હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

ગઝલ – બકુલેશ દેસાઈ

આદરી છે અને અધૂરી છે
જાતની જાતરા ક્યાં પૂરી છે ?!

જીવવા યાદ બહુ જરૂરી છે
એટલે મેં સતત વલૂરી છે

રાહ જોવામાં શૂરીપૂરી છે
મારી આંખો ગજબની નૂરી છે !

ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?!
લાગે છે – ભીરુતા ઢબૂરી છે !

ભાવ-સમભાવ-ધ્યેય નહિ હો તો –
જિંદગી કંઈ નથી, મજૂરી છે !

ખાસ મિત્રો છે… મોટી દહેશત છે…
રામ મુખમાં, બગલમાં છૂરી છે.

એક-માર્ગી નથી હૃદય મારું,
ચાહ પામ્યો છું… ચાહ સ્ફુરી છે.

– બકુલેશ દેસાઈ

અહિંસાના માર્ગ વિશે હંમેશા બે મત રહ્યા છે. ગાંધીજી જેવા ભડવીર તો કોઈક જ હશે જે બંદૂકની સામે અહિંસાનું હથિયાર લઈ ખુલ્લી છાતીએ ઊભા રહી શકે. બાકી મોટાભાગના અહિંસાપ્રેમીઓ હકીકતમાં હિંસા એમનો ‘કપ ઑફ ટી’ ન હોવાના કારણે અહિંસાનો માર્ગ લેતા હોય છે. કવિએ શ્રદ્ધા અને સબૂરીની બરાબર સુરતી શૈલીમાં ધૂળ ઝાડી છે…

બે દિવસ પહેલાં જ ધવલે મંગળ રાઠોડનું એક આવા જ મિજાજનું અછાંદસ મૂક્યું હતું એ પણ જોવા જેવું છે.

5 Comments »

  1. pragnaju said,

    April 7, 2012 @ 3:53 AM

    સાવ કડવું પણ સત્ય…!
    સુંદર ગઝલ
    આદરી છે અને અધૂરી છે
    જાતની જાતરા ક્યાં પૂરી છે ?!
    અર્થની પાસે ઉદાસી હોય છે. પાન પાસે જઈ પવન નર્તક બને મૌન પાસે જઈ હ્રદય ભરચક બને શબ્દ પાસે જઈ કોઈ સર્જક બને એ જ જેની આંખ પ્યાસી હોય છે અર્થની પાસે ઉદાસી હોય છે. અધૂરી છે

    બકુલેશ દેસાઈ આદરી છે અને અધૂરી છે …

  2. ધવલ said,

    April 7, 2012 @ 6:22 PM

    આદરી છે અને અધૂરી છે
    જાતની જાતરા ક્યાં પૂરી છે ?!

    સરસ !

  3. રાકેશ ઠક્કર, વાપી said,

    April 8, 2012 @ 10:32 PM

    nice

  4. મદહોશ said,

    April 11, 2012 @ 2:53 AM

    રાહ જોવામાં શૂરીપૂરી છે
    મારી આંખો ગજબની નૂરી છે!

    ઘણી વાર આપણી જ ઇચ્છા હોય કે હવે રાહ નથી જોવી પણ એમાંથી છુટવું મુશ્કેલ થઇ પડે છે.

    જીવવા યાદ બહુ જરૂરી છે
    એટલે મેં સતત વલૂરી છે…

  5. Manubhai Raval said,

    April 11, 2012 @ 10:43 AM

    ભાવ-સમભાવ-ધ્યેય નહિ હો તો –
    જિંદગી કંઈ નથી, મજૂરી છે !

    ભાવ ( લાગણી ) તો ખરી જ પણ્ સમભાવ દરેક આત્મીય સાથે પણ હોવો જોઇએ અને એવા ધ્યેય
    સાથે કે સ્વપ્ન મા પણ કોઇનુ ખરાબ ન થાય. નહી તો જી’દગી કેવળ મજુરી જ છે.

    ખુબ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment