હું, મને ઢંઢોળતો – વિષ્ણુ પટેલ
હું, મને ઢંઢોળતો
જિંદગીને ખોળતો
ખાલીપો ચાલ્યો જતો
સ્વપ્ન કૈં, ધમરોળતો!
આ પવન, આખ્ખી સફર
રેતમાં રગદોળતો
છે બધે અંધારપટ
હું દિવાલો ધોળતો!
રંગ ન, એક્કે બચ્યો
તોય પીંછી બોળતો!
ક્યારનો જોવા મથું
કો’ક અક્ષર કૉળતો
રે! કસુંબા તો ગયા!
હું ગઝલને ઘોળતો!
– વિષ્ણુ પટેલ
કવિતા સાંભળવાની અલગ જ માઝા છે. એ મઝા માણવા માટે આજે ‘કવિતા કાનથી વાંચવાનો’ પ્રયોગ કર્યો છે. આશા છે ‘વાંચકો’ને ગમશે.
ટૂંકી બહેરની ગઝલ મારી કમજોરી છે. ગઝલમાં પણ કમર જેટલી પાતળી એટલી વધારે સારી મજાક જવા દો તો, ટૂંકી બહેરની ગઝલો ઓછી જ જોવા મળે છે. કારણ કે ઓછામાં ઘણું કહેવું એ વધારે અઘરું કામ છે. અહીં કવિએ બધા શે’રને બખૂબી કંડાર્યા છે. જુઓ – છે બધે અંધારપટ / હું દિવાલો ધોળતો! – ટચૂકડો પણ ધારદાર શે’ર. ને છેલ્લે, રે થી શરૂ કરીને કવિ કસુંબાને બદલે ગઝલ ઘોળવાની મઝાની વાત લઈ આવ્યા છે.
narendrasinh said,
December 16, 2014 @ 3:18 AM
ખુબ સુન્દર કવિતા વાહ નવિન પ્રયોગ પણ ઉત્તમ્
વિવેક said,
December 16, 2014 @ 8:03 AM
સરસ !
RASIKBHAI said,
December 16, 2014 @ 10:29 AM
શબ્દો નિ કરકસર ,પતલિ કમર્,સચોત અસર્ બહોતખુબ વિશ્નુભૈ. હજુ બિજિ ગઝલો આપો ભૈ.
Shah Pravinachandra Kasturchand said,
December 16, 2014 @ 3:25 PM
કાળા કાળા અક્ષરોને હવે
લો ધોળી પીંછીથી રંગ્યા.
પણ રગોમાં ભરી લાલાશ
રંગોથી શું કદી બદલાશે?
વિષ્ણુભાઈને આવી સુન્દર રચના માટે અભિનંદન !
આવી જ રીતે ગઝલોનો કસુંબો ઘોળતા રહેશો ‘ને અમને પીવડાવતા રહેશો.
Akbarali Narsi said,
December 17, 2014 @ 1:35 PM
સરસ ! અભિનંદન
ashok pandya said,
December 26, 2014 @ 6:41 AM
ટૂંકી બેરની ગઝલ લખવી બહુ જ અઘરૂં કામ છે.. સાંગોપાંગ, સંઘેડા ઉતાર ક્રુતિ છે.. ખૂબ ખૂબ અભિનંદન.. પઠન પણ સૂરીલું.. મજાપડી ગઇ..
Harshad said,
December 26, 2014 @ 8:41 PM
Like it.