જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી

કોનાં આ વન, છે જ તો મારી જાણમાં,
છે જોકે ઘર તો ભલા એનું ગામમાં.
ન થંભતો આંહીં મને નિહાળશે
જોતો ભરાતાં વન આ હિમપાતમાં.

મારા નાના અશ્વને લાગતું હશે
વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે.
વનો, થિજેલા વળી આ તળાવની
વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે !

હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી
જાણે પૂછે : નથી ને કંઈ ભૂલ આપની ?
સ્ફુરંત હળવા સપાટા હવાના
ને રેશમી હિમફર્ફર માત્રનો ધ્વનિ.

વનો છે શ્યામલ, ગહરાં, મજાનાં,
પરંતુ મારે છે વચન પાળવાનાં.
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.

-રોબર્ટ ફ્રૉસ્ટ (અંગ્રેજી)
અનુ.: ઉમાશંકર જોશી

રોબર્ટ ફ્રૉસ્ટની મૂળ અંગ્રેજી ભાષાની આ અતિલોકપ્રિય કૃતિનો શ્રી ઉમાશંકરે સ-રસ સાછંદ અનુવાદ કર્યો છે. કાવ્યનાયક જંગલોમાંથી પસાર થાય છે ત્યારે હિમવર્ષાનું અદભુત સૌંદર્ય એને આકર્ષીને થોભવા પર મજબૂર કરે છે. વનોનો માલિક ઓળખીતો છે પણ દૂર ગામમાં હોવાથી એ આ સૌંદર્યપાનમાં ખલેલ પહોંચાડવાનો નથી. પણ થીજેલા તળાવ પાસે રાતના અંધારા ઊતરી રહ્યા હોય એવા વખતે કોઈ મકાન પણ ન હોય એવી જગ્યાએ અસવારને થોભેલો જોઈને ઘોડાને આશંકા જાગે છે કે કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? અને એ જાણે ગળામાંની ઘુઘરી હલાવીને આ પ્રશ્ન કરે છે. હવાના હળવા સપાટા અને હિમફર્ફરમાં મગ્ન સવાર જાણે તંદ્રામાંથી જાગે છે અને એને પાળવાનાં વચનો યાદ આવી જાય છે. કર્તવ્યબદ્ધ એ પોતાના પંથે આગળ નીકળી પડે છે…

અહીં ચારે કડીઓમાં ફારસી રૂબાઈ જેવી પ્રાસ-રચના ઉપરાંત પહેલી, બીજી અને ત્રીજી કડીમાં અંત્યાનુપ્રાસ જાળવીને મહાકવિ દાન્તેની ત્રિપ્રાસસાંકળી (તર્ઝા રીમા)નો સુભગ સમન્વય પણ કર્યો છે અને શ્રી ઉમાશંકરે અનુવાદમાં પણ એ કરામત જાળવી રાખી છે.

કાવ્યસૌજન્ય: શ્રી જુગલકિશોર વ્યાસ

3 Comments »

 1. ધવલ said,

  December 9, 2007 @ 12:27 pm

  આ કવિતાનો અનુવાદ ઘણી વાર ગુજરાતીમાં થયો છે. સુરેશ દલાલ અને હરેન્દ્ર દવેએ કરેલા અનુવાદ તો હમણાં જ વાંચવામાં આવ્યા. આ અનુવાદ એમાં સૌથી શ્રેષ્ઠ છે એમાં કોઈ શંકા નથી. મૂળ કવિ એમની કવિતામાં ‘અઘરા’ શબ્દોનો પ્રયોગ હેતુપૂર્વક ટાળતા એટલે તમિસ્રભરી પ્રયોગ ખૂંચે છે. પણ કવિતાની ધ્રુવપંક્તિઓ – છેલ્લી ચાર – નો અનુવાદ એટલો સરસ થયો છે કે સલામ કરવાનું મન થાય છે.

  આડવાતમાં, આ કવિતા રોબર્ટ ફ્રોસ્ટની જ નહીં પણ સમસ્ત અમેરિકન કવિતામાં ટોચની રચનાઓમાં સ્થાન પામે છે. આ કવિતા પરથી ચિત્રો કરીને સુસન જેફર્સે એક પુસ્તક આકારે પ્રગટ કરેલું છે. એક એક પંક્તિ પરથી એક એક ચિત્ર, અને દરેક ચિત્ર એટલું સુંદર કે તમને એક જ ક્ષણમાં મોહી લે. અમેરિકામાં વસતા હો તો આ પુસ્તક તમારી લાઈબ્રેરીમાંથી હશે જ. ( Stopping By Woods on a Snowy Evening Illustrator Susan Jeffers ) અને એ સિવાય આ પુસ્તકની ઝલક તમે એમેઝોન પર નીચેની લીંક પર જોઈ શકો છો.

  http://www.amazon.com/gp/reader/0525467343/ref=sib_dp_pt/105-6761137-0474804#reader-link

 2. pragnajuvyas said,

  December 10, 2007 @ 3:28 pm

  સુંદર કવિતા
  સુંદર અનુવાદ
  તમે ધ્યાન દોર્યું તે પ્રમાણે સુસન જેફર્સેનાં સુંદર ચિત્રો પણ માણ્યા.
  અહીં પ્રશ્ન આ બધુ માણવામાં
  ઘરના,
  કુટુંબના-
  બધાને રસ લેતા કેવી રીતે કરવા?
  ગુજરાતી-સંસ્કૃતનાં અધ્યાપકો તરીકે રહી ગયેલાંને પણ!!

 3. લયસ્તરો » બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ. વિવેક મનહર ટેલર) said,

  August 26, 2017 @ 12:32 am

  […] ઉમાશંકર જોશીનો અનુવાદ પણ જરૂર જોજો. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment