તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.
સુનીલ શાહ

નયણાં – વેણીભાઈ પુરોહિત (લયસ્તરો પર ૧૦૦૦મી પોસ્ટ)

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.

જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?

‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાણીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.

અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.

(શ્રી સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)

27 Comments »

 1. pragnaju said,

  February 17, 2008 @ 5:51 pm

  સુંદર ગીત
  અને સુરેશ જોષી જેવાના આધરે રસ દર્શન હોત તે સુંદર જ હોય!
  મઝા આવી
  આ પમ્ક્તીઓ
  સાતે રે સમદર એના પેટમાં,
  છાની વડવાનલની આગ,
  અને પોતે છીછરાં અતાગ :
  સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
  ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
  વધુ ગમી

 2. ધવલ said,

  February 17, 2008 @ 6:09 pm

  આપણા સર્વશ્રેષ્ઠ ગીતોમાંનું એક !

 3. Jayshree said,

  February 18, 2008 @ 3:28 am

  ૧૦૦૦ મી કવિતા લયસ્તરો પર… અભિનંદન.. અભિનંદન…
  આ એક માઇલસ્ટોન તો છે, પણ હજુ તો પહેલો છે…. હજુ તો આવા ઘણા આવશે..!! 🙂

  અને હા… કવિતા ખરેખર ખુબ જ સુંદર રીતે સમજાવી… જ્યારથી સાંભળી હતી ત્યારથી એનો ભાવ સમજવા મથતી હતી, અને પોતાની મરજી મુજબના અર્થઘટન કરતી હતી…

  અને આ જ કવિતા તમે ટહુકો પર પણ મુકી – તમારા આસ્વાદ સાથે… એ માટે આભાર નહીઁ કહું..!! ( એ તો મારો હક છે… બરાબર ને ? )

 4. m said,

  February 18, 2008 @ 4:42 am

  અભિનંદન.. અભિનંદન…અભિનંદન..

 5. Pinki said,

  February 18, 2008 @ 4:56 am

  અમ સૌ વાચકો તરફથી લયસ્તરોને અભિનંદન……..!!

 6. Harnish Jani said,

  February 18, 2008 @ 8:06 am

  Congratulations for your hard work-Thank you for bringging beutiful literature to Gujaratis all over the world.Keep it up–and many more to come.
  PS- you have a taste for high Quality. Forgive me,I have trouble getting Gujarati fonts.

 7. સુરેશ જાની said,

  February 18, 2008 @ 8:10 am

  હાર્દીક અભીનંદન..
  આ રસદર્શન બહુ જ ગમ્યું. ન વાંચ્યું હોત , તો કદી સમજાત નહીં.

 8. Shah Pravinchandra Kasturchand said,

  February 18, 2008 @ 8:20 am

  =================

  હવે તો કાયમી ખતપત્ર જોડી દઉં
  લો આ બહુ સરસ છે એ કહી દઉં.

  અભિનંદન
  અભિનંદન

  =================

 9. ઊર્મિ said,

  February 18, 2008 @ 11:48 am

  લયસ્તરો પર ૧૦૦૦મી પોસ્ટ માટે હાર્દિક અભિનંદન !

  ઊનાં રે પાણીનાં અદભુત માછલાં…
  વાહ, ખૂબ જ સુંદર કવિતા અને રસાસ્વાદ તો જાણે કે સોને પે સુહાગા…

 10. Harshad Jangla said,

  February 18, 2008 @ 12:22 pm

  ખુબ ખુબ અભિનંદન

 11. Rajendra Trivedi, M.D. said,

  February 18, 2008 @ 12:45 pm

  લયસ્તરો પર ૧૦૦૦મી પોસ્ટ માટે હાર્દિક અભિનંદન !

 12. દિલીપ ર. પટેલ said,

  February 18, 2008 @ 2:35 pm

  ગુજરાતી બ્લોગ-જગતના જાણીતા ને ગૂર્જરજનોના માનીતા એવા આ લયસ્તરો પર હજાર હજાર મોભાદાર ને મજેદાર એવી ગુજરાતી કવિતાઓને સ્થાન આપીને કવિતા-ચાહકો પર આપે અનહદ અહેસાન કર્યો છે તેમજ કાવ્યોનું આસ્વાદ્ય રસપાન કરાવીને કવિઓ ને કવિતાઓનું બહુમાન પણ કર્યું છે.
  આપ તબીબ મિત્રોને લયસ્તરો પર હજાર હજાર કવિતાઓ આમ હાજરા-હજૂર કરવા બદલ કવિલોક.કોમ ને બ્લોગ વતી હાર્દિક અભિનંદન ને શુભેચ્છાઓ.

 13. અભિનંદન to લયસ્તરો… !! : said,

  February 19, 2008 @ 2:03 am

  […] Posted by Jayshree on 02/18/08 in agreegator ઇંટરનેટ પર ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – લયસ્તરો..!! એક એવો દરિયો જેમા જેટલીવાર ડુબકી મારો એટલીવાર મોતી હાથમાં આવે…   આજે લયસ્તરો પર 1000મી કવિતા મુકી છે વિવેકભાઇએ…  તો આપણે પણ માણીએ એ જ ગીત અને સાથે વિવેકભાઇના શબ્દોમાં એનો આસ્વાદ – (સંગીતના બોનસ સાથે !! […]

 14. S.Vyas said,

  February 19, 2008 @ 2:28 am

  હાર્દિક અભિનંદન અને શુભેચછાઓ!

 15. Pinki said,

  February 19, 2008 @ 5:59 am

  ખૂબ જ સુંદર રસાસ્વાદ………!!

  આખું ગીત જ આંખોને જ અર્પણ,
  એ પણ આંખોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના જ અદ્.ભૂત!!

  મીનાક્ષી…. !!

 16. Chetan Chandulal Framewala said,

  February 19, 2008 @ 12:10 pm

  શ્રી વેણીભાઈ નું આ સુંદર ગીત કેટ્લીયે વખત વાંચ્યું છે, પણ સુરેશભાઈનાં રસ દર્શન સાથે માણવાની મજા અદભૂત છે.
  ૧૦૦૦૦ અભિનંદન.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 17. Chetan Chandulal Framewala said,

  February 19, 2008 @ 12:11 pm

  ૧૦૦૦ પોસ્ટ માટે ૧૦૦૦૦ ની અભિલાષા સાથે અભિનંદન.
  જય ગુર્જરી

 18. Lata Hirani said,

  February 20, 2008 @ 12:03 pm

  જુનુઁ અને સોનુઁ

 19. Neela said,

  February 23, 2008 @ 9:00 am

  1000 પોસ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન.

 20. Vijay Shah said,

  February 23, 2008 @ 1:01 pm

  ૧૦૦૦ પોસ્ટ માટે
  ચેતન ની જેમ ફક્ત ૧૦૦૦૦ નહિ ૧૦ ક્સ્રોડ ની અભિલાષા સાથે અભિનંદન.
  તમે બંને તે કરી શકશો તેવી શ્રધ્ધા સહ્

 21. Jitu chudasama 'jit' said,

  February 25, 2008 @ 1:50 am

  અદભૂત એટલે અદભૂત ….

 22. mukesh said,

  June 29, 2008 @ 10:26 am

  સ્દ્;ફ્ક્લ્;દ્ક્ફ્સ્દ ;ક્સદ્;ફ્;

 23. Shalv said,

  August 23, 2008 @ 11:52 am

  સુંદર ગીત
  અને સુરેશ જોષી જેવાના આધરે રસ દર્શન હોત તે સુંદર જ હોય!
  મઝા આવી
  આ પમ્ક્તીઓ
  સાતે રે સમદર એના પેટમાં,
  છાની વડવાનલની આગ,
  અને પોતે છીછરાં અતાગ :
  સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
  ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
  વધુ ગમી
  બવજ સુદ્દર
  Fantastic and mind-blowing
  Once i think that i wish
  i could be one of them

 24. gopal parekh said,

  September 10, 2008 @ 9:41 pm

  bhaavartha sathe aa kavita maanavaanee bahu maja padi

 25. deepak vadgama said,

  March 25, 2012 @ 6:51 am

  લયસ્તરો પર ૧૦૦૦મી પોસ્ટ માટે હાર્દિક અભિનંદન !

  ઊનાં રે પાણીનાં અદભુત માછલાં…

  એમાં આસમાની ભેજ,
  એમાં આતમાનાં તેજ :
  સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં

  કેવો સુન્દર પ્રાસ અને વિરોધભસ; ભેજ – તેજ

  અદભુત, અદભુત, અદભુત – આ શ્બ્દો સિવાય બિજો કોઇ પ્રતિભાવ હોઇજ ન શકે.
  આ બ્લોગ દ્વારા ન માણેલી ઘણી રચનાઓ માણવા મળી,

 26. Deepak Vadgama said,

  March 25, 2012 @ 6:57 am

  “આતમાનાં તેજ”

  આ શબ્દતો મણસને ઋસિદર્શનની અનુભૂતિ કરાવવા સમર્થ છે.

 27. વિવેક said,

  March 26, 2012 @ 1:00 am

  @ શ્રી દીપકભાઈ વડગામા: લયસ્તરો પરની આ એક હજારમી પોસ્ટ તો ચાર વર્ષ પૂર્વેની છે… અત્યારે લયસ્તરો પર ચોવીસસોથી વધુ કૃતિઓ છે એટલું આપશ્રીની જાણ ખાતર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment