સાત સાગર બંધ પાંપણમાં હતા,
બંધ કૈં કાચો હતો, તૂટી ગયો.
શયદા

પરમ સખા મૃત્યુ :૦૯: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૨

કવિતા કોઈ પણ ભાષાની કેમ ન હોય, મૃત્યુ હંમેશા આકર્ષણનો વિષય બની રહ્યો છે. ગઈ કડીમાં આપણે બેફામના મૃત્યુવિષયક શેરોનું સંકલન માણ્યું. આજે સિદ્ધહસ્ત કવિ મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા  આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…

 

મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

– મનોજ ખંડેરિયા

7 Comments »

 1. મીના છેડા said,

  December 17, 2011 @ 3:09 am

  શ્વાસના ધારદાર ચપ્પુથી
  આ હવા મારું હોવું છોલે છે… વાહ!!!

 2. Milins Gadhavi said,

  December 17, 2011 @ 7:44 am

  Every evening
  When
  The day
  Meets
  The dusk
  I sit
  In my window
  And watch
  The sinking sun.

  When
  The light fades away
  Slowly
  And
  The hours
  Grow
  Quiet and lonely
  My heart too
  Sinks
  Within my soul.

  For
  I know not
  If
  I will see
  The glory
  Of…
  The sun again.
  – GITANJALI GHEI
  (died of cancer at the age of 16)

  જીજીવિષાના બધાયે પ્રયાસ છૂટે છે
  લ્યો રામરામ હવે છેલ્લા શ્વાસ છૂટે છે
  – રાહી ઓધારિયા
  (died of cancer at the age of 66)

 3. વિવેક said,

  December 17, 2011 @ 8:02 am

  આભાર, મિલિન્દ !

 4. pragnaju said,

  December 17, 2011 @ 9:25 am

  સુંદર સંકલન
  ‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
  જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.
  આ શેર વધુ ગમ્યો

 5. Dr jagdip nanavati said,

  December 17, 2011 @ 11:29 am

  મોત વિશે આટલુ તો જાણતોો’તો
  તો પછી તારે જવાનુ શેં થયું ?!?

 6. Dhruti Modi said,

  December 17, 2011 @ 3:46 pm

  સરસ.

 7. લયસ્તરો » ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩ said,

  December 26, 2011 @ 7:30 am

  […] એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment