એમના મોઢા દ્વારા ફરી બોલે. અને શું બોલે? એમની ભુલાયેલી કથા બોલે. એક એક ઘા ની કથા બોલે. સાંકળોની વચ્ચે જીવાયલી એમની જિંદગીની વ્યથાઓ બોલે. એમની એક એક પીડાઓ બોલે. અને કવિ આ પીડાને યુગો સુધી જીવ્યા કરે.
કવિના માટે આ યુગોની પીડામાંથી ફરી ને ફરી પસાર થવાની સફર છે. એટલે જ એ છેલ્લી પંક્તિમાં લખે છે: “બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.”
કવિ પોતે ભુલાઈ ગયેલી સ્થાનિક પ્રજાની પીડાને પ્રગટ કરવાનું સાધન માત્ર બની જાય છે.
કવિતા પ્રગટ થતા જ આ પ્રચંડ અનુભવના વિશાળ પડઘા ચારે તરફ પડ્યા. આ કવિતા -અને એને સમાવતા આખા સંગ્રહ Canto General (‘સાર્વત્રિક ગીત’)- એ લેટિન અમેરિકાના લોકોની સામુહિક ચેતનાને જગાડી દીધી. અત્યાર સુધી લેટિન અમેરિકન પ્રજા પોતાને colonial નજરથી જ જોવા ટેવાયેલી હતી. આ કવિતાએ એમને પોતાની સંસ્કૃતિને માન આપતા શીખવાડ્યું. દેશની સીમાઓ તોડીને લેટિન અમેરિકા એક ખંડ તરીકે સાથે ઉભો રહેતો થયો. એ યુરોપિયન ઘૂસ્ણખોરોએ ભેટ આપેલી લઘુતાગ્રંથીમાંથી બહાર આવીને પોતાની એક ઓળખાણ ઉભી કરી શક્યો.
થોડા લોકો પર અસર કરી શકે તો ય કવિતાનું જીવન સિધ્ધ થયું ગણાય. અને આ કવિતાએ તો એક ઝાટકે એક આખા ખંડની દિશા બદલી નાખી.
જ્યારે નેરુદાને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે નોબેલ કમીટીએ નોંધેલું: “….a poetry that with the action of an elemental force brings alive a continent’s destiny and dreams.”




ઊર્મિ said,
December 10, 2025 @ 10:31 AM
એકદમ જોરદાર… બંને કાવ્યોનાં સુંદર અનુવાદ અને રસાસ્વાદથી ઘણું નવું જાણવા મળ્યું.
દમયંતી બારોટ said,
December 10, 2025 @ 2:10 PM
ખૂબ જ સુંદર અને આજે પણ એટલી જ પ્રસ્તુત …આવી સુંદર કવિતાઓ સાહિત્ય પ્રેમીઓને પહોંચાડવા બદલ આપને સેલ્યુટ 🫡સલામ દોસ્ત..
વિવેક said,
December 10, 2025 @ 2:33 PM
વાહ ધવલ…
કવિતા તો અદભુત છે જ, એની પાછળનો ઇતિહાસ, તારો અનુવાદ અને આસ્વાદ પણ એવા જ સંતર્પક અને નખશિખ આસ્વાદ્ય છે… ખૂબ મજા આવી…
Kishor Ahya said,
December 10, 2025 @ 5:06 PM
લયસ્તરો ની ૨૧મી વર્ષગાંઠ નિમિતે ‘ પથ ‘ દર્શક શ્રેણીમાં આજે શ્રી ધવલભાઈ એ રજૂ કરેલ પથપ્રવર્તક કાવ્યો: ૦૨: માચુ પિચ્ચુની ઊંચાઈઓ (સર્ગ ૧૨) – પાબ્લો નેરુદા.
અછાંદસમાં દર્શાવેલ વિષય પિચ્ચુની કવિએ મુલાકાત લીધી ને એમના હૈયાએ જે વલોપાત સર્જ્યો તે એક કાગળમાં ઉતરી ગયો. એ છે આ અછાંદસ.
આ પૃથ્વી પર પિચ્ચુ જેવા અનેક સ્થળો મળી આવ્યા છે લગભગ દરેક દેશોમાં કોઈને કોઈ જગ્યાએ ખોદકામ કરતા નાની મોટી વસ્તી ધરાવતા હોય તેવા શહેરો કે ગામડાઓના ખંડેરો મળી આવ્યા છે, જ્યાં હજારો પ્રવાસીઓ રોજ મુલાકાતો લે છે, હરે છે, ફરે છે, પોતાની જાણકારી મુજબ આ ખંડેરોમાં રહેતા હતા તે મનુષ્યો વિશે કલ્પનાઓ કરે છે ને વિદાય લે છે,પણ આવા કોઈક પાબ્લો નેરુદા જેવા કવિ હૃદય ધરાવતા વ્યક્તિ જ્યારે મુલાકાત લે છે ત્યારે તેઓને આ નગરમાં રહેતા હતા તે મનુષ્યો નહી, પણ આ મનુષ્યોના મૃત શરીરો દેખાય છે જેમાં….
“ખેતરના ખેડનાર, વણકર, નરમ ભરવાડ,
કુળપ્રતીક ગાયોના પાલક,
જોખમી પાલખ પર ઉભેલા કડિયા,
એન્ડીઝના આંસુ ખાળનાર,
રુક્ષ આંગળીઓવાળા ઝવેરી,
રોપાઓ વચ્ચે બેચેન ખેડૂત,
પોતાની માટીમાં ઓગળી ગયેલા કુંભાર—” નો ભાસ થાય છે. કવિ કહે છે
“તું હવે આ પથ્થરની કિલ્લેબંધીમાંથી પાછો નહીં ફરે.
તું હવે આ સમયના ભૂગર્ભમાંથી બહાર નહીં આવે.
તારો તૂટેલો અવાજ પાછો નહીં આવે,
ને તારી ફૂટી ગયેલી આંખો ફરી નહીં ઉઘડે.
ધરતીના તળિયેથી મારી સામે જો,”
“મને કહે: અહીં મને કોડા મારવામાં આવ્યા હતા”
“મને એ પથ્થર બતાવ જેના પર ઠોકર ખાઈને તું પડ્યો હતો,
અને એ ક્રોસ બતાવ જેના પર તેમણે તારા શરીરને જડી દીધું હતું.”
“અને કહો મને બધી કથા, સાંકળ દર સાંકળ,
કડી દર કડી, અને પગલે દર પગલે;”
“અને મને રડવા દો: કલાકો સુધી, દિવસો સુધી, વર્ષો સુધી,
અંધ યુગો સુધી, યુગાંતરો સુધી.”
પાબ્લો નેરુદા કહે છે.. “ઝડપભેર મારી નસોમાં અને મારા મુખ સુધી આવો.
બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.”
કવિ મૃત શરીરો ને કહે છે જલ્દીથી મારી નસોમાં આવી જઈ મારા લોહીમાં ભળી જાઓ અને મારા.મુખેથી બોલો, બોલો શું થયું હતું?
“મને સંઘર્ષ આપો, લોઢું આપો, જ્વાળામુખી આપો”
તમે જે કયો હતો તે સંઘર્ષ મને આપો? યુદ્ધ લડ્યા અને જે જ્વાળામુખી ને લીધે અવદશા થઈ તે મને આપો તેથી હું પણ તમારી સાથે સામેલ થઈ શકું!
કવિ કહે છે” આખી ધરતી પરના
મૃત હોઠોને એકઠા કરો,
આ લાંબી રાતને મારી બાજુમાં એવી ગોઠવો
જેથી લાગે કે હું તમારી સાથે જ અહીં લંગર નાખીને પડ્યો છું.”
કવિનો આત્મા ખંઢેરો જોઈ ત્યાં રહેનારની શી દશા થઈ હશે તેની કલ્પના થતા કકડી ઊઠ્યો છે!જે અછાંદસ રૂપે આપણી સમક્ષ છે.
આમ જુઓ તો કહેવાય છે પ્રલય પણ એક ઈશ્વરનું સ્વરૂપ જ છે, પણ જ્યારે આવે છે ત્યારે એવું લાગે કે ભગવાન તેનું આ સ્વરૂપ કોઈને ન બતાવે!
આ અસ્તિત્વ અસીમ અને કાલાતીત કહેવાયું છે. અહીં આવતા સેંકડો કે હજારો પ્રલય આ પૃથ્વીએ જોયા હશે! અને જોશે! પણ એકાએક હજારો લાખો જીવોનું નષ્ટ થઈ જવું , મંગળ ગ્રહની જેમ દરેક સર્જનનો સંપૂર્ણ વિનાશ થઈ જવો એ નાની સુની બાબત નથી, અને કોમળ હૃદય ધરાવતા મનુષ્યો ને એ ખુબજ દુઃખી કરે એ તો સ્વભાવિક જ છે. તો પણ કવિ આશા છોડતા નથી.
કહે છે
“અને આપો મને મૌન, આપો મને પાણી, આપો આશા”
ખૂબ સરસ અછાંદસ
ખૂબ સરસ અનુવાદ,આવી સરસ કૃતિની પસંદગી માટે શ્રી ધવલભાઈ7ને
ખૂબ ધન્યવાદ.
🌹🌹🌹🌹
નેહા અનીશ ગાંધી said,
December 15, 2025 @ 2:55 PM
ખૂબ સુંદર કવિતા. મસ્ત અનુવાદ.
સમસ્ત પ્રદેશને જગાડનારી આવી કવિતાઓની અત્યારે આપણા દેશને પણ જરૂર છે.
છે કોઈ!