શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર

સમજાતું નથી -કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

– કરસનદાસ માણેક

4 Comments »

  1. પ્રત્યાયન said,

    August 26, 2005 @ 8:36 AM

    One more sher from me….

    આપણી ઇચ્છા મુજબ ક્યાં કશુંયે થાય છે?
    જે થવાનું હોય જ્યારે તે જ ત્યારે થાય છે.

  2. Anonymous said,

    October 4, 2005 @ 11:05 PM

    આપણી ઇચ્છા મુજબ ક્યાં કશુંયે થાય છે?
    જે થવાનું હોય જ્યારે તે જ ત્યારે થાય છે.

    I like it.. very much..

  3. Abhijeet Pandya said,

    September 4, 2010 @ 5:39 AM

    કરસનદાસ માણેકની આ ગઝલ રમલ છંદમાં લખાયેલ છે.આ ગઝલ ગુજરાતી સાહિત્યની ઉત્તમ
    ગઝલોમાંની એક છે. પરંતુ એક વાત કહેવાનું રોકી શકતો નથી. ગઝલની શરુઆત ” મને એ જ
    સમજાતું નથી ” માં ” મને” લ ગા થતું અથવા ગા થતું જોવા મળે છે. જેથી લ ગા ગા લ અથવા
    ગા ગા લ ગા થતું જોવા મળે છે. શેરની શરુઆત નો ” મને ” શબ્દ દુર કરવાથી રમલ છંદનું
    બંધારણ જળવાતું જોવા મળે છે. આ ઉપરાંત અંતિમ શેરમાં ” તેલનું ટીપું ” માંથી ” નું ” દુર
    કરીને “તેલ ટીપું” કરવાની જરુર જણાય છે. કરસનદાસ માણેકના સમયગાળામાં ગઝલકારો
    છંદના ચુસ્ત આગ્રહી ન્હોતા એનો મને ખ્યાલ છે. પરંતુ લયસ્તરોમાં ગઝલ પીરસ્વામાં આવે ત્યારે
    આવી બાબતોની કાળજી રાખવામાં આવે તો ગઝલો દોષમુકત જોવા મળે.

    અભિજીત પંડ્યા ( નવોદિત ગઝલકાર , ભાવનગર).

  4. વિવેક said,

    September 4, 2010 @ 6:56 AM

    પ્રિય અભિજીતભાઈ,

    ગઝલના માપિયાથી આ કાવ્ય નાણવા બેસીએ તો કાફિયાતંગી પણ નજરે ખૂંચે… છ શેરની આ ‘ગઝલ’માં ‘જાય’ કાફિયા ચારવાર અને ‘થાય’ કાફિયા બે વાર વપરાયા છે… વળી ‘તરી’ અને ‘ચરી’ને એક જ ગુરુ તરીકે વાપરવામાં આવ્યા છે. તેલનું ટીપુંય માં નું અને ય બંને વધારાના છે અને આવી બીજી પણ ઘણી ભૂલો પ્રસ્તુત ગઝલમાં નજરે ચડે જ છે પણ આ એ સમયની રચના છે જ્યારે ગઝલે ગુજરાતી થવાનું શરૂ કર્યું હતું… કલાપીની રચના લઈને બેસો તો ભૂલોની યાદી ‘આપની યાદી’ કરતાં લાંબી થઈ જાય…

    …એ જમાનો ‘પરફેક્શન’નો નહીં , ‘પેશન’નો હતો.. પણ આજે જ્યારે સિદ્ધહસ્ત ગઝલકારો છંદદોષ સર્જે છે અને વળી એનો બચાવ પણ કરે છે ત્યારે દુઃખ થાય… કરસનદાસજીની આ ગઝલ તો હવે ઇતિહાસ છે. ઇતિહાસ બદલી શકાતો નથી પણ આજે આપણે સહુ ભેગાં મળીને સાવ ખોટો ઇતિહાસ રચી રહ્યાં છે એ વધુ દુઃખદાયક છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment