થતી નિત ગોઠડી – શશિશિવમ્
(હરિણી છંદ)
શિશુસ્વપનની સૂકી કાઠી તણી ખડકી ચિતા,
સકળ મુજ શક્તિની કાયા અચેત સુવાડીને;
સળગતું અડાયું હૈયાનું લઈ, સુપ્રદક્ષિણા
પગ લથડતે કીધી, હાથે પ્રકંપિત અગ્નિથી
પરશ કીધું છેલ્લા સંસ્કારે; જરી, મુજ અંગુલિ
લઘુ અડકી ચિન્ગારી, દાઝયો, અને સહુ અંગમાં
પ્રસરી ગઈ અગ્નિજ્વાલાઓ, રહી વધતી
જતી વધત વયની સાથે, ભાર્યો ભૂંજે ઉર ખાલીપો.
જીવતરભર્યા ખાલીપાને ખભે લઈ આથડ્યો,
દહન મહીં શેકાયું આયુ વિછિન્ન થયું, છતાં
અકળ વહતા ચૈતન્યે જે અખૂટ ભર્યું તમે
પલપલ જીવ્યો, શ્વાસે શ્વાસે તમે ધબકી રહ્યા.
નવ અવ કશો ખાલીપો ને ઉરે સભરે ભર્યા;
સતત નીરખું જોડાજોડે, થતી નિત ગોઠડી.
– શશિશિવમ્
સ્મરણથી મોટી કોઈ સંજીવની નથી. સ્મૃતિલોક એવો ઓરડો છે, જેમાં વિગત તમામ બાબતો જીવનભર યથાવત્ રહી શકે છે. જીવનપથ પર અડધેથી સાથ છોડી ગયેલ જીવનસંગિનીને વળાવવા કવિ સ્મશાને આવ્યા છે, પણ પત્નીને સૂવડાવવા માટે જે ચિતા તૈયાર કરાઈ છે એ પૂરી ન થઈ શકેલ સંતાનઝંખનાના સૂકાઈ ગયેલ કાષ્ઠ ખડકીને બનાવાઈ છે. ચિતા ઉપર જે મૃતદેહ મૂકાયો છે, એમાં કવિને પત્ની નહીં, પોતાની જ તમામ શક્તિની અચેત થઈ ગયેલ કાયા દૃષ્ટિગોચર થાય છે. લથડતા પગે પ્રદક્ષિણા કરી, હૈયાનું અડાયું લઈ કવિ ધ્રુજતા અગ્નિથી પત્નીને આખરી સ્પર્શ કરે છે ત્યારે નાનકડી ચિનગારી એમની આંગળીને અડી જાય છે અને અગનજ્વાળાઓ કવિના અંગાંગમાં પ્રસરી વળે છે. જીવનભર સંતાનસુખના નામે ખાલીપો લઈને આથડ્યા બાદ બાકીનું આયખું ચિતાગ્નિમાં શેકાઈને વિચ્છિન્ન થઈ ગયું. પણ તમામ ધધકતી તકલીફોની વચ્ચે પણ પત્નીએ જે અખૂટ ચૈતન્યથી જીવતરને ભરી દીધું હતું, એના પ્રતાપે પળેપળ અને શ્વાસે શ્વાસે એનું સાંનિધ્ય હજીય અનુભવાય છે. ખાલી થઈ ગયેલ જીવનમાં ખાલીપો અનુભવાતો નથી. નિત્ય ગોઠડી માંડતી પત્ની હજીય સતત જોડાજોડ જ હોવાનું પ્રતીત થાય છે.


જયેશ ભટ્ટ said,
November 8, 2025 @ 12:01 PM
સરસ કાવ્ય અને સુંદર આસ્વાદ વાહ
Dr. Vrajlal Savaliya said,
November 8, 2025 @ 1:09 PM
વ્યથાને વ્યક્ત કરવાનું કૌશલ્ય માત્ર કવિ પાસે જ હોય છે.
Dr. Vrajlal Savaliya said,
November 8, 2025 @ 1:13 PM
સરસ રસાસ્વાદાનુભુતિ.
Kishor Ahya said,
November 8, 2025 @ 7:14 PM
કવિ શ્રી ચંદ્રશેખર ભટ્ટ “શશિશિવમ્ ” દ્વારા રચિત હરિણી છંદમાં રચેલ કાવ્ય ” “થતી નિત ગોઠડી” એક અનોખા
પરિપેક્ષમાં લખેલ કાવ્ય છે. સ્મશાનમાં પત્નીને અગ્નિદાહ આપતી વખતે કવિ અત્યંત દુઃખી હતા અને જરા અગ્નિ સ્પર્શી જતા જ આ દુઃખ સારા શરીરમાં પ્રસરી ગયું. છેલ્લે પત્નીએ આપેલ પ્યારને યાદ કરી કવિ હૈયું હળવું કરી કહે છે મને જીવનમાં ક્યારેય ઓછું આવવા દીધું નથી. પ્રેમની પરાકાષ્ઠા તો ત્યાં છે, કહે છે મારી પત્ની મારી સાથેજ છે અને હું રોજ તેની સાથે ગોઠડી કરું છું. શું સરસ ભાવ છે !
એક વાત છે કે પત્ની સંતાનના અભાવમાં તરસતી હતી. એ સાચું છે કે સંતાનનો અભાવ પુરુષ અને સ્ત્રી બંનેને સાલે, પણ પુરુષની સરખામણીમાં સ્ત્રીને સંતાનની ખોટ વધુ સાલતી હોય છે, કારણકે સ્ત્રી હોવું અને ‘મા’ હોવું બંને વચ્ચે ઘણો તફાવત છે. જ્યારે સ્ત્રી ‘માં’બને છે ત્યારેજ એ પૂર્ણ સ્ત્રી બને છે. એક સંતાનના જન્મ સાથે એક ‘માં’નો પણ જન્મ થાય છે. આથી સંતાનનો ઝંખના સ્ત્રી માટે ખૂબ સ્વભાવિક છે અને જ્યારે એ પૂર્ણ ન થાય ત્યારે સ્ત્રીની અંદર રહેલું સઘળું માતૃત્વ એ પતિને સમર્પિત કરી દે છે. આ પ્રેમની તુલના કશે કરી જ ન શકાય! કવિ એ ક્યારેય ઈચ્છે તો પણ ભૂલી શકે નહી,એથીજ કવિ “થતી નિત ગોઠડી” એવા શબ્દો વાપરી ભાવાંજલિ આપે છે.
અહીં એક વાત કહેવાનું મન થાય છે કે સ્ત્રી માટે સંતાન પોતાની કૂખે જ જન્મેલ હોય તે જરૂરી હોતું નથી. કોઇપણ અણસમજુ બાળક માટે તેનો ઉછેર કરતા અને તેને જોઈતો પ્રેમ આપતા સ્ત્રી બાળકની અસલી માતા બની જતી હોય છે. જ્યારે પુરુષને અસલી પિતા બનતા થોડો સમય જાય છે. સંતાનની અભિપ્સાના ઘણા બધા કારણો હોય શકે, એની ચર્ચા નહી કરતા ફ્કત એક કારણ એ છે કે મનુષ્ય માત્ર તે સ્ત્રી હોય કે પુરુષ, તેમની અંદર જે પ્રેમનો દરિયો ભરેલો છે તેના મોજાઓથી મનુષ્ય માત્રને તે ભીંજવવા ઈચ્છે છે, પણ વીડંબડા એ છે કે મનુષ્યની ચેતના હજુ આ સ્ટેજે પહોંચી નથી ,લોકો પોતાના બાળકોને ભરપૂર પ્રેમ આપી પોતે પણ બાળકોનો પ્રેમ મેળવે છે.
પ્રેમીઓ પણ આજ કારણથી એકબીજા પર ગજબનો પ્રેમ ઠાલવી દે છે . સરસ રચના છે.
શ્રી વિવેકભાઈનો સરસ આસ્વાદથી કાવ્યમાં ચાર ચાંદ લાગી જાય છે. ધન્યવાદ.
🌹🌹🌹🌹
Kishor Ahya said,
November 8, 2025 @ 8:43 PM
કવિનું નામ શ્રી ચંદ્રશંકર ભટ્ટ છે.જે ભૂલથી ચન્દ્ર: શેખર લખાયેલ છે. ક્ષમા.
Vinorai said,
November 11, 2025 @ 4:01 PM
સારું કામ થાય છે.💐
Vinorai said,
November 11, 2025 @ 4:02 PM
💐