અનિલ ચાવડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.
જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.
નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.
તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.
આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.
– અનિલ ચાવડા
‘શયદા’ પુરસ્કાર અને ગુજરાત રાજ્ય યુવાગૌરવ પુરસ્કારના વિજેતા કવિ અનિલ ચાવડા એ આજની ગઝલનો બદલાતો અવાજ છે. આ અવાજ બળકટ પણ છે અને ભાષાની બરકત વધારે એવો પણ છે. અગાઉ એક સંગ્રહ અન્ય ચચ્ચાર મિત્રો સાથે ભાગીદારીમાં આપ્યા પછી કવિ લાં…બી પ્રતીક્ષા બાદ પોતાની ખુદની “સવાર લઈને” રજૂ થાય છે ત્યારે લયસ્તરોના અને મારા ખાસ લાડકા આ કવિનું એના ગઝલસંગ્રહ સાથે બાઅદબ સ્વાગત છે…
આ સાથે જ અનિલના બીજા બે પુસ્તકો – “શબ્દ સાથે મારો સંબંધ” (સંપાદન) અને “એક હતી વાર્તા” (વાર્તાસંગ્રહ) પણ પ્રગટ થયા છે. સર્જકને હાર્દિક અભિનંદન.
Permalink
January 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.
રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.
એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.
આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.
ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.
– અનિલ ચાવડા
કવિતા વિશે તો ઘણા કવિઓ કવિતા કરી ગયા, કરતા રહેશે પણ કવિ કવિતા વાંચતો હોય એ ધન્ય ઘડીએ ખુદ ઇશ્વર કાન લગાવી ઊભો રહે અને પંચત્ત્વ આતિથ્ય સ્વીકારતા હોય એવી કલ્પના તો અનિલ જેવો નસ નસમાં મૌલિકતા લઈ જન્મેલો કવિ જ કરી શકે. વાંચીએ, ગણગણાવીએ અને ભીતરથી ભીંજાઈએ…
Permalink
November 8, 2012 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.
આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…
માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…
– અનિલ ચાવડા
રમતિયાળ ભાષામાં અંતરને અડી જાય એવું એક મજાનું ગીત આપ સહુ માટે, તહેવારના દિવસો માટે ખાસ !
Permalink
August 12, 2011 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?
ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?
જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં ?
જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?
પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ?
– અનિલ ચાવડા
અનિલની આ ગઝલ એના ભાષાકર્મના કારણે સવિશેષ સ્પર્શી જાય છે. રોજિંદી બોલચાલમાં આપણે જે લહેકાથી શબ્દોની દ્વિરુક્તિ શબ્દોને બહેકાવીને કરીએ છીએ એ શૈલીની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે…
અને હા, અનિલને ‘યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૧૦’ પછી તેરમી ઓગસ્ટે મુંબઈ ખાતે INT તરફથી ‘શયદા પુરસ્કાર’ પણ એનાયત થનાર છે. ફરી ફરીને અભિનંદન, દોસ્ત!
Permalink
July 30, 2011 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ, સાહિત્ય સમાચાર
આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૧૦ માટે અનિલ ચાવડાને આપવામાં આવ્યો. અનિલ ચાવડાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !
છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?
તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.
તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.
– અનિલ ચાવડા
અનિલની કવિતા વિશે વાત કરતાં મેં અગાઉ નોંધ્યું હતું કે કોઈ પણ સમયે કવિતા જે તે કાળના સાંપ્રત વહેણને જરૂર ઝીલતી હોય છે. આપણા ગુજલિશ યુગમાં બલ્બ જેવો શબ્દ ગઝલમાં આટલો બખૂબી નહિંતર શી રીતે આવી શક્યો હોય?
Permalink
June 18, 2011 at 3:20 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ,
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?
જીવતરના ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો,
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો.
નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?
નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ,
મન તો ચાલ્યું નીજના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ.
વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?
-અનિલ ચાવડા
INT, મુંબઈ તરફથી આ વરસનો શયદા પુરસ્કાર અનિલ ચાવડાને મળ્યો છે. ‘લયસ્તરો’ તરફથી અનિલને લાખ-લાખ અભિનંદન. અમારે તો અનિલને એટલું જ કહેવાનું કે વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ. વધતા રહો.. ધપતા રહો.. લખતા રહો…
Permalink
October 1, 2010 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
-અનિલ ચાવડા
ગઝલનું સૌથી મોટું સુખ એની શીઘ્ર પ્રત્યાયનક્ષમતા છે. કવિતા ઘણુંખરું દુર્બોધ હોય છે અને એમાં ઊંડે ઉતરવાની જરૂર પડતી હોય છે-મહીં પડ્યા તે મહાસુખ પામેની જેમ! પરંતુ મોટાભાગની ગઝલ શીરાની પેઠે ગળે ઉતરી જતી હોય છે. ક્યારેક ગઝલની આ ઉપરછલ્લી સરળતા છેતરામણી હોય છે. છીપના બે ભાગ જેવા શેરના બે મિસરા સાચવીને ન ખોલીએ તો વચ્ચેનું મોતી ચૂકી પણ જવાય… અનિલની આવી જ એક મોતીદાર ગઝલસહેજ સાચવીને ખોલીએ…
Permalink
February 26, 2010 at 1:03 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ !
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ !
રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ !
પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.
કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ !
જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !
-અનિલ ચાવડા
દરેક યુગમાં દરેક સંસ્કૃતિમાં કવિતાએ (વ્યાપક અર્થમાં જોઈએ તો તમામ કળાઓએ) સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલેલું જોવા મળે છે. કોઈ પણ કળા અને એના કાળનું મૂલ્યાંકન કરીએ એટલે જે તે દેશની જે તે સમયની સભ્યતા વિશે બખૂબી જાણી શકાય…
અનિલ ચાવડાની આ ગઝલ વિશે બીજું કંઈ લખવાની જરૂર ખરી ?
Permalink
November 26, 2009 at 2:45 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.
મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.
તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.
કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.
ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.
– અનિલ ચાવડા
અરુઢ છંદ સાથે ઘરોબો કેળવી બેઠેલા મારા મનપસંદ કવિની એક વધુ ગઝલ… નદીમાં ડૂબી ગયેલા વહાણ અને વચ્ચેથી તૂટી ગયેલા દોરડાવાળી વાત ગમી જાય એવી છે.
Permalink
November 13, 2008 at 1:32 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?
બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?
વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.
– અનિલ ચાવડા
ઈશ્વર જેવા ઈશ્વરને ધમકાવીને એની ભૂલનો હિસાબ માંગતા કવિની આ ગઝલ સહેજે ગમી જાય એવી છે. એમાંય માણસ નામની શીશી ફૂટે અને ઢાંકણાંઓની સભા ભરાય એ વાત શીઘ્ર પ્રત્યાયનમાં જેટલો સહજતાથી સમજાઈ જાય છે એટલો જ માર્મિક પણ છે…
Permalink
September 11, 2008 at 1:27 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા
જીવનમાં સોમાંથી નવ્વાણુંવાર આપણને વિચાર આવતો હોય છે કે અરેરેરે… આના બદલે આમ કર્યું હોત તો સારું થાત… આમ બોલાઈ ગયું એના બદલે કદાચ આમ બોલ્યો હોત તો સારું થાત… દોઢસો રૂપિયા નક્કામા કહી દીધા…સો કહ્યા હોત તો પણ એ આપી જ દેવાનો હતો…રાંડ્યા પછીનું ડહાપણ દરેકને સૂઝતું જ હોય છે. અનિલ કેવી સહજતાથી આટલી સર્વસામાન્ય વાતને અસામાન્ય કવિતાનું રૂપ આપી દે છે! વળી શ્વાસને પેન્સિલની બટકી જતી અણી સાથે સરખાવી કવિ બટકી ન શકે એવો ગંભીર વિચાર લઈને આવે છે. શ્વાસ તો જે ઘડીએ લઈએ એ જ ઘડીએ નાશ પામવા સર્જાયો છે. એ લેવાયો નથી કે પાછો મૂકવાનું કામ અનાયાસ થઈ જાય છે. આપણી જિંદગી પણ જે ક્ષણે શરૂ થાય છે એ જ ક્ષણે એનો અંત પણ નિશ્ચિત જ થઈ જાય છે. જીવનની આ ક્ષણભંગુરતાને શી રીતે શાશ્વત કરવી? કવિ કોઈ ઉકેલ લઈને નથી આવ્યા. કવિ માત્ર પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રસ્તુત પણ છે કેમકે આપણા વ્હાણો સ્વપ્નમાં જ ડૂબતા રહે છે. આપણી પાસે પ્રશ્ન પૂછવાનો અવકાશ પણ નથી. આપણા જીવનમાં ક્યારેય સવાર થતું જ નથી. માત્ર રાત્રિનો રંગ જ બદલાતો હોય છે જેને આપણે સવાર ગણીને જાતને છેતરતા રહીએ છીએ. પણ ખરું અજવાળું તો આપણે આપણા પેન્સિલપણાંને સમજીને અનહદ સાથે સૂર સાધીશું પછી જ થવાનું છે…
Permalink
July 24, 2008 at 1:40 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી,
ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં નથી.
ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું;
આ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી.
તું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,
મૂળમાં તો હિમશીલાની જેમ થીજેલી ક્ષણો છીએ વધારે કૈં નથી.
શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.
-અનિલ ચાવડા
ગઝલમાં રૂઢિગત થયેલા છંદના આવર્તનોથી આગળ વધીને કામ કરવું જેમ અનિલની એક ખાસિયત છે એમ એની બીજી ખૂબી અરૂઢ કલ્પનોના બખૂબી પ્રયોજનની છે. ક્યારે અને કઈ રીતે ઢોળાઈ જાય એની અજ્ઞાનતા પ્રગટ કર્યા પછી જ્યારે એ આપણી જાતને લોહી ભરેલા ચામડીના વાસણ તરીકે સંબોધે છે ત્યારે મુશાયરાની વાહ-વાહી લૂંટી લેવાની સો ટકાની ખાતરી એને પણ હોવાની જ. પણ અનિલના શેરની ખૂબી એ શીઘ્ર પ્રત્યાયનક્ષમતા પર ઊભીને અટકી જતી નથી. આનો આ જ શેર ફેર ઊભા રહીને વાંચો એટલે બે લીટી વચ્ચેના અવકાશમાં અર્થનું જે આકાશ ઊઘડતું દેખાશે એ પણ એટલું જ રંગસભર હોવાનું.
Permalink
March 21, 2008 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
પહેલી નજરના પ્રેમ પેઠે આ શાયરને પહેલીવાર શબ્દોના રસ્તે મળ્યો ત્યારથી જ એ મને ગમી ગયો છે. એની ગઝલમાં રોજિંદી બોલચાલની વાત એવી સહજતાથી ઊતરી અને ઊપસી આવે છે કે ગમતા શેરોની આગળ નિશાની કર્યા સિવાય આગળ વધાતું નથી. હું માત્ર બે જ શેર -ત્રીજા અને ચોથા- ની વાત કરીશ.
જાહોજલાલીનો ઢોળ ચડેલી આપણી આ જિંદગી અંદરથી તો હકીકતે સાવ ખાલીખમ થઈ ગઈ છે. ચારે તરફ વૈભવી ચમકદમકથી વીંટળાયેલા હોવા છતાં એવું કોઈ ઓશિકું નથી જેના પર ચિંતાની, અજંપાની, બેચેનીની કરચલીઓ ન પડતી હોય. કવિ આપણી અંદરના ખોખલાપણા સાથે સીધો જ સંવાદ સાધે છે. અહીં ઘર અને બારણાંની વિભાવનામાં કશું પણ ‘ફીટ’ બેસી શકે છે. ભીતરનો ખાલીપો જ્યારે તીવ્રતમ વેદના બનીને ભોંકાતો હોય અને એ દૂર કરનાર કશાકના કોઈ એંધાણ માત્ર પણ ક્યાંય દૃષ્ટિગોચર ન થતા હોય ત્યારે જ એ ખાલીપણા સાથે સીધો વાર્તાલાપ જન્મે છે. જે દરવાજે કોઈ આવ્યું નથી અને કોઈના આવવાની આશા પણ હવે દેખાતી નથી, એ દરવાજાને આ ખાલીપો ખુદ જઈને ખખડાવે તો ય ઘણું હવે તો…. ‘ખખડાવ’ કાફિયાની પાછળ સાવ અડોઅડ કવિતાની ભાષા બહારની, નકરી બોલચાલની એકાક્ષરી રદીફ ‘ને’ ખાલીપાની વેદનાને શેરના અંતે વધુ ધાર કાઢી આપે છે…
એ પછીના શેરમાં હું માત્ર આંસુની સાવ નવી વ્યાખ્યા કરી આપવાના કવિકર્મને છૂટ્ટે હાથે દાદ દઈ આખા શેરને અને એ રીતે આખી ગઝલના મુશાયરાને અનુભવવાનું ભાવક પર છોડી દઈશ…
Permalink
March 6, 2008 at 12:35 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?
ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.
કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?
નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?
એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.
-અનિલ ચાવડા
સંબંધમાં પડેલી તડ જોડાય તોય સાંધો તો જરૂરથી રહી જ જાય છે. આ વાતમાં કશું નવું નથી. પણ કવિનો શબ્દ વર્ષોથી જાણેલી-જીવેલી વાતમાં પણ નાવીન્ય છલકાવી શકે છે એની પ્રતીતિ આ ગઝલનો મત્લાનો શેર કરાવી જાય છે. ઘરના બારણાંને તો દુરસ્ત કરાવી શકાય છે, પણ ઘરના વાતાવરણને ? આમ તો બધા શેર મજાના થયા છે પણ મને સાંભળતાવેંત જ જે ગમી ગયો એ છે બીજા ક્રમનો શેર. ગઈકાલમાં પાછા ન ફરી શકાવાની વિવશતાને કેવી સરસ રીતે કવિ ઓરડા સાથે સાંકળી લે છે. (અનિલના મોઢે અમદાવાદની રેસ્ટોરન્ટમાં સાંભળેલી કેટલીક ગઝલોમાંની આ એક યાદગાર ગઝલ…. એક આવી જ ગઝલ આવતા અઠવાડિયે પણ…)
Permalink
January 5, 2008 at 1:17 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ, હસ્તપ્રત
(ખાસ ‘લયસ્તરો’ માટે અમદાવાદથી અનિલ ચાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)
લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.
તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.
હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.
એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”
છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
-અનિલ ચાવડા
માત્ર ૨૨ વર્ષની ઉંમરે અનિલ ચાવડાની કલમ દિગ્ગજ કલમકારોને શરમાવે એવા ચમકારા બતાવી જાણે છે. ગઝલના છંદોના નિયમિત આવર્તનોથી એક આવર્તન વધુ રાખી ગઝલ લખવાની કળા એમને સિદ્ધહસ્ત છે. નિરાશા અને વ્યથાના કાળા રંગોથી ભરી હોવા છતાં આ ગઝલ એટલી સલૂકાઈથી આખી વાત કરે છે કે ક્યાંય કશું ભારઝલ્લું લાગતું નથી. ગઝલનો આખરી શેર તો ગુજરાતી ભાષાનો સદાકાળ અમર શેર બનવા માટે જ સર્જાયો છે. મિત્ર અનિલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
Permalink
June 23, 2007 at 2:04 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
કોણ છે મારા નયનમાં. શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે
આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે
હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે
કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે
‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.’
-અનિલ ચાવડા
છંદના પ્રચલિત આવર્તનો કરતાં એક કે બે આવર્તન વધુ વાપરીને ગઝલને થોડી લાંબા બહેરની કરીને ધ્યાનાકર્ષક બનાવવું એ પણ એક ખૂબી છે. “ગાલગાગા”ના સામાન્યત: વપરાતા ચાર આવર્તનોમાં બે બીજા ઉમેરી અનિલ ચાવડાએ આ ગઝલને ગેયતાનો અલગ જ થડકો બક્ષ્યો છે. આવી જ અને આ જ છંદમાં એક વધારાનું આવર્તન ઉમેરેલી એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો. લાંબી બહેરની આવી ગઝલો લખવાની ‘માસ્ટરી’ જવાહર બક્ષીની કલમમાં પણ જોવા મળે છે. અત્રે પ્રસ્તુત ગઝલ વિશે જો કે એક વાત જરૂર કહીશ, કે બહેર લાંબી કરવાના આયાસ આખી ગઝલમાં એવી રીતે ઓગળી ગયા છે કે આખી કૃતિ ખૂબ જ આસ્વાદ્ય બની રહી છે અને એ જ છે કવિની સાર્થક્તા…
Permalink
January 20, 2007 at 6:53 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઇતું’તું?
જો પ્રવેશે કોઇ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ ;
એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઇતું’તું?
ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
આ ઉદાસી કોઇ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા
માણસની જાતને મળે એનાથી કદી સંતોષ થતો નથી. આમ થયું એના બદલે આમ થયું હોત તો કેટલું સારૂં! આ ‘જો’ અને ‘તો’ની વચ્ચે અટવાતી જિંદગી છોને મૃગજળ જેવી કેમ ન હોય, બધાને એ જ રીતે છેતરાવું ખપે છે. આવનાર સાથે ફક્ત સુખ જ લાવતો હોય તો? પત્રની સાથે હવામાં ઓગળેલો ભાવ પણ વાંચી શકાતો હોય તો? સમયના તૂટેલા અનુસંધાનો કે પછી ચહેરા પર તરી આવતી ગમગીનીને સમારી કે છુપાવી શકાતા હોય તો? મનુષ્યજીવનના અધૂરા-મધુરા સ્વપ્નોની વાત લઈ આવી છે આ ગઝલ…
Permalink