આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઈ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઈ
ભગવતીકુમાર શર્મા

સલામ – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.

ખુશામત ગણી ? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી-
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી ?

સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી ! રાતનેય અભિમાનનાં આંસુડાં !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સત્તર વરસની લબરમૂછિયા ઉંમર એટલે માણસની પ્રેમમાં મુગ્ધ થવાની અવસ્થા. આ કાચી ઉંમરે કવિ પ્રણયભ્રમનિરસન નિમિત્તે પ્રિયતમાને ઉપાલંભ આપવાની વાત જે પ્રગલ્ભતાથી કરી શકે છે એને સલામ !

કવિ સખીને સલામ કરીને વાત શરૂ કરી કહે છે કે હું તારા પ્રેમમાં મરી ફીટ્યો છું એવું અભિમાન હવે ન રાખીશ. હું સમજ્યો હતો કે તું ગુલાબ છે જે સાથે રહી ખુશબૂ ફેલાવશે પણ તું તો માત્ર ઊંચે ને ઊંચે વધવા માંગતી કરેણ છે. દરિયાના મોજાં એકધારું ગર્જન કર્યાં કરે છે એને પોતાની ખુશામત માનીને રાત જેમ હરખાય કે ન હરખાય એનાથી દરિયાને કશો ફરક નથી પડતો તેમ તેંય મારા પ્રેમને ખુશામત ગણી લીધી હોય તો એ તારી ભૂલ છે, મારી નહીં… રાત્રિના મુખ પર ચળકતાં તારાઓ એ રાત્રિના અભિમાનના આંસુ છે. તારા ચહેરા પર પણ જે આંસુ ઉપસી આવ્યાં છે એ અભિમાનનાં છે અને હું મારા હાથથી એ કદી નહીં લૂંછું…

બાર પંક્તિના અંતે ચોટ આપી વિરમી જતું આ કાવ્ય કવિની કાવ્યનિષ્ઠાનું પણ દ્યોતક છે. આજે જેમ ગઝલ એમ જે જમાનામાં સોનેટનો સુવર્ણયુગ હતો એ જમાનામાં આવું મજાનું કાવ્ય રચીને માત્ર બે નવી પંક્તિઓ ઉમેરીને એને સૉનેટાકાર આપવાનો મોહ જતો કરવો એ પણ એક મોટી વાત હતી…

સલામ કવિ ! સો સો સલામ !

6 Comments »

 1. Rina said,

  May 3, 2013 @ 3:11 am

  Beautiful. …..

 2. Atul Shastri said,

  May 3, 2013 @ 9:44 am

  કવિએ સાચી વાત સરસ શબ્દોમાં કહી છે પરંતુ જેને માટે કહેવાઈ છે તેને એ વાત ક્યારે પણ નથી સમજાતી

 3. pragnaju said,

  May 3, 2013 @ 2:19 pm

  ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. , કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કરનાર કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી અમારા ખૂબ ચહિતા ના આ ગીત પર આફ્રીન
  સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
  નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
  નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
  તનેય, સખી ! રાતનેય અભિમાનનાં આંસુડાં !
  સ્વ ને અમારા સલામ

 4. sudhir patel said,

  May 3, 2013 @ 10:16 pm

  ખૂબ સુંદર છંદોબધ્ધ કાવ્ય અને એવો જ સરળ અને માર્મિક રસાસ્વાદ!
  સલામ અને અભિનંદન!
  સુધીર પટેલ.

 5. Darshana bhatt said,

  May 4, 2013 @ 4:51 pm

  સો સો સલામ કવિની ખુમારીને સો સો સલામ કવિ શ્રી શ્રીધરાણીને .

 6. Maheshchandra Naik said,

  May 7, 2013 @ 5:17 pm

  કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને શ્રધ્ધાસુમન સાથે આદરાંજલી…………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment