એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

એટલું પર્યાપ્ત છે – નીતિન વડગામા

સહજ રીતે સાંપડ્યું છે એટલું પર્યાપ્ત છે.
આંગણે આવી ચડ્યું છે એટલું પર્યાપ્ત છે.

જીવતરનું ચિત્ર તો સૌનું અધૂરું હોય છે,
એક સપનું પણ ફળ્યું છે એટલું પર્યાપ્ત છે.

આમ અંદરથી બધાં થીજી ગયાં છે તોય પણ-
તાપણું ટોળે વળ્યું છે એટલું પર્યાપ્ત છે.

ક્યાં સુધી અફસોસ આંસુનો કરીશું આપણે ?
ગીત ગાતાં આવડ્યું છે એટલું પર્યાપ્ત છે.

ઢોલ-તાંસામાં દબાતું એક છાનું ડૂસકું,
એમણે તો સાંભળ્યું છે એટલું પર્યાપ્ત છે.

– નીતિન વડગામા

આપણી પાસે ઘણું બધું હોવા છતાં મન વલોવાળા કરે છે એનું કારણ છે કે આપણે ‘પર્યાપ્ત છે’ કહી શકતા નથી. મનને હંમેશા હોય એનાથી વધારે જ જોઈએ છે. કવિ એ અસંતોષને કાઢવા ‘પર્યાપ્ત છે’ એવો સરળ મંત્ર આપે છે. બીજો શેર કેટલો સરસ થયો છે એ જુઓ – એક સપનું પણ ફળ્યું છે એટલું પર્યાપ્ત છે ! જીંદગીમાં અફસોસ કરવાને બદલે એક ગીત ગાતા આવડ્યું છે એ ઘટનાને ઊજવી લઈએ તો કેવું ? અને મને સૌથી વધુ ગમી ગયેલો છેલ્લો શેર જુઓ. ભલે દુનિયાના અવાજમાં મારું ‘છાનું ડૂસકું’ દબાઈ ગયું, પણ એમણે તો સાંભળ્યું ને ? – પર્યાપ્ત છે !!

2 Comments »

 1. સુરેશ જાની said,

  May 28, 2007 @ 5:25 pm

  બહુ જ સરસ રચના. ગમી.

 2. Abhijeet Pandya said,

  March 10, 2009 @ 1:20 pm

  સુંદર ગઝલ.સહજ રીતે સાંપડ્યું છે માં સહજ નો ગા લ તરીકે ઉપયોગ થયો છે જે
  જે નિયમ પ્રમાણે લ ગા તરીકે ઉપયોગમાં લેવાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment