ગોફણ ગોળે આગ વછૂટે, કેર વરસતો કાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.
– કિશોર બારોટ

ઢળે જો સાંજ – બંકિમ રાવલ

અમદાવાદથી વ્યવસાયે એન્જિનિઅર એવા બંકિમ રાવલ એમનો પ્રથમ સંગ્રહ “ઢળે જો સાંજ” લઈને આવે છે. માત્ર એકાવન કૃતિઓનો રસથાળ પીરસતો આ નાનકડો સંગ્રહ ૨૧ ગીત, ૨૨ ગઝલ અને બાકીના અછાંદસ-હાઇકુઓથી સજ્જ છે. માત્ર બાવીસ જ ગઝલમાં અલગ અલગ ૧૪ જેટલી બહેરનું છંદ-વૈવિધ્ય આપી શક્યા છે એ વાત સાનંદાશ્ચર્ય જન્માવે છે. ગીતોમાં ક્યાંક લય લથડે છે અને એકાદ અછાંદસ ગદ્યની પૃષ્ઠભૂ પરથી ઊંચે નથી ઊઠી શકતું એ જવા દઈએ તો સરવાળે સરસ કામ થયું છે.. ગઝલોમાં તો ઘણા બધા શેર આસ્વાદ્ય થયા છે.

ગઝલના કેટલાક શેર:

ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

એ અવિરત પૂર ધસમસ, અંકપટ્ટી આપણે;
નોંધ ચોક્ક્સ થઈ શકે પણ ખાળવું સહેલું નથી.

કશું છે ભીતર ? શક પડે છે હવે,
પડળમાં પડળમાં પડળ કેમ છે !

વૃક્ષ કેવળ થડ બનીને રહી જશે,
લાગણી અગવડ બનીને રહી જશે.

કોકનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કોકનું આવ્યાં છતાં આવ્યા વિના ચાલી જવું.

ચોપાસ એમ રહેવું જાણે કશે જ ના હો,
એ તું હશે કે મારી અટકળ હતી ? જવા દો.

શબ્દની છલનાનું ગૌરવ સાચવું,
ચુપ રહું, અફવાનું ગૌરવ સાચવું.

ખુદને તાળું દઈ ઘરેથી નીકળું,
ભીડમાં ભળવાનું ગૌરવ સાચવું

વૃક્ષની પાર પણ વિશ્વ હોઈ શકે,
પાનખરની બહાને ખરી જોઈએ.

જાણવાથી કંઈ ફરક પડતો નથી,
દુઃખ એ જાણી ગયાનું હોય છે.

બચપણમાં સંતાડેલું તે જડી ગયું તો કામ આવ્યું,
એક રમકડું સ્વયં થકી સંતાઈ જવાની આદતનું.

પથ્થરનું સ્વપ્ન વૃક્ષ,
લીલો-પીળો પ્રવાસ.

ફ્રેમ બની જા તું ફોરમની,
મારી જાત મઢાવી આપું.

ઉલા-સાની બે ડાળની વચ્ચે,
ચંદ્ર શાયરની વ્યંજના જાણે.

ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો.

ગીતોમાંય ક્યારેક અદભુત કલ્પન ડોકિયાં કરી જાય છે. બે ઉદાહરણ જોઈએ:

પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !

કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…

-બંકિમ રાવલ

કવિશ્રીને શુભકામનાઓ…

12 Comments »

  1. perpoto said,

    February 21, 2013 @ 3:26 AM

    ખુદને તાળુ દઈ ઘરેથી નીકળું,
    ભીડમાં ભળવાનુ ગૌરવ સાચવું

    સુંદર, કવિશ્રીને અભિનંદન…

  2. lata j hirani said,

    February 21, 2013 @ 4:50 AM

    very nice…. congratulations…

  3. Pravin Shah said,

    February 21, 2013 @ 5:20 AM

    કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,…

    સરસ !
    અભિનંદન !

  4. ગૌરાંગ ઠાકર said,

    February 21, 2013 @ 7:10 AM

    ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
    આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
    જાણવાથી કંઈ ફરક પડતો નથી,
    દુઃખ એ જાણી ગયાનું હોય છે.
    રેમ બની જા તું ફોરમની,
    મારી જાત મઢાવી આપું.
    પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
    તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !… વાહ વાહ ને વાહ જ સુંદર.. કવિને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….

  5. Mahendrasinh Padhiyar 'marmi' said,

    February 21, 2013 @ 10:00 AM

    કવિને….. ખૂબ…..ખૂબ…
    અભિનંદન ……….

  6. sudhir patel said,

    February 21, 2013 @ 11:10 AM

    કવિશ્રીને અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  7. Maheshchandra Naik said,

    February 21, 2013 @ 7:06 PM

    કવિશ્રીને અભિનદન અને આપનો આભાર……………………

  8. pragnaju said,

    February 21, 2013 @ 9:12 PM

    સુંદર અભિવ્યક્તી
    ઉલા-સાની બે ડાળની વચ્ચે,
    ચંદ્ર શાયરની વ્યંજના જાણે.
    વાહ્

  9. La'Kant said,

    February 22, 2013 @ 12:55 AM

    નવી તાઝાગીસભર રજૂઆત ,તદ્દન નવા પ્રતીકો,કલ્પનો …પરીવેશવાળી સરસ કૃતિ…અભિનંદન કર્તા અને રજુકર્તાને…
    નીચેની પંક્તિઓ ગમી…આભાર !

    “જાણવાથી કંઈ ફરક પડતો નથી,
    દુઃખ એ જાણી ગયાનું હોય છે.

    કશું છે ભીતર ? શક પડે છે હવે,
    પડળમાં પડળમાં પડળ કેમ છે !

    ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
    ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો. ”

    -લા’કાન્ત / ૨૨-૨-૧૩

  10. Manubhai Raval said,

    February 22, 2013 @ 3:09 PM

    કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
    વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…

    ખુબ સરસ….

  11. ધવલ said,

    February 25, 2013 @ 9:00 AM

    પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
    તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !

    કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
    વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું

    – સરસ !

  12. Bankim Raval said,

    March 3, 2013 @ 4:35 AM

    સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર
    -બંકિમ રાવલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment