ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.
– રવીન્દ્ર પારેખ

વાલમનો બોલ- અનિલ જોષી

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

-અનિલ જોષી

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે…

8 Comments »

  1. ધવલ said,

    August 26, 2007 @ 11:52 PM

    સરસ ગીત … સરસ આસ્વાદ !

  2. Pinki said,

    August 27, 2007 @ 12:18 AM

    કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
    મારા વાલમનો હરિયાળો કોલ

    સાચે જ જડ ને ચેતન સ્વરૂપમાં પરિવર્તિત કરી દીધું.

  3. Shailesh " SAPAN" said,

    August 27, 2007 @ 6:24 AM

    વાલમનો બોલ રચના ના દરેક બોલ ખુબ જ સુંદર આલેખ્યા છે… અભિનંદન

  4. Bhavna Shukla said,

    September 5, 2007 @ 3:31 PM

    દખ્ખણની કોર હવે ઊડતું રે મન
    જેમ ખેતર મેલીને ઊડે પોલ.
    ……………………………………..
    કેટલી સરળતાથી સ્વિકારાતી વાસ્તવિકતા……

  5. SHAILESHPANDYA bhinash said,

    September 9, 2007 @ 2:00 AM

    very nice…………

  6. Jayshree said,

    May 18, 2012 @ 6:57 PM

    બે કવિઓ ભેગા મળી ગીત-ગઝલ લખે – એ સમજી શકાય… પણ એક કવિનું ગીત, બીજા કોઇ કવિની યાદમાં લખાયેલું ગીત, ત્રીજા એક કવિ એ સ્વરબધ્ધ કર્યું હોય, એવું તમને યાદ છે? અહીં પ્રસ્તુત આ ગીત લખ્યું છે અનિલ જોષીએ.. કવિ શ્રી મણીલાલ દેસાઇની યાદમાં.. અને એનું સ્વરાંકન કર્યું છે – કવિ શ્રી રમેશ પારેખએ..!

    http://tahuko.com/?p=12614

  7. વિવેક said,

    May 21, 2012 @ 1:56 AM

    @ જયશ્રી:

    આ માહિતી ખબર નહોતી… આભાર…

  8. વાલમનો બોલ – અનિલ જોષી | ટહુકો.કોમ said,

    February 12, 2014 @ 1:16 AM

    […] ************ અને આ રહ્યો – લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ…   (આભાર – લયસ્તરો.કોમ) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment