પથપ્રવર્તક કાવ્યો: ૦૧ : જવાબ – બેઈ દાઓ
નીચતાએ નીચ લોકોને મળેલો પરવાનો છે,
ઉમદાપણું એ ઉમદા લોકોનો સમાધિ-લેખ છે.
જુઓ, આ સોનામઢયું આકાશ કેવું ઘેરાયેલું છે,
મૃતકોના તરતા બેડોળ પડછાયાઓથી.
હિમયુગ હવે વીતી ગયો છે,
તો પછી ચારેબાજુ બરફ કેમ છે?
‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે,
તો પછી હજારો વહાણો મૃત સમુદ્રમાં કેમ ઝઝૂમે છે?
હું આ દુનિયામાં આવ્યો છું,
માત્ર કાગળ, દોરડું અને પડછાયો લઈને,
ચુકાદા પહેલાં એ અવાજની ઘોષણા કરવા,
જેને પહેલેથી જ દોષિત ઠેરવવામાં આવ્યો છે:
સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!
જો તારા પગ નીચે હજારો પડકારનારાઓ કચડાયેલા પડ્યા હોય,
તો મને ગણજે એક હજાર ને એકમો.
હું નથી માનતો કે આકાશ ભૂરું છે;
હું નથી માનતો ગાજવીજના પડઘાઓમાં;
હું નથી માનતો કે સપનાઓ જુઠ્ઠા હોય છે;
હું નથી માનતો કે મૃત્યુનો કોઈ બદલો નથી હોતો.
જો સમુદ્ર કિનારાની પાળ તોડવા જ સર્જાયો હોય,
તો ભલે બધું ખારું પાણી મારા હૃદયમાં ભરાઈ જાય;
જો જમીન ઊંચે આવવા જ સર્જાઈ હોય,
તો માનવજાતને અસ્તિત્વ માટે ફરી કોઈ શિખર પસંદ કરી લેવા દે.
એક નવો સંયોગ અને ટમટમતા તારલાઓ
હવે ખુલ્લા આકાશને શણગારે છે;
એ પાંચ હજાર વર્ષની ચિત્રલિપીઓ છે,
એ આવનારી પેઢીઓની ચાંપતી નજર રાખતી આંખો છે.
– બેઈ દાઓ
(અનુવાદઃ ધવલ શાહ)
જગતનો ઇતિહાસ બદલવામાં ચાવીરૂપ કવિતાઓમાં આ પહેલી પસંદગી છે ચીનના વિદ્રોહી કવિ બેઈ દાઓની સૌથી જાણીતી રચના.
ટિઆનનમેન સ્કવેરમાં જ્યારે દેખાવો થાય હતા ત્યારે હજારો લોકો આ કવિતાની ધ્રુવપંક્તિ “”સાંભળી લે, ઓ દુનિયા, હું—માનતો—નથી!”ના પોકારો કરતા નીકળી પડેલા. આખી દુનિયા ક્રાંતિના પડઘમને બહુ આશાભરી નજરથી જોઈ રહી હતી. કમનસીબે એ ક્રાંતિને ચીનની સરકારે દાબી દીધી. હજારો લોકોનું લોહી વહ્યું અને તો ય સ્વતાંત્રતાનું સપનું તો વાંઝણું જ રહ્યું.
એના પરિણામે, બેઈ દાઓએ વર્ષો સુધી દેશ છોડી દેવો પડ્યો. આ બધા છતાં બેવતન કવિએ પોતાનો અવાજ કદી મોળો પાડવા દીધો નથી.
આ તો વાત થઇ પૃષ્ઠભુમીની. હવે વાત કરીએ કવિતાની.
આ કવિતા લખાયેલી છેક 1976માં એપ્રિલ 5ની ચળવળના અનુસંધાનમાં. (એ ચળવળના ઇતિહાસમાં ઊંડો ઉતરવાનું અહીં અસ્થાને છે) આ કવિતાએ ચીનમાં એક નવી જાતના કવિતા પ્રકારને -જેને ‘ધુમ્મસની કવિતા’ કે ‘અમૂર્ત કવિતા’ કહેવાય છે – જન્મ આપ્યો. આ કવિતામાં વિદ્રોહ અને મુક્તિની વાત રૂપકોની મદદથી કહેવાઈ છે.
કવિ શરૂઆત કરે છે કે નીચતાએ નીચ લોકોને નીચ કામ કરવાનો જાણે પરવાનો છે. જ્યારે ઉમદાપણું એ ઉમદા લોકોની કબર પરનો સમાધિ-લેખ છે એટલે કે એમને પોતાને જ દબાવી રાખે છે. સરકારે બતાવેલા સપના માટે કવિ સોનામઢયું આકાશ એવો શબ્દ વાપરે છે પણ એમાં એમને મૃતકોના પડછાયા દેખાય છે.
કવિ કહે છે કે હિમયુગ વીતી ગયો છે અને ‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે – એટલે કે કહેવાતી ‘ક્રાંતિ’ થઇ ગઈ છે તો પછી હજુ પણ કેમ ચારે બાજુ બરફ છે અને લોકો હજુ દિશા વિહોણા છે?
કવિ એવા અવાજને વાચા આપવા માંગે છે જેને ચુકાદા પહેલાં જ દોષી જાહેર કરવામાં આવ્યો છે.
અને પછી આવે છે કવિતાની ધ્રુવપંક્તિ :
“સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!”
એ આકાશના ભૂરા હોવા જેવી વાત પણ માનવાનો ઇન્કાર કરે છે. એ પણ માનવાનો ઇન્કાર કરે છે કે ગાજવીજના પડઘા એટલે કે અત્યાચારનું પુનરાવર્તન થશે. એ સપનાઓની સચ્ચાઈ અને અત્યાચારના બદલામાં પોતાની માન્યતા જાહેર કરે છે.
જો અત્યાચારનો સાગર પાળ તોડીને આવવાનો જ હોય તો કવિ પોતાના હૃદયમાં એ ખારું પાણી ભરી લેવા તૈયાર છે. (અહીં વિષ પી જવા તૈયાર શંકર ભગવાન યાદ આવે છે) અને સાથે માનવજાતને આવાહન કરે છે કે એણે પોતે જ નવું શિખર શોધી કાઢવું પડશે જ્યાં અત્યાચારી સાગર પહોંચી શકે નહીં.
કવિ છેલ્લે આશા ભરી વાત કરે છે. એ આ નવા સંજોગને આવકારે છે. તારાભર્યાં આકાશમાં એમને એકસાથે પાંચ હજાર વર્ષોની ચિત્રલિપી (ચીનની આદિ સંસ્કૃતિ) અને આવનારી પેઢીઓની ચાંપતી નજર બંને એક સાથે દેખાય છે.
હજુ સુધી બેઈ દાઓને નોબેલ પુરસ્કાર મળ્યો નથી. પણ મારું માનવું છે કે નજીકના ભવિષ્યમાં જ એમને એ પુરસ્કાર અવશ્ય મળશે.



ધવલ said,
December 9, 2025 @ 8:44 AM
The Answer
By Bei Dao
Debasement is the password of the base,
Nobility the epitaph of the noble.
See how the gilded sky is covered
With the drifting twisted shadows of the dead.
The Ice Age is over now,
Why is there ice everywhere?
The Cape of Good Hope has been discovered,
Why do a thousand sails contest the Dead Sea?
I came into this world
Bringing only paper, rope, a shadow,
To proclaim before the judgment
The voice that has been judged:
Let me tell you, world,
I—do—not—believe!
If a thousand challengers lie beneath your feet,
Count me as number thousand and one.
I don’t believe the sky is blue;
I don’t believe in thunder’s echoes;
I don’t believe that dreams are false;
I don’t believe that death has no revenge.
If the sea is destined to breach the dikes
Let all the brackish water pour into my heart;
If the land is destined to rise
Let humanity choose a peak for existence again.
A new conjunction and glimmering stars
Adorn the unobstructed sky now;
They are the pictographs from five thousand years.
They are the watchful eyes of future generations.
Varij Luhar said,
December 9, 2025 @ 11:56 AM
વાહ.આ નવતર શરૂઆતનું સ્વાગત
Nehal said,
December 9, 2025 @ 12:17 PM
લયસ્તરો ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ💐💐
સરસ ઉપક્રમ અને અદ્ભુત કવિતા!
વિવેક said,
December 9, 2025 @ 12:51 PM
વાહ ધવલ…
આ કવિતા અને એના ઇતિહાસ અંગે કોઈ જાણકારી જ નહોતી… બહુ સુંદર કવિતા અને એવો જ સ-રસ અનુવાદ અને એથીય અદકેરો આસ્વાદ…
સહેવાગ મેચની પહેલી જ બોલે સિક્સ મારે એવી લાગણી અનુભવાઈ..
Jigisha Desai said,
December 9, 2025 @ 2:02 PM
Vahhh….khub j saras
Kishor Ahya said,
December 9, 2025 @ 9:42 PM
ચીનમાં ચોથી જૂનની ઘટના તરીકે ઓળખાતા ,તિયાનમેન સ્ક્વેરમાં વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા પ્રદર્શનો 1989 એપ્રિલ થી જૂન દરમ્યાન ચાલ્યા હતા. વિરોધીઓ અને ચીની સરકાર વચ્ચે શાંતિપૂર્ણ ઉકેલ શોધવાના નિષ્ફળ પ્રયાસો પછી, ચીની સરકારે 3 જૂનની રાત્રે ચોક પર કબજો કરવા માટે સૈનિકો તૈનાત કર્યા, જેના કારણે તિયાનમેન સ્ક્વેર હત્યાકાંડ થયો. આ ઘટનાઓને ક્યારેક ’89 લોકશાહી ચળવળ, તિયાનમેન સ્ક્વેર ઘટના, અથવા તિયાનમેન બળવો કહેવામાં આવે છે.આ સંઘર્ષમાં હજારો વિધાર્થીઓ ને સ્કેવરમાં બેઠેલા સૂતેલા ક્રાંતિકારી વિધાર્થીઓને ટેંકો નીચે કચડી નાખવામાં આવ્યા, હજારો ગોળીઓથી ઘાયલ થયા.વિશ્વ એ ક્યારેય ન જોયો હોય તેવો નરસંહાર ચીન દ્વારા થયો.
ચીન સરકારના પ્રતિભાવની પશ્ચિમી સરકારો અને મીડિયા દ્વારા વ્યાપકપણે નિંદા કરવામાં આવી હતી તેમજ ચીનને આપવામાં આવતા હથિયારો પર પ્રતિબંધ મુકેલ, જ્યારે એશિયન દેશો સામાન્ય રીતે વિરોધ પ્રદર્શન દરમિયાન મૌન રહ્યા અથવા સામાન્ય વિરોધ દર્શાવ્યો.ભારતના મીડિયાએ આ ઘટનાને સામાન્ય કવરેજ આપ્યું!
આ પ્રસંગ ને અનુરૂપ બેઈ દાઓ ની અછાંદસ રચના જવાબ નો ગુજરાતી અનુવાદ શ્રી ધવલભાઈ એ કરેલંછે તેમજ ખુબજ સરસ આસ્વાદ લખેલ છે. કવિનું મૂળ નામ ઝાઓ ઝેનકાઈ છે લખવાં માટે ઉપનામ બેઈ દાઓ રાખ્યું છે.
અછાંદસ રચના વિશે કહીએ એટલું ઓછું પડે એવી ધારદાર કટાક્ષો ભરેલી રચના છે. શરૂઆત જ જુઓને..
“નીચતાએ નીચ લોકોને મળેલો પરવાનો છે,
ઉમદાપણું એ ઉમદા લોકોનો સમાધિ-લેખ છે.”
“હું આ દુનિયામાં આવ્યો છું,
માત્ર કાગળ, દોરડું અને પડછાયો લઈને,
ચુકાદા પહેલાં એ અવાજની ઘોષણા કરવા,
જેને પહેલેથી જ દોષિત ઠેરવવામાં આવ્યો છે:”
કવિ કહે છે ચુકાદા પહેલા જ તેને દોષિત ગણી લેવામાં આવ્યો છે તેથી ફાંસીનું દોરડું સાથે લઇનેજ તેઓ આવેલ છે.(આ પ્રદશન દરમ્યાન સેંકડો વિધાર્થીઓને ફાંસી આપવામાં આવેલ હતી)
“સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!
જો તારા પગ નીચે હજારો પડકારનારાઓ કચડાયેલા પડ્યા હોય,
તો મને ગણજે એક હજાર ને એકમો.”
હું તમને(સતાને) ગણતો નથી.ભલે હજારો કચડાયેલા પડ્યા હોય, એમાં એક ઉમેરી દેજો.
“જો સમુદ્ર કિનારાની પાળ તોડવા જ સર્જાયો હોય,
તો ભલે બધું ખારું પાણી મારા હૃદયમાં ભરાઈ જાય;
જો જમીન ઊંચે આવવા જ સર્જાઈ હોય,
તો માનવજાતને અસ્તિત્વ માટે ફરી કોઈ શિખર પસંદ કરી લેવા દે.”
દુનિયાભરનું દુઃખને સંતાપ જ જો મનુષ્યને મળવાનો હોય તો
(સમુદ્ર કિનારાની પાળ તોડવા જ સર્જાયો હોય) મારું હૃદય આ અત્યાચાર સહન કરશે.(ખારું પાણી) આવો અત્યાચાર ન હોય તેવી કોઈ નવી જગ્યા મનુષ્ય જાતિએ શોધવી જોઈશે.
પાંચ હજાર વર્ષની ચિત્રલિપીઓ (ચીનની ભાષા અથવા સંસ્કૃતિ) ને કવિ શ્રી બેઈ દાઓ આવનારી પેઢીઓની ચાપતી નઝર કહે છે, આ ચાપતી નઝર વાળી આંખો ચીનમાં લોકશાહી માટેની ચળવળ, લોકશાહી માટેના ઊજળા અપેક્ષિત ભવિષ્ય પર હમેશા નજર રાખતી રહેશે.
શ્રી ધવલભાઈ એ અછાંદસનો સરસ અનુવાદ કરી સરસ અછાંદસ આપેલ છે. તેઓને ધન્યવાદ.
🌹🌹🌹🌹
Kishor Ahya said,
December 9, 2025 @ 11:52 PM
“ધ આન્સર” ૧૯૭૬ માં લખાયું હતું અને ટૂંક સમયમાં તેને ચીની લોકશાહી ચળવળની પ્રતિનિધિ કવિતા તરીકે લેવામાં આવ્યું. શરત ચૂકથી આ આછંદસ ૧૯૮૯ ની ચળવળના અનુસંધાને લખાયેલું પ્રતિસાદના દર્શાવેલ છે તે અંગે ક્ષમા.
ઊર્મિ said,
December 10, 2025 @ 10:26 AM
વાહ… સાચે જ સરસ અનુવાદ અને એનાથીયે સ-રસ આસ્વાદ!!
ક્ષિતિજ પંડ્યા said,
December 14, 2025 @ 7:15 PM
ખૂબ મર્મસ્પર્શી રચના અને અનુવાદ તો સરસજ
(ત્યારે જ તો મર્મ સુધી પહોંચી શકાયું). આસ્વાદ એ આખું ચિત્ર
પૂરું કર્યું.
Amita Bhakta said,
January 17, 2026 @ 9:03 PM
Wow, what a wonderful ageless poem, feel very fresh looking at the current situation of our world. Thank you Laystaro for sharing this beautiful and meaningful poem.🙏🏽