ચિંતન શેલત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 17, 2012 at 2:30 AM by વિવેક · Filed under ચિંતન શેલત, તાહા મન્સૂરી, સૌરભ પંડ્યા
સ્થાન એનું છે હજીયે આગવું,
સાવ સૂના આંગણામાં ઝાડવું.
એ સહજતાથી થયું મારું પતન,
બાળકોનું આંબલીને પાડવું.
એ હશે સંકેત કે બીજું કશું ?
ડાયરીનું એ જ પાનું ફાડવું.
આ નગરની સ્તબ્ધતા નીરવ નથી –
સાંભળો, સંભળાય છે એ હાંફવું?
– તોફાની ત્રિપુટી
(તાહા મન્સૂરી, સૌરભ પંડ્યા, ચિંતન શેલત)
ફેસબુક પર ત્રોફાની ત્રિપુટીના નામે તોફાન મચાવતા આ ત્રણ બિન્દાસ્ત કવિઓએ સહિયારું સર્જન કરવાનો શિરસ્તો રાખ્યો છે. એમની કેટલીક રચનાઓમાંની તરત ગમી ગયેલી એક ગઝલ લયસ્તરોના વાચકો માટે…
Permalink
December 13, 2011 at 10:30 PM by ધવલ · Filed under ગઝલ, ચિંતન શેલત
નખ છું, ઉઝરડા છે આ મારી આસપાસ,
રાતા અભરખા છે આ મારી આસપાસ.
પહોંચી ગયો છું ક્યારનો આ દેશમાં,
હું છું, અરીસા છે આ મારી આસપાસ.
ઘટનાનું હોવું માંગી લેશે શક્યતા,
બૂઠ્ઠા નિઃસાસા છે આ મારી આસપાસ.
હોવું બરફનું, કેટલું સદભાગ્ય છે,
દૃશ્યો થીજેલાં છે આ મારી આસપાસ.
ના એટલે હું નહીં કદી ઉંઘી શકું,
સ્વપ્નો સૂતેલાં છે આ મારી આસપાસ.
-ચિંતન શેલત
નખ, ઉઝરડા અને લોહીલુહાણ રાતા અભરખાથી શરૂ થતી ગઝલ, એક પછી એક ધારદાર શેરમાંથી પસાર થતી છેક સૂતેલા સ્વપ્નાની વચ્ચે ઊભેલી અનિદ્રા સુધી પહોંચે છે ત્યારે એક સૂનકાર પાછળ છોડતી જાય છે.
Permalink