ચડાઉ પાસ – સૂચિતા કપૂર
મારાં બાળકો
મારો પતિ
મારો પરિવાર
રોજ મને ટોકે છે.
ઉલટ તપાસ પણ કરી લે ક્યારેક.
મને ઘણું બધું નથી આવડતું
લેપટોપ, મોબાઈલની ઘણી અટપટી સિસ્ટમો
બેન્કિંગ નથી સમજાતું
ત્યાં નેટ બેન્કિંગ.
ઓનલાઇન ફોર્મ
ઓનલાઇન બુકિંગ
મેકઅપ,
સ્ટાઇલ અને સ્ટાઇલિશ રહેતા
મને આવડતું નથી.
તો કેમ બોલવું
અને શું બોલવું
તે તો હું શીખી જ નહિ.
હું બાઘાની માફક ચૂપચાપ
સાંભળતી રહુ છું.
વાંક મારો છે.
ભણ્યા વગર ચડાઉ પાસ થવાય
તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ.
બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું.
જિંદગીએ ઓફર કરી અને મે ચૂપચાપ સ્વીકારી.
એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો,
હું ‘ને મારી આખી બેચ
અમે બધાજ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ.
જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.
ચડાઉ પાસ.
– સૂચિતા કપૂર
આ કવિતા નથી. બહુ ઓછા અપવાદો સિવાય પ્રવર્તતા સનાતન શાશ્વત સત્યના હાથે પુરુષપ્રધાન સમાજના ગાલ પર પડેલો એક સણસણતો તમાચો છે. ઘરમાં નાનાં બાળકો અને પુરુષો જેટલા ટેકનૉસેવી જોવાં મળે છે,. એટલી સ્ત્રીઓ વધુ જોવા મળતી નથી. બેન્કિંગ પણ શીખવાની જેને તક ન મળી હોય, એ નેટ-બેન્કિંગ કરવાનું આવે તો ગોથાં ખાય જ ને! પુરુષોએ સ્ત્રીઓનો કદી સુવાંગ વિકાસ થવા દીધો જ નથી. કોઈ સ્ત્રી આપબળે આગળ આવે તો જમાનાની આંખો ચાર થઈ જાય, એને જજ કરવાનું, એના પર લેબલ લગાવવાનું શરૂ થઈ જાય. પ્રસ્તુત રચનામાં ક્યાંક થોડી અતોશયોક્તિ પણ લાગે પણ સરવાળે વાત સિદ્ધ થાય છે એ વધુ અગત્યનું છે. ચડાઉ પાસ શબ્દપ્રયોગ કવિતામાં જે ઘડીએ આપણને મુખામુખ થાય છે તે જગ્યાએથી સ્ત્રીનો સહજ સામાન્ય પ્રલાપ લાગતો ગદ્યખંડ અચાનક જલદ કાવ્યસ્વરૂપ ધારણ કરે છે… ઘરસંસારમાં જોતરાઈ ગયેલા બળદને ઘાણી બહારની દુનિયા જોવાની તક જ મળતી નથી… જે ક્ષણે કવયિત્રી પોતાના ‘હું’માં આખી બેચને સામેલ કરે છે એ ઘડીએ કવિતા સ્વથી સર્વ તરફ ગતિ કરે છે… વયષ્ટિ સમષ્ટિમાં પલોટાય છે… કવિતા આખેઆખી સ્વયંસિદ્ધ હોવાથી વિશેષ કશું કહેવાપણું રહેતું નથી…