ખાલીપો લઈને ‘રાઝ’ હું દુનિયાથી જાઉં છું
શાનો થશે હિસાબ, મને એ ખબર નથી.
રાઝ નવસારવી

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

36 Comments »

 1. મીના છેડા said,

  January 21, 2012 @ 1:36 am

  ‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
  મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
  – મરીઝ
  વાહ!

  વિવેક તારી મહેનતની પ્રશંસા શું થાય !

 2. rajnikant shah said,

  January 21, 2012 @ 3:41 am

  રમત શ્વાસના સરવાળાની,
  મૃત્યુ રાહત વચગાળાની.
  -ઉર્વીશ વસાવડા

  વાહ !!!!

 3. P Shah said,

  January 21, 2012 @ 4:20 am

  સરસ સંકલન !

  યમ આવી ઊભા દ્વારે,
  શ્વાસો છે બે ચાર હવે !
  -પ્રવિણ શાહ

 4. rajul b said,

  January 21, 2012 @ 5:02 am

  મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
  કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
  -હરીન્દ્ર દવે
  મોત ને માત.. હરીન્દ્ર દવેસાહેબ ને સલામ..

  બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
  મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
  – પ્રણવ પંડ્યા

  બહુ જ સુંદર વાત કહી છે..

 5. Rina said,

  January 21, 2012 @ 5:12 am

  Great collection…..

 6. સુનીલ શાહ said,

  January 21, 2012 @ 5:25 am

  vah…

 7. sweety said,

  January 21, 2012 @ 6:37 am

  ધણા વખતે ,બહુ અને સારી સરસ લઇનો

 8. hemant joshi said,

  January 21, 2012 @ 7:44 am

  મોત તું શું બહાનું શોધે છે?
  મારું આખું જીવન બહાનું છે
  સામે છે મોત તો ય સતત ચાલતી રહે
  આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
  અદભુત સન્કલન !

 9. pragnaju said,

  January 21, 2012 @ 8:59 am

  એકેએક અફલાતુન શેર
  પરંતુ આનો જવાબ નથી !
  જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
  કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
  – ગની દહીંવાલા

 10. હર્ષેન્‍દુ ધોળક‍િયા said,

  January 21, 2012 @ 9:01 am

  જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
  કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

  સર્જક શ્રી ગની દહીંવાલાના ઉત્‍તમ શેરમાંનો એક હૃદયસ્‍પર્ષી શેર.

 11. himanshu patel said,

  January 21, 2012 @ 9:51 am

  સરસ સંકલન,ક્યારેક લેખ માટે પણ ઉપયોગી થાય તેવું ઉત્કૃષ્ટ શેરોનું.

 12. Mukesh Bhatt said,

  January 21, 2012 @ 11:50 am

  From born till death a man is struggling for………………………

  a peaceful happy Death.

 13. dr.jagdip said,

  January 21, 2012 @ 12:37 pm

  આભાર લયસ્તરો….

 14. dr.jagdip said,

  January 21, 2012 @ 12:41 pm

  આભાર વિવેકભાઈ

 15. Dhruti Modi said,

  January 21, 2012 @ 3:15 pm

  અદ્ભુત ભાઈ અદ્ભુત………

 16. Jayshree said,

  January 21, 2012 @ 6:04 pm

  તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
  કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

  જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
  પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

  – રમેશ પારેખ

  એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
  મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.

  માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
  જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.

  – રમેશ પારેખ

 17. dr.jagdip said,

  January 22, 2012 @ 12:06 am

  ભાઈ શ્રી વિવેકભાઈ
  એષણાઓ જે હજી નહોતી મરી
  મોક્ષને વિવેક-પૂર્ણ પામતી
  ડો. નાણાવટી

 18. વિવેક said,

  January 22, 2012 @ 12:11 am

  આભાર દોસ્તો…

  મૃત્યુ વિષયક કોઈ શેર-ગઝલ-ગીત-કવિતા તમારી પાસે હોય તો મને ઇ-મેલ કરી શકો છો… તમારી પોતાની રચના હોય તો પણ અને તમારી પસંદગીની કોઈ રચના હોય તો પણ…

  હું રાહ જોઈશ:

  dr_vivektailor@yahoo.com

  આભાર !

 19. dr.jagdip said,

  January 22, 2012 @ 2:52 am

  વિવેકભાઈ હવે જીંદગીનો પણ “વારો” કાઢજો…

 20. Dr Jagdip R. Upadhyaya said,

  January 22, 2012 @ 2:41 pm

  વિવેકભાઇની ફરમાઇશ મુજબ હું અહીં, મારાં સ્વ પિતાશ્રી રવિ ઉપાધ્યાય .“રવિ” – ( http://www.raviupadhyaya.wordpress.com) – રચિત મૃત્યુ વિષયક થોડાં શેર, થોડી પંક્તિઓ પેશ કરું છું
  – ડો. જગદીપ ર્ ઉપાધ્યાય

  (1)
  જીવનનો રાહ તું સદા સુરેખ રાખજે,
  સ્પર્શે ન કોઇ ડાઘ, દેખરેખ રાખજે.

  આ જન્મ બોજ ના બન્યો કોઇનો કદી “રવિ”,
  મૃત્યુ પછીયે ના બને, એ વિવેક રાખજે……….. રવિ ઉપાધ્યાય.“રવિ”,

  (2)
  કિતાબોમાં જીવન જડ્યું ના ‘રવિ’ને
  તમે શોધ્યું મૃત્યુની બારાખડીમાં !! રવિ ઉપાધ્યાય.“રવિ”,

  (3)
  મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
  છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

  સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
  જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે…. રવિ ઉપાધ્યાય.“રવિ”,

  (4)
  હજું જીવવુંને જીરવવું’તું બાકી,
  હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
  પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
  જે કીધી મરણની તિથિમાં ઉતાવળ…. રવિ ઉપાધ્યાય.“રવિ”,

  (5)
  ભણેલાઓ ભૂલે ને તારાઓ ડૂબે,ત્યાં લેવો પડે કોઇ ગેબી સહારો.
  પરિચિત પરાયાં બને ત્યારે લાગે,કેવો હતો એ ગેબી સહારો….
  વિધાતાને પૂછું શું ભૂલી ગઇ તું ? કે લખતાં ખૂટી શ્યાહી તારી કલમથી.
  રહ્યો’તો ‘રવિ’ ઝંખતો મૃત્યુ સુધી, જીવનભર ન પામ્યો એ ખ્વાબી સહારો…. રવિ ઉપાધ્યાય.“રવિ”,

 21. Lata Hirani said,

  January 23, 2012 @ 6:45 am

  અદભુત સન્કલન્.. વિવેકભાઇ… બહુ ગમ્યુ…

  લતા હિરાણી

 22. Manubhai Raval said,

  January 23, 2012 @ 2:28 pm

  જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
  થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
  – મુકુલ ચોકસી

  ખુબ સરસ

 23. rajul b said,

  February 6, 2012 @ 5:03 am

  મને જિંદગી ને મરણ ની ખબર છેઃ
  કબર પર ફુલ અને ફુલો પર કબર છે.

  -જયંત પાઠક

 24. વિવેક said,

  February 6, 2012 @ 7:16 am

  આભાર !

 25. Manubhai Raval said,

  February 6, 2012 @ 11:55 am

  ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
  પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
  સરસ

 26. VISHNU BHALIYA said,

  March 3, 2012 @ 2:39 am

  ખરેખર ખુબ જ સુંદર રચનાઓ…

 27. MP Mehta said,

  March 18, 2012 @ 12:50 am

  મનનાં વિચારનો દરિયો ખૂંદતો રહ્યો છું,
  બસ, શબ્દ જે મળ્યા એ લખતો રહ્યો છું.

  રદીફ-કાફિયા-છંદ કે હોય કયો અલંકાર,
  બસ, મનને ગમે તેમ જ જડતો રહ્યો છું.

  રાગ-આલાપ-સંગીત કે સાજ-સુર-તાલ,
  બસ, મારી મોજમાં ગણ-ગણતો રહ્યો છું.

  ગઝલ-શાયરી-દુહા કે કવિતા-છંદ-લેખ,
  બસ, જિંદગીના પુસ્તકને ભરતો રહ્યો છું.

  આમ મરજીવા બની મોજ કરતો રહ્યો છું,
  બસ, મોતની રાહે જીવન લડતો રહ્યો છું.
  ——અશ્વિન ચૌધરી

 28. yogesh shukla said,

  August 23, 2013 @ 4:35 pm

  હુ મારી પણ બે લાઈનસ ઉમેરવાની ગુસ્તાકી કરુ છું .
  ” મુર્ત્યું ને પણ ક્યા કોઈ વય હોય છે ,
  પણ આવે છે જરૂર નિશ્ચિત સમયે “

 29. Manubhai Raval said,

  August 23, 2013 @ 11:54 pm

  આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
  પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
  – સૈફ પાલનપુરી
  બીલકુલ સાચો પ્રશ્ન

 30. SHAIKH Fahmida said,

  December 26, 2014 @ 2:01 pm

  Good.
  Hai maut to yeh zindagi mili hai mujhko
  Tere bager zindagi ka lutf kaha utha pate.
  Jo tu na kismat me hoti
  To zindagi kaha mere bas me hoti.

 31. SANDIP 'SHAHADAT' said,

  March 22, 2015 @ 8:31 am

  મૃત્યુ !!!! ગહનતાનો વિષય છે. સરસ વિવેકભાઈ આ રચનાઓ ઉપલબ્ધ કરવા માટે

  એય મૌત ! તું આવ પણ કહીને આવ,
  અણધાર્યુ આગમન હોય છે તારું.

  નક્કી મરણ તિથિ કહીદે એકવાર મારી,
  પ્રસંગમાં તને પ્રથમ આમંત્રણ હશે મારું.

  -સંદિપ ઉર્ફે “શહાદત મિર્ઝા”

 32. yogesh shukla said,

  May 31, 2015 @ 10:34 am

  ” મુર્ત્યું ને પણ ક્યા હોય છે વય ,
  પણ આવે છે એક નિશ્ચિત સમય,

 33. Pravin Shah said,

  December 7, 2016 @ 10:25 am

  ”હે મ્રુત્યુ તુ જો આવ મારેી પ્રેયશિના વેશમા
  તો હુ તન લૌન એજ ગાદ્ધા આશ્લેશ્મા”

 34. હાતિમ said,

  February 20, 2017 @ 11:23 am

  ખૂબ જ

 35. Shashikant shah said,

  June 2, 2017 @ 9:18 am

  Excellent . Thanks.

 36. પ્રવીણ દાફડા said,

  November 19, 2017 @ 4:49 am

  મૌત સમયે આ જીવનનો સાર એક સમજાય છે,
  પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે.

  નામ જેણે ના લીધુ જિંદગીમાં રામનું,
  એમને ઊંચકી જનારા રામ કહેતાં જાય છે.

  અજ્ઞાત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment