પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

ગઢની ભીંતે – અરવિંદ ભટ્ટ

હાલ્યને સૈયર ગઢની ભીંતે થાપવા જઈએ છાણાં

ભીંતને ટેકે ભીંતની માફક હુંય તે ઊભી રઈશ
વરસો જૂની થઈશ છતાં આમ એવી ને એવી હઈશ
કેટલાયે રોજ–રોજ ભલેને ખરતાં રહે પાણા

કો’ક તો વટેમારગુ તારા આંગળાઓની છાપને જોશે
કો’ક દી વટેમારગુ લીલી ભાત સુકાવી જોઈને મો’શે
પછી પરગામનો કેડો ભીંતની માફક જોઈને વાશે વા’ણાં.

– અરવિંદ ભટ્ટ

પોતાનાં ઘર તો કાચાં હોય, એટલે છાણાં થાપવા ગામડાની સ્ત્રીઓ ગઢની દીવાલનો ઉપયોગ કરતી… સહિયરને સાથે લઈને નાયિકા ગઈ છે તો છાણાં થાપવા, પણ અરમાન ગઢની ભીંતે કાયા ટેકવીને પ્રતીક્ષાની ભીંત બની જવાનાં છે. કારણ? સમયના મારથી ગઢના કાંગરા ખરે તોય ગઢ તો વરસોવરસ અડીખમ જ રહે… અણનમ અણથક અનવરત ઇંતેજારને ચાક્ષુષ કરવા માટે આથી સારું રૂપક કયું હોઈ શકે? મનનો માણીગર ક્યારેક તો આ રસ્તેથી પસાર થશે, આંગળાઓની છાપ જોઈને મોહિત થશે ને રાહ જોવું લેખે લાગશે… આખું ગીત સ-રસ થયું છે પણ એક વાત ન સમજાઈ… વાત નાયિકાના વાટ જોવાની હોય તો વટેમાર્ગુ ‘તારા આંગળાઓની છાપ જોશે’ એમ આવવું જોઈએ કે ‘મારા આંગળાઓની છાપને જોશે’ એ વધુ ઉચિત પ્રયોગ ગણાય? કે પછી બીજા બંધમાં સૈયર નાયિકાને સંબોધી રહી છે? પહેલા બંધ કરતાં બીજા બંધમાં ચાર માત્રા વધારે છે અને બીજા બંધા કરતાં એની પૂરકપંક્તિમાં વળી ચાર માત્રા વધારે છે… ઇંતેજારી વધી રહી છે એટલે?

6 Comments »

  1. Varij Luhar said,

    December 20, 2025 @ 11:32 AM

    વાહ. સરસ ગીત

  2. લલિત ત્રિવેદી said,

    December 20, 2025 @ 11:48 AM

    આપણી ભાષાના એક બળુકા કવિનું, એમનાં બીજાં ગીતો જેવું જ માતબર ગીત. કવિની વિશિષ્ટ ગઝલો પણ ઍવી જ અને અછાંદસ પણ એવાં જ.. રાજીપો

  3. નેહા said,

    December 20, 2025 @ 12:11 PM

    સરસ ગીત. કવિને અભિનંદન. આભાર લયસ્તરો.

  4. Kishor Ahya said,

    December 20, 2025 @ 5:30 PM

    નાયિકા કહે છે વર્ષો વહી જશે પણ મારામાં કઈ ફેર નહી પડે, હું એવી ને એવી હઇશ ભલેને ખરતા રહે રોજ-રોજ પાણા. પ્રિયતમ ની પ્રતિક્ષા… ચરમ સીમા..ભલે ગઢના પાણા પડતા રહે, ભલે કેટલાય રોજ રોજ માથેથી ખરતા જાય પાણા (વાળ) (ભલે હું ઘરડી થઈ જાવ) ભીત ની માફક હું એ આમ જ ઊભી રહીશ!

    બીજી કડીનો અર્થ શ્રી વિવેકભાઈ એ કહ્યો છે તેમ બીજી કડી સૈયર દ્વારા કહેવાય હોય તેમ બની શકે. મને લાગે છે નાયિકા તારા આંગળાની જોશે તેમ કહીને સહેલીને સાથે આવવા માટે પ્રોત્સાહિત કરતી હોય એમ પણ બની શકે! (નાયીકા સમજતી હોય કે પોતે થાપેલા છાણા સાથે પોતાના આંગળા ની છાપ આવવાની જ છે ને) અથવા સંકોચ વસ પોતાના આંગળા ને બદલે તારા આંગળા એવું કહ્યું હોય એમ બની શકે.

    છેલ્લી પંક્તિ બહુજ ઊંડાણ વાળી છે..
    “પછી પરગામનો કેડો ભીંતની માફક જોઈને વાશે વા’ણાં.”

    પરગમનો કેડો! માણસ મૃત્યુ પામે ત્યારે ઘણી જગ્યાએ પરગામ સિધાવી ગયા એવું કહેવાય છે. નાયિકા કહે છે પછી સ્થિર થઈને (ભીતની માફક) પરગામની વાટ જોયા કરશું ને સમય વીતતો જશે! (વાશે વા’ણાં ) :ઇંતેજાર કરતા રહેશું:

    ગઢની ભીંતે – કવિ શ્રી અરવિંદ ભટ્ટની પાણામાંથી પારસ કાઢ્યા જેવી સરસ રચના છે જેનો આસ્વાદ શ્રી વિવેકભાઈએ કરતા જાણે પારસમાંથી સોનુ બન્યું. કવિ શ્રી અરવિંદ ભટ્ટને સરસ્ રચના અને શ્રી વિવેકભાઈને સરસ આસ્વાદ આપવા માટે ખૂબખૂબ ધન્યવાદ.

    🌹🌹🌹🌹

  5. Barin Dixit said,

    December 20, 2025 @ 7:36 PM

    ખૂબ સુંદર કાવ્ય અને આસ્વાદ 🙏🙏

  6. વ્રજેશ said,

    December 20, 2025 @ 9:13 PM

    વાહ… આબાદ પકડ્યું… સરસ… વિશ્લેષણ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment