રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

(ઇનકાર) – ભાગ : ૨

ગયા અઠવાડિયે ત્રણ જ પંક્તિની આ નાનકડી કવિતા વિશે ચર્ચા કરવા માટે લયસ્તરોના વાચકોને આહ્વાન આપવામાં આવ્યું હતું. કેટલાક અપવાદોને બાદ કરીને મોટા ભાગના વાચકો ચર્ચાથી દૂર રહ્યા… આજે એક તબીબ જેમ ડિસેક્શન કરે એમ આ કવિતાનું ડિસેક્શન કરી જોઈએ તો કેમ?

*

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)

*

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

*

તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી કિસમિસ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો?

*

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ કિસમિસ સાથે કેવા ‘મેચ’ થાય છે !

બીજી પણ કેટલીક વાતો ધ્યાનાર્હ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની આખી વાડી હોય. કવિ માત્ર એક જ દ્રાક્ષની વાત કરે છે અને વળગી રહે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અને જીવનની સંધ્યાએ તો આ અપેક્ષા ‘એક’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત બની રહે છે…

જીવન નાશવંત છે પણ પ્રેમ અમર છે અને પ્રતીક્ષા ચિરંતન છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી પણ યથાતથ્ રહે છે અને પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને અને એના પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

આપણે ત્યાં કમનસીબે કવિતા વિશે વિશદ ચર્ચા કરવાની વૃત્તિ ઓછી જોવા મળે છે પણ વિદેશી સાહિત્યજગતમાં આવું નથી. આ કવિતા વિશેની કેટલીક રસપ્રદ ચર્ચાઓ અને અલગ-અલગ અંગ્રેજી અનુવાદ આપ અહીં માણી શકો છો.

16 Comments »

 1. La'Kant said,

  September 1, 2012 @ 3:57 am

  વિવેક્ભાઈજી,
  જય હો!
  ” પ્રતિક ” ની વાત અલગ કરીને જોઈએ તો…
  નેચરલી, અન્ય ચહીતા પાત્રને એનું પોતાનું અંગત અલગ મંતવ્ય કેમ ના હોઈ શકે?
  પણ, ખરેખર અન્ગતતાને અનુલક્ષીને, વૈયક્તિક રીતે જોઈએ તો ……
  સાચા પ્રતિભાવ જે હૃદયસ્થ છે …જેને બીજી રીતે આપણે ,”આત્માનો તીણો…ઝીણો …સૂક્ષ્મ ..ધ્વનિ
  કહીએ ” તે જો હા ન પાડે અને એકપક્ષી ખેંચાણ જેવું પણ હોઈ શકે ને …? સામું પુરુષપાત્ર ગમે તે કારણસર ચાહે… પણ બે યુનીક વ્યક્તિઓની વિચારવાની રીત,પધ્ધતિ, પ્રકાર, ચાલાક્બળમાં, જીવન પાસેથી અપેક્ષાઓમાં ફરક હોય પણ ખરો અને બેઉ ઉત્તર -દક્ષિણ છેડે ઊભા હોય તો? { એક મટીરીયાલીસ્ટીક અને બીજું સીધું-સાદું-સરળ સાચુકલું..પાત્ર હોય તો પરિણામ -પ્રતિભાવ જુદા હોઈ શકે ને?}

  “જીવન નાશવંત છે પણ પ્રેમ અમર છે અને પ્રતીક્ષા ચિરંતન છે.” ગમ્યું હજી હમણાજ અનુભવી શ્રી સુરેશ જાનીને તેમના ઇ-મેલના રીસ્પોન્સ્માં આ મતલબનું કંઈક કહ્યું,-રાધર,કહેવાયું…તેમના “ગધ્યસૂર”પર…કોમેન્ટમાં … ને કર્મગત વ્યવસ્થામાં જે નિશ્ચિત છે…તે પુરુષાર્થજન્યજ છે.. પ્રેમી સતત નિરંતર ચાહતો રહે તો શક્ય છે…સામા પાત્રનું મન બદલાય પણ ખરું….અને એક બટકું …નસીબ થાય પણ ખરું…કેમ એવું ન બને .?.ચોક્કસ બની શકે! આશા અમર છે… એટલેજ કહેવાય છે ને? ને વળી દાદા ભગવાન ના સૂત્ર પ્રમાણે…” અહીં બધ્ધુજ વ્યવસ્થીત જ છે” આ વળી બીજો દૃષ્ટિકોણ…
  લા’કાન્ત / ૧-૯-૧૨

 2. sneha said,

  September 1, 2012 @ 3:59 am

  hello its great to see eng. trans. from greek and also enjoyed the depth of that.

 3. sneha said,

  September 1, 2012 @ 4:03 am

  thanx for the link u provided here.

 4. pragnaju said,

  September 1, 2012 @ 10:53 am

  સ રસ આસ્વાદ

 5. perpoto said,

  September 1, 2012 @ 11:02 am

  જાપાનમા આ પ્ર્ણાલી પ્રચલિત છે.હાયકૂ ને જોડતા જવાનુ.
  વિવેક્ભૈને મે મેલ મોક્લ્યો હતો ફોટોકુનો…તેમને ફોટોગ્રાફીનો શોખ છે.

 6. ketan narshana said,

  September 1, 2012 @ 11:12 am

  when a perosn loves a person and waiting for the positive responce, there is no time limit… when n how a person gets god’s gift as love from expected one. after a long test we may get ( may b not) the love from… and we have to stand for.. yes the waiting person can ask ” why not? ” but to get the answer is not must…
  any way waiting in love is the life…. may b luck…

 7. Rekha Sindhal said,

  September 1, 2012 @ 1:48 pm

  આપણે ત્યાં કમનસીબે કવિતા વિશે વિશદ ચર્ચા કરવાની વૃત્તિ ઓછી જોવા મળે છે પણ વિદેશી સાહિત્યજગતમાં આવું નથી.

  વિવેકભાઈ,
  કવિતા વિષે વાત કરતાં પહેલાં આપના લખેલા ઉપરના વાક્ય પર એ કહેવું છે કે આપણે ત્યાં બધા બોલે અને કોઈ ના સાંભળે તેવું ક્યારેક થતું જોવા મળે છે. ચર્ચામાં મંતવ્ય આપનારને જ્યારે તેના મંતવ્યને જોડતી કે તોડતી કડી ના મળે ત્યારે ચર્ચામાં ભાગ લેવાનો અર્થ જણાતો નથી. મંતવ્યનો ય પ્રતિસાદ મળે તો જ કોઈ સુધી વાત પહોંચે છે તેમ લાગે અને રસ જળવાઈ રહે. ખેર, આ નાનકડી કવિતાનો ગુજરાતી અનુવાદ વાંચ્યો. નીચેના બે અલગ અંગ્રેજી અનુવાદોમાંથી બીજો આપે લીધેલ છે.

  1. A green grape, you refused me.
  A ripe grape, you told me “go away.”
  Please don’t deny me a nibble of your raisin.

  2. Green grape, and you refused me.
  Ripe grape, and you sent me packing.
  Must you deny me a bite of your raisin?

  – Dudley Fitts (Eng. Translation from Greek)

  અહીં બીજી(વચલી) કડીનો અર્થ બંનેમાં અલગ જણાય છે. વળી રેઝીનની પહેલાં યોર શબ્દ પણ સૂચક છે. મારી સમજણ પ્રમાણે હું આ કાવ્યનો અર્થ આ પ્રમાણે કરૂં છું.

  ખાટા-મીઠા સ્વાદની દ્રાક્ષ જીવનરસની સૂચક છે. લીલી દ્રાક્ષને બાળપણ, પાકી દ્રાક્ષને યુવાની અને કિસમીસને વૃદ્ધ અવસ્થા તરીકે લઈએ તો બાળપણની અસ્વીકાર્ય સ્થિતિ બાદ તે જ જીવનરસ મીઠી યુવાનીમાં ય જાકારો જ પામ્યો અને આખરે જીવનના છેલ્લા તબક્કામાં સૂકાઈ ગયેલી દ્રાક્ષનું એક બટકું પામવાની ય આશા ન રહી ત્યારે જીવનભરના પ્રયત્ન પછી પણ નકારને હકારમાં ના બદલી શકવાની વ્યથાને છેલ્લી કડી તીવ્રતમ કરે છે. વાઈનમાં રૂપાંતર થતાં પહેલાં દ્રાક્ષને મૂળ સ્વરૂપમાં જરાક ભોગવાની આખરી તક પણ સરી જતી લાગે છે ત્યારે કવિને જીવનભરની વ્યથા એકસામટી ઉમટી આવે છે.

  હું આ રીતે અનુવાદ કરૂં:

  લીલી દ્રાક્ષ, અને તારો અસ્વીકાર
  પાકી દ્રાક્ષ, અને તારો જાકાર
  તારી કિસમિસના એક બટકાની પણ ના ?

  રેખા સિંધલ.

 8. perpoto said,

  September 1, 2012 @ 2:41 pm

  કદાચ કવિ ઇશ્વર ને ફરીયાદ કરે છે. તેની ક્રુપા ન પામવાનો.

 9. Dhruti Modi said,

  September 1, 2012 @ 2:59 pm

  ચર્ચા ગમી. કાવ્યનો અનુવાદ અને આસ્વાદ બંને ગમ્યા.

 10. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

  September 1, 2012 @ 3:03 pm

  ભાઈ શ્રી કેતન નરશાણા અને બહેનશ્રી રેખા સિંધલ બંન્ને સાથે હું સહમત થાઉંછું.પ્રિય પાત્ર માટે ગમ્મે તેટલો સમય રાહ જોવી પડે ,વ્યાજબી છે !પાત્ર અને પ્રેમ તો પરિપક્વ જ સારા!વળી લા’કાંતભાઈ કહેછે તેમ… પ્રેમ સતત નિરંતર ચાહતો રહેતો શક્યછે… સામાપાત્રનું મન (અને નિર્ણય)બદલાય પણ ખરૂં!પ્રતિક્ષામાં બંન્ને તરફના સંજોગ પણ- (ઉપરની દ્રાક્ષની વાતમાં અપરિપક્વતા-સમજણ)નિર્ણાયક કામ કરે તે શક્ય છે!

 11. વિવેક said,

  September 2, 2012 @ 1:16 am

  @ રેખા સિંઘલ:

  આપનો ટચૂકડો પણ અર્થસભર અનુવાદ ગમ્યો… આભાર !

 12. Dr Mukur Petrolwala said,

  September 2, 2012 @ 3:01 am

  ‘આપણે ત્યાં કમનસીબે કવિતા વિશે વિશદ ચર્ચા કરવાની વૃત્તિ ઓછી જોવા મળે છે’ – એ વાત સાચી લાગી.
  એટલે તમે આપેલી લીંક જોઈ અને બીજા અભિપ્રાય જોયા. અંગ્રેજી અનુવાદ જોયા પછી ૨ વાત મનમાં આવે છે.
  1. As mentioned by Rekhaben, the word ‘your’ is important.
  2. Green grape, ripe grape & dry raisin signify adolescence, adulthood and old age. Somehow, the word ‘કીસમીસ’ in our language is a treasured item, so failed to convey to me the original intention – withering of life. Perhaps સૂખી દરાખ?

  But a very good idea to create such a forum. Congratulations!

 13. Nivarozin Rajkumar said,

  September 2, 2012 @ 10:47 am

  બહુ વિચાર્યુ હતું…..હવે ગળે ઉતરે છે….પણ દરેક અવસ્થામાં નકાર શા માટે…?

 14. himanshupatel555 said,

  September 2, 2012 @ 11:08 pm

  તારી કિસમિસના એક બટકાની પણ ના ?

  રેખા સિંધલ.

  તારી કિસમિસમાં એક બચકાની પણ ના ?

 15. La'Kant said,

  September 5, 2012 @ 7:13 am

  “કવિતા વિષે વાત કરતાં પહેલાં આપના લખેલા ઉપરના વાક્ય પર એ કહેવું છે કે આપણે ત્યાં બધા બોલે અને કોઈ ના સાંભળે તેવું ક્યારેક થતું જોવા મળે છે. ચર્ચામાં મંતવ્ય આપનારને જ્યારે તેના

  મંતવ્યને જોડતી કે તોડતી કડી ના મળે ત્યારે ચર્ચામાં ભાગ લેવાનો અર્થ જણાતો નથી.

  મંતવ્યનો ય પ્રતિસાદ મળે તો જ કોઈ સુધી વાત પહોંચે છે તેમ લાગે અને રસ જળવાઈ રહે ‘.

  આવી રેખા સિંઘલ ની વાત સાથે ,ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા { Sept.1,’12 @ 3:03 p } સાથે સૂર પૂરાવું છૂ! આભાર ‘કંઈક’ રસ જાગૃત તો થાય છે!
  લા’કાન્ત / ૫-૯-૧૨

 16. Rekha Sindhal said,

  September 7, 2012 @ 6:18 am

  આભાર વિવેકભાઈ,
  વધારે વિચારતાં મારા અનુવાદમાં રહેલી ખામી મને પછીથી જણાઈ અને વળી હિમાંશુભાઈએ એમાં ટચીંગ કર્યુ તે પણ ગમ્યું. આથી ફરીથી લખવાની ઈચ્છા થઈ.

  લીલી દ્રાક્ષ, અને મારો અસ્વીકાર
  પાકી દ્રાક્ષ, અને મને જાકાર
  તારી કિસમિસના એક બચકાની પણ ના ?

  કદાચ આ ફેરફાર વધુ અર્થસભર બને છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment