મારા ફ્લેટમાં આવે છે ભેજ
કેમે ના સમજાતું અંદર દીવાલમાં
કે મારી આંખમાં આ લીકેજ.
– મુકેશ જોશી

નદીયું તો… – હર્ષદ ચંદારાણા

જોજનના જોજનની ખેપું ખેડું ને
.                તોય નદીયું તો આઘી ને આઘી
.       હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

પાણીનું નામ જેને આપી શકાય
.                એવું કૈં યે નથી મારી સાથમાં
નકશાઓ પાથરું તો ઠેરઠેર નીકળે
.                વાંસવન સુક્કાં આ હાથમાં
એ સળગે કે કેમ એને ઠારું કે
.                સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
.             હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં,
.                સૂસવતા પવનોના રાગે
પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં,
.                “ખળખળ”ના ભણકારા વાગે
મૃગજળ, જો હોત હું ય ભૂવો ભરાડી
.                     લેત નદીયુંને લાવવાનું સાધી
.           હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

– હર્ષદ ચંદારાણા

ગમે એટલી ખેપ ખેડો, ગમે એટલા હાથપગ હલાવો, પણ ઇચ્છાની નદીઓ કાયમ આઘી ને આઘી જ રહે છે…

5 Comments »

  1. Dr. Vrajlal Savaliya said,

    January 15, 2026 @ 12:11 PM

    વાહ શું સુંદર લય.

  2. યોગેશ said,

    January 15, 2026 @ 7:23 PM

    બળતાંને લઉં પાછાં બાંધી… વાહ🌼🙏🏼

  3. Pragna vashi said,

    January 16, 2026 @ 1:58 AM

    ખૂબ સરસ રચના , વાહહહ .
    નકશાઓ પાથરું તો ઠેર ઠેર નીકળે —–
    કવિને અભિનંદન .

  4. લતા હિરાણી said,

    January 16, 2026 @ 11:40 AM

    લગભગ દરેક માણસના જીવનનો સાર, ઈચ્છાના ઘટાટોપ જંગલોની નિસ્સારતા…. નદીયુંના પ્રતીકથી કેવી સરસ નિરૂપાઈ છે!
    લતા હિરાણી
    http://www.kavyavishva.com

  5. Vrajesh said,

    January 16, 2026 @ 11:41 AM

    વાહ… પાણીનું નામ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment