તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

કવિતા – એન્તુનિન બાર્તૂશેક – અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

કહો મને-
મને ખેંચીને તળિયે લઈ જતાં
નિદ્રાનાં અર્ધપારદર્શક પાણીથી
જેની રેતી તર થયેલી છે
એવા આ કિનારા પરના
આજના પ્રભાતની સાથે
ગઈકાલનું શું સામ્ય છે !
જ્યાંથી કૂદી શકાય અને શ્વસી શકાય
એવી સપાટી શોધતી
શબ્દોની માછલીઓ
પોતે ઉડવાને શક્તિમાન છે એવો ભ્રમ
ક્ષણાર્ધ માટે સેવીને
મારી પાસેથી મંથરતી તરતી સરકી જાય છે.
ત્વચાની સપાટી નીચે છે અંધકાર
યુગો ત્યાં કટાતા પડ્યા છે.
ઉપર તેજના રજતવરણાં ભીંગડાં-
અર્ધ કુમારી સુંદર, અને અર્ધ અશબ્દ મીન.

 

પ્રત્યેક પંક્તિ પાસે જરા અટકીને તેને સમજવા જેવી છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદા છે. કાવ્યસર્જનની પ્રક્રિયા અંગે વાત કરતા કરતા કવિ એક ગહન વાત છેડે છે…. – પ્રથમ પંક્તિ દર્શાવે છે કે કવિ જાણે કે એક કોયડો રજૂ કરે છે-કવિ પોતે જવાબ અંગે સ્પષ્ટ નથી. ‘પ્રભાત’ એટલે સભાનાવસ્થા. નિદ્રા એટલે પ્રભાત પહેલાંની અભાનાવસ્થા.

‘….ગઈકાલનું શું સામ્ય છે ! ‘ -સુધીની પંક્તિઓનો ભાવાર્થ કંઈક આમ બેસે છે- અભાનાવસ્થામાં અજ્ઞાન અસ્તિત્વના તળિયા તરફ જાતને ખેંચે છે. નિદ્રાના અગાધ જળમાંથી કવિ કિનારે આવે છે અને ત્યારે પ્રભાત થાય છે. પરંતુ કિનારાની રેતી પણ એ જ પાણીથી તર થયેલી છે [ કે જે ઊંડું હતું ત્યારે અર્ધપારદર્શક હતું,પરંતુ પાણી એનું એ જ છે. ] અર્થાત, સભાનાવસ્થામાં પણ અભાનાવસ્થાના અંશ રહેલા છે.

‘જ્યાંથી કૂદી શકાય….’ થી શરુ થતી પંક્તિઓમાં કવિ કહે છે કે એક વ્યક્ત શબ્દની આસપાસ અસંખ્ય અવ્યક્ત શબ્દો વીંટળાયેલા હોય છે. છેલ્લી ચાર પંક્તિઓ અદભૂત છે- ત્વચાની સપાટી નીચેનો અંધકાર એટલે અર્ધચેતન અને અચેતન મનસ. ત્યાં અનેક યુગો કટાતા પડ્યા છે-અર્થાત આપણે અસંખ્ય યુગોના વારસાથી જબરદસ્ત conditioned પ્રાણીઓ છીએ,આપણે spontaneous નથી રહ્યા. આપણી reactions માં અનેક યુગોની અસર જોવા મળે છે. મત્સ્યકન્યાને અરધી જોવાથી ભ્રમ પેદા થાય છે-સત્યદર્શન થતું નથી. વ્યક્ત અને અવ્યક્ત બંનેને જયારે જાણીએ ત્યારે જ પૂર્ણ ચિત્રનો રસાસ્વાદ શક્ય બને.
‘અર્ધપારદર્શક’ , ‘ અર્ધ કુમારી સુંદર ‘ , ‘ અર્ધ અશબ્દ મીન ‘ ……. આ શબ્દોથી એક સુંદર સળંગ ધ્વનિ નિષ્પન્ન થાય છે જે સમગ્ર કાવ્યને એકસૂત્રે બાંધે છે.

3 Comments »

 1. pragnaju said,

  November 27, 2011 @ 8:20 am

  સ રસ અછાંદ અને તેથી પણ સુંદર વિદ્વતાપૂર્ણ આસ્વાદ
  ત્વચાની સપાટી નીચે છે અંધકાર
  યુગો ત્યાં કટાતા પડ્યા છે.
  ઉપર તેજના રજતવરણાં ભીંગડાં-
  અર્ધ કુમારી સુંદર, અને અર્ધ અશબ્દ મીન.
  વાહ્
  થોડી માહિતી મેં જોયલ મત્સકન્યાની…વિશાળ નદીઓમાં,મુખ પાસે,પર્વતો નજીકના જૂના અને ઊંડા સરોવરોમાં કે ઊપસાગરમાં આવાં અર્ધમાનવી જોવા મળે છે.આવી મત્સ્યકન્યાઓ વિશાળ,નાજુક કદની,નમણી તથા ઘટઃસ્તરની હોય છે.તેની ગરદન ખૂબ નાની હોય છે.તેના માથેવાળ હોતા નથી. છતાં તેની ઊપર મોટા ઘડા જેવાં સ્તન હોય છે. તેનું નાક નાનકડું તથા કાંઇક અંશે ખૂચું હોય છે.તેના હોઠની ઊપર તેનું નાક હોય છે.તેને બે નસકોરાં હોય છે. તે પાણીમાં રહેતી હોવાથી તેનાં નસ્કોરાં માત્ર શ્વાસ લેતી વખતે જે ખૂલે છે.તેની આંખ નાની છતાં સુંદર હોય છે.જોકે આ કન્યાઓ સુંદર નથી હોતી છતાં તેનું મુખ માનવકન્યા જેવું, છાતી માનવસ્ત્રી જેવી તથા ડૂંટીથી નીચેનો ભાગ માછલી જેવો હોવાથી જોનારની નજર તેનાં અંગ ઉપાંગ ઉપર જ ચોંટી જાય છે. સત્ય છે કે આવાં જીવ આ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવે છે. આવી મત્સ્યકન્યાઓ જો જન્મે તો જીવતી નથી.
  છતાં જો તબીબોના હાથમાં આવું કોઇ પ્રાણી આવે અને તબીબો તેને બચાવી તેના પગનું
  ઓપરેશન પણ જો કરે તો તે સફળ થતું નથી અને સત્યદર્શન થતું નથી. વ્યક્ત અને અવ્યક્ત બંનેને જયારે જાણીએ ત્યારે જ પૂર્ણ ચિત્રનો રસાસ્વાદ શક્ય બને!!!!!!!!!!!!!

 2. વિવેક said,

  November 28, 2011 @ 2:05 am

  જેવી સરસ કવિતા એવું જ મજાનું રસદર્શન..

  આ કવિતાની સપાટી નીચે હજી વધુ અર્થ ભર્યા પડ્યા છે… !

 3. ધવલ said,

  November 29, 2011 @ 10:51 pm

  સલામ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment