આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.
નિનાદ અધ્યારુ

ગઝલ – સાહિલ

ચિત્તથી જે બધું પરહરે,
નામ એનું જ માણસ ખરે.

નામ તારું લઈ ઊમટ્યાં,
પૂર ના એ હવે ઓસરે.

હાથ મૂક્યો છે એ હાથમાં,
જે ભવોભવના ભરણાં ભરે.

કાનજીપો હશે ત્યાં નર્યો,
મન મીરાંબાઈનું જે હરે.

હોય ના જો અપેક્ષા કશી,
ખોટથી જીવ શાને ડરે?

-સાહિલ

રાજકોટના કવિ સાહિલની ગાલગાના ત્રણ આવર્તનોમાં લખેલી આ ટૂંકી બહેરની ગઝલ પરંપરાની ગઝલોની નજીક લાગે છે. મને ખૂબ ગમી ગયેલ બીજો શેર બાદ કરતાં બધાં જ શેર ઈશ્વર યા ઈશ્વરનિષ્ઠ મૂલ્યોને સ્પર્શતા થયા છે. મીરાંબાઈવાળા શેરમાં કવિ નવો જ શબ્દ ‘કોઈન’ કરે છે-કાનજીપો. જેમ રાજીપો, ખાલીપો તેમ આ કાનજીપો. સરવાળે આખી ગઝલ ધનમૂલક થઈ છે…

6 Comments »

 1. Pinki said,

  December 4, 2007 @ 7:04 am

  ભવોભવનાં ભરણાં ભરે એવો કાનજીપો કવિ સાહિલનો ઘણો ગમ્યો ……..!!

 2. pragnajuvyas said,

  December 4, 2007 @ 10:59 am

  સુંદર કાવ્ય
  રાજીપો થયો
  તેમાં
  ‘ હોય ના જો અપેક્ષા કશી,
  ખોટથી જીવ શાને ડરે?’
  કર્મફળત્યાગની સરળ સમજુતી
  ધન્યવાદ -સાહિલ

 3. ધવલ said,

  December 4, 2007 @ 12:16 pm

  હોય ના જો અપેક્ષા કશી,
  ખોટથી જીવ શાને ડરે?

  – બહુ મોડેથી સમજાયેલું અમૂલ્ય સત્ય !

 4. ઊર્મિ said,

  December 4, 2007 @ 2:43 pm

  નામ તારું લઈ ઊમટ્યાં,
  પૂર ના એ હવે ઓસરે.

  હોય ના જો અપેક્ષા કશી,
  ખોટથી જીવ શાને ડરે?

  ખૂબ જ સુંદર… કાનજીપો વાળી વાત પણ ઘણી ગમી !

 5. manvantpatel said,

  December 5, 2007 @ 12:26 am

  ન રાખ આશ કદી કોઇ પાસ ,…
  કરી શકે પછી કોણ નિરાશ ?

  હોય ના જો અપેક્ષા કશી,ખોટથી જીવ શાને ડરે ?
  સાચી વાત છે,ભાઇ !

 6. KAVI said,

  December 5, 2007 @ 9:42 am

  સાહિલને અભિનન્દન અને યાદ.
  લયસ્તરોને જન્મદિવસની શુભેચ્છા…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment