ચડાઉ પાસ – સૂચિતા કપૂર
મારાં બાળકો
મારો પતિ
મારો પરિવાર
રોજ મને ટોકે છે.
ઉલટ તપાસ પણ કરી લે ક્યારેક.
મને ઘણું બધું નથી આવડતું
લેપટોપ, મોબાઈલની ઘણી અટપટી સિસ્ટમો
બેન્કિંગ નથી સમજાતું
ત્યાં નેટ બેન્કિંગ.
ઓનલાઇન ફોર્મ
ઓનલાઇન બુકિંગ
મેકઅપ,
સ્ટાઇલ અને સ્ટાઇલિશ રહેતા
મને આવડતું નથી.
તો કેમ બોલવું
અને શું બોલવું
તે તો હું શીખી જ નહિ.
હું બાઘાની માફક ચૂપચાપ
સાંભળતી રહુ છું.
વાંક મારો છે.
ભણ્યા વગર ચડાઉ પાસ થવાય
તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ.
બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું.
જિંદગીએ ઓફર કરી અને મે ચૂપચાપ સ્વીકારી.
એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો,
હું ‘ને મારી આખી બેચ
અમે બધાજ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ.
જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.
ચડાઉ પાસ.
– સૂચિતા કપૂર
આ કવિતા નથી. બહુ ઓછા અપવાદો સિવાય પ્રવર્તતા સનાતન શાશ્વત સત્યના હાથે પુરુષપ્રધાન સમાજના ગાલ પર પડેલો એક સણસણતો તમાચો છે. ઘરમાં નાનાં બાળકો અને પુરુષો જેટલા ટેકનૉસેવી જોવાં મળે છે,. એટલી સ્ત્રીઓ વધુ જોવા મળતી નથી. બેન્કિંગ પણ શીખવાની જેને તક ન મળી હોય, એ નેટ-બેન્કિંગ કરવાનું આવે તો ગોથાં ખાય જ ને! પુરુષોએ સ્ત્રીઓનો કદી સુવાંગ વિકાસ થવા દીધો જ નથી. કોઈ સ્ત્રી આપબળે આગળ આવે તો જમાનાની આંખો ચાર થઈ જાય, એને જજ કરવાનું, એના પર લેબલ લગાવવાનું શરૂ થઈ જાય. પ્રસ્તુત રચનામાં ક્યાંક થોડી અતોશયોક્તિ પણ લાગે પણ સરવાળે વાત સિદ્ધ થાય છે એ વધુ અગત્યનું છે. ચડાઉ પાસ શબ્દપ્રયોગ કવિતામાં જે ઘડીએ આપણને મુખામુખ થાય છે તે જગ્યાએથી સ્ત્રીનો સહજ સામાન્ય પ્રલાપ લાગતો ગદ્યખંડ અચાનક જલદ કાવ્યસ્વરૂપ ધારણ કરે છે… ઘરસંસારમાં જોતરાઈ ગયેલા બળદને ઘાણી બહારની દુનિયા જોવાની તક જ મળતી નથી… જે ક્ષણે કવયિત્રી પોતાના ‘હું’માં આખી બેચને સામેલ કરે છે એ ઘડીએ કવિતા સ્વથી સર્વ તરફ ગતિ કરે છે… વયષ્ટિ સમષ્ટિમાં પલોટાય છે… કવિતા આખેઆખી સ્વયંસિદ્ધ હોવાથી વિશેષ કશું કહેવાપણું રહેતું નથી…
Kajal kanjiya said,
December 16, 2021 @ 1:16 AM
🙏🙏🙏
ચેતના ભટ્ટ said,
December 16, 2021 @ 2:08 AM
જોરદાર.. જ્યારે કવિયત્રી ‘ હું’ થી આખી બેચ ની વાત કરે છે એ વાંચ્યું ત્યારે આમ રક્ત સંચાર વધી ગયો.. એવી અનુભૂતિ થઈ.. સાચે જ સ્ત્રીઓને સાચા અર્થમાં પગભર કરીએ.. ચડાઉ પાસ ના કરીએ 🙏
Sandhya Bhatt said,
December 16, 2021 @ 4:57 AM
સચોટ….
kishor Barot said,
December 16, 2021 @ 6:47 AM
હદયસ્પર્શી રચના. 👌
જયેન્દ્ર ઠાકર said,
December 16, 2021 @ 12:11 PM
સ્ત્રી અને પુરુષ સંસારની બે આખોં છે. બ્ન્નેને સમદ્ર્ષ્ટીથી સંસાર જોવાની અને માણવાની તકો મળવી જઈએ!
ગાડાના બે પયડાં સરખા ન હોય તો ગાડું સીધું ન ચાલે! જવાબદારી બધાની છે.
Himanshu Jasvantray Trivedi said,
December 16, 2021 @ 2:42 PM
Revolutionary. In the times, when the ‘women’ are sought to be suppressed by the ATTITUDES which are seen in CBSE paper’s question (of the modern ruler’s and their supporters’ attitudes towards women’s emancipation. I put this poem/expression with the ‘standard’ of poem which became a national icon during the pandemic of COVID-19 titled SHAB_VAHINI_GANGA. Kudos to the poetess.
Harihar Shukla said,
December 17, 2021 @ 12:44 AM
માસ પ્રમોશન માત્ર સ્ત્રીઓનું!👌💐
DILIPKUMAR CHAVDA said,
December 17, 2021 @ 5:07 AM
વાહ માસ પ્રમોશનની વાતને સ્ત્રીના જીવન સાથે જોડી એક જોરદાર ચિત્ર ઊભું કર્યું છે અને એમાં પુરુષપ્રધાન સમાજ પર હળવા શબ્દોમાં આકરા ચાબખાં માર્યા છે…
ગમ્યું
હરીશ દાસાણી. said,
December 17, 2021 @ 6:26 AM
ચડાઉ પાસ-આ એક શબ્દ જ એટલો વેધક રીતે અહીં પ્રયોજાયો છે કે આક્રોશ પણ કાવ્ય સ્વરૂપ ધારણ કરે છે.
pragnajuvyas said,
December 20, 2021 @ 5:29 PM
સુ શ્રી સૂચિતા કપૂરનુ ઘણી ખરી યુવતીઓ અનુભવતી પુરુષપ્રધાન સમાજની વાત
જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.
ચડાઉ પાસ.
સટિક વાત
જીવનમા તેમણે ચડાઉ પાસનો અનુભવ કરવો પડયો હોય પણ કવયિત્રી તરીકે આ અછાંદસ ટોપર
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ