હું, મને ઢંઢોળતો – વિષ્ણુ પટેલ
હું, મને ઢંઢોળતો
જિંદગીને ખોળતો
ખાલીપો ચાલ્યો જતો
સ્વપ્ન કૈં, ધમરોળતો!
આ પવન, આખ્ખી સફર
રેતમાં રગદોળતો
છે બધે અંધારપટ
હું દિવાલો ધોળતો!
રંગ ન, એક્કે બચ્યો
તોય પીંછી બોળતો!
ક્યારનો જોવા મથું
કો’ક અક્ષર કૉળતો
રે! કસુંબા તો ગયા!
હું ગઝલને ઘોળતો!
– વિષ્ણુ પટેલ
કવિતા સાંભળવાની અલગ જ માઝા છે. એ મઝા માણવા માટે આજે ‘કવિતા કાનથી વાંચવાનો’ પ્રયોગ કર્યો છે. આશા છે ‘વાંચકો’ને ગમશે.
ટૂંકી બહેરની ગઝલ મારી કમજોરી છે. ગઝલમાં પણ કમર જેટલી પાતળી એટલી વધારે સારી મજાક જવા દો તો, ટૂંકી બહેરની ગઝલો ઓછી જ જોવા મળે છે. કારણ કે ઓછામાં ઘણું કહેવું એ વધારે અઘરું કામ છે. અહીં કવિએ બધા શે’રને બખૂબી કંડાર્યા છે. જુઓ – છે બધે અંધારપટ / હું દિવાલો ધોળતો! – ટચૂકડો પણ ધારદાર શે’ર. ને છેલ્લે, રે થી શરૂ કરીને કવિ કસુંબાને બદલે ગઝલ ઘોળવાની મઝાની વાત લઈ આવ્યા છે.