બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?

આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?
હિમલ પંડ્યા ‘પાર્થ’

પરમ સખા મૃત્યુ :૦૨: મરણ – ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકુળ સમું, ધીમું–વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે.

અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.

અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે

-ચુનીલાલ મડિયા

મરણ એ જીવનનું એકમાત્ર સનાતન સત્ય હોવા છતાં આપણે સહુ અમર હોઈએ એ જ રીતે જીવીએ છીએ. કવિને ગોકળગાયની જેમ ધીમી ગતિએ આવતું કે કોઈ અતિ કંજૂસ જેમ એની સંપત્તિ અસહ્ય લોભથી વાપરે એમ છૂટક ટૂંકા હપ્તે મળતું મૃત્યુ પસંદ નથી. ઘણા લોકો આજીવન મૃત્યુનો ભાર માથે વેંઢારીને શબવત્ અપંગશા જીવતા હોય છે અને ભલે ખાંપણ ન ઓઢ્યું હોય પણ એમની ગતિ સ્મશાન તરફની જ હોય છે. કવિ મૃત્યુનો જીવન પરનો અબાધિત અધિકાર સમજે છે. માટે જ એક ઘાને બે કટકા જેવું મૃત્યુ ઝંખે છે જેમાં મરણ પૂર્વે કોઈના સહારાની જરૂર ન પડી હો !

6 Comments »

 1. Deval said,

  December 6, 2011 @ 12:25 am

  ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
  બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે…
  વાહ્…

 2. Deval said,

  December 6, 2011 @ 12:28 am

  mrutyu na abadhit haq mate ni vaat sambhadi amar palanpuri no sher yaad aavi gayo –
  છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
  હક છે મરણ નો એટલે રાખી છે જીંદગી
  – અમર પાલનપુરી

 3. Chandrakant Lodhavia said,

  December 6, 2011 @ 3:43 am

  December 6, 2011 at 12:15 am by વિવેક · Filed under ચુનીલાલ મડિયા, મૃત્યુ વિશેષ, સોનેટ. સૌ આવું જ મૃત્યુ ઝંખે. કહેવાય છે કે જો જેને ધાર્યું મોત મળે તો તેને મોત પર વિજય મલ્યો કહી શકાય.
  ‘ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
  બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે’

  એક કવિએ કહ્યું છે કે

  શું ઘાર્યું શું થઈ ગયું શા ને બધું બોલ્યા કરે,
  સૃષ્ટિ તણા આ ચક્રમાં પ્રભુને ગમે તે થયા કરે.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 4. pragnaju said,

  December 6, 2011 @ 7:41 am

  ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
  બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે
  દરેકની ઇચ્છાની સુંદર અભિવ્યક્તિ
  નનામીને ખાંધ દેવાની વાત સાથે તે મઝાનું કારણ આપે છે,
  “ખુદાકે દરબારમેંભી ચલતે જાયે ક્યા?”
  તો લાલ બહાદુર શાસ્ત્રીએ કહેલું-
  “ગુસ્તાખી કરેંગે હમ
  જીંદગી મેં એક બાર,
  યાર દોસ્તો પૈદલ ચલેંગે,
  હમ હોંગે જનાજેપે સવાર”

 5. praheladprajapatidbhai said,

  December 6, 2011 @ 7:58 am

  ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
  બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે

  અતિ સુન્દર

 6. ધવલ said,

  December 13, 2011 @ 10:41 pm

  ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
  અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
  ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
  કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?

  – સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment