'તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
વિવેક ટેલર

નવનિર્માણ – રૂમી – અનુ-વસંત પરીખ

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !

હીરાના તેજને નિખારવા માટે
તેને ખૂબ ઘસવો પડે છે.
એમ આત્માની શુદ્ધિ માટે
કષ્ટોમાંથી ગુજારવું પડે છે.
પણ એ કષ્ટની સાધક જો ફરિયાદ કરે છે
તો મને નવી લાગે છે કે એ શુદ્ધિનો આગ્રહ જ
કેમ રાખે છે ?
પ્રેમ-ન્યાયાલયમાં દાખલ થયેલો છે દાવો,
અને ત્યાં છે પીડા એ જ પુરાવો.
જો તમે એ પુરાવો રજૂ નહીં કરી શકો,
તો તમે દાવામાં સફળતા ક્યાંથી મેળવશો?
કાજી જયારે પુરાવો માગે
ત્યારે તમે અકળાતા નહીં.
કરી લેજો સાપને પણ ચુંબન
અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.

સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.

– જલાલુદ્દીન રૂમી

અહીં જે પીડામાંથી પસાર થવાની વાત છે તે બંને ક્ષેત્રમાં લાગુ પડે છે – બાહ્ય અને આંતરિક. બાહ્ય પીડાની વાત સમજી શકાય તેમ છે પરંતુ આંતરિક વેદના ઘણી વધારે પડકારજનક હોય છે. આપણાંથી આપણી એક સામાન્ય માન્યતા બદલી શકાતી નથી હોતી, તો સમગ્ર આંતરિક ઢાંચો કે જે સંપૂર્ણપણે વિચાર-ભૂતકાળની યાદો-મગજની તિકડમબાજી પર અવલંબિત છે તેને ધ્વસ્ત કરવો કેટલો કઠિન હશે ! અને આ ઢાંચાની નિરર્થકતાનું સુપેરે જ્ઞાન હોવા છતાં તેને તોડી ન શકવાની સ્થિતિમાં જે guilt ઉદભવે છે તે એથી વધુ કષ્ટદાયક હોય છે. આ એક વિષચક્ર છે જે સાધકને કદી જંપવા નથી દેતું.

8 Comments »

  1. rajesh mahant said,

    September 17, 2012 @ 9:00 AM

    સન્કટો સામે ધીરજ્ રાખી લડતા રહેવાનુ અને
    મુસીબતો આપણને ઘડવા માટે હોય ચે
    તોડવા માટે નહિ. એવુ શિખવાડતી સરસ કવિતા

    જ્યારે પણ કોઇ મુસીબત આવે એક વાર આ વાન્ચી જજો.

  2. perpoto said,

    September 17, 2012 @ 9:48 AM

    વેંહચાયેલો માણસ વેહરાયા કરે….

  3. pragnaju said,

    September 17, 2012 @ 10:20 AM

    સુફી સંતની રચનાનું સુફી જીવન વાળા વસંત પરીખનું ભાવાત્મક અભિવ્યક્તીવાળું સુંદર ભાષાંતર ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
    એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
    એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.
    અદભૂત

  4. ધવલ said,

    September 17, 2012 @ 9:52 PM

    વાહ ! રુમિનું એક એક કથન રતન સમાન હોય છે.

  5. ધવલ said,

    September 17, 2012 @ 10:07 PM

    રુમિ શરણમ ગચ્છામિ !

  6. harshajagdish said,

    September 17, 2012 @ 10:33 PM

    બહુ સરસ વાત કરી છે.પ્રેમ ના ન્યાયાલય માં પીડા જ પુરાવો છે.વાહ…

  7. વિવેક said,

    September 18, 2012 @ 2:56 AM

    સુંદર કવિતા…

  8. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    September 18, 2012 @ 3:09 AM

    કાજી જયારે પુરાવો માગે
    ત્યારે તમે અકળાતા નહીં.
    કરી લેજો સાપને પણ ચુંબન
    અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.

    સમય – સંજોગ ,અને વ્યક્તિ -વ્યક્તિએ સંદર્ભ બદલાઈ શકે છે ! જાતને – વ્યક્તિત્વને માંજવાની વાત હોય તો ,તે વ્યક્તિગત વાત હોઈ શકે ! જગત માં જમાદારો અને બની બેઠેલા ન્યાયાધિશોની ક્યારેય અછત નથી રહી . આશંકા અને આક્ષેપ ને આપણા તરફથી રખાતી અપેક્ષા સાથે કંઈજ લેવા દેવા નથી હોતી ! છેવટે તો ” પ્રેમ મારગ છે શૂરાનો નહીં કાયરનું એ કામ ! ” અહીં પ્રેમ ને વિશાળ અર્થમાં લેવાનો છે – આપણી ઘણી બધી વૃત્તિ – પ્રવૃત્તિ ને અનુલક્ષીને જુઓ તો – ” ખૂદી કો કર ઈતના બુલંદ કી… બીજી પંક્તિ ક્ષમા સાથે બદલું છું – કોઈ પુછને કી હિંમ્મત ન કરે ક્યા,ક્યું ,કબ,કીસે પુછકર ” યે ” કીયા ! અલબત્ત ,એ કક્ષાએ પહોંચવા માટે

    ” સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,નહીં કે તમારા પર!!”. બસ આટલું સમજાઈ જવું જોઈએ. ગઈ કાલે ” લયસ્તરો ” તરફથી મુકાયેલ અને મોકલાયેલ આ ” એનર્જેટીક ” રચના પર આખો દિવસ મંથન કરી આજે મારૂ નમ્ર અવલોકન કે મુલ્યાંકન રજુ કરું છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment