રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
કલાપી

ન તારી ન મારી – ડૉ. મનોજ જોશી ‘મન’

ન તારી ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,
ફૂલોની પથારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
અને એ ધુતારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

જામનગરના તબીબ-કવિ મનોજ જોશીની એક ધાંસૂ ગઝલ. પાંચમાંથી એક પણ શેર એવો નથી જેને નબળો ગણી શકાય અને પાંચમાંથી એકેય એવો નથી જેને બીજાથી વધુ ચડિયાતો ગણી શકાય… હા, મને એક પ્રશ્ન થયો… કવિનું ઉપનામ ‘મન’ હોવા છતાં એમણે શા માટે ‘મન’વાળો ત્રીજો શેર મક્તા ન બનાવ્યો? એ શેર મક્તાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં અવ્વલ સ્થાને બેસી શકે એવો થયો છે…

10 Comments »

 1. Pancham Shukla said,

  July 13, 2011 @ 4:48 am

  સરળ અને સચોટ એવી આ ગઝલ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી છે. જાણીતી જ વાતો અને અનુભવો ..પણ બાની, અંદાજ, ગઝલિયત, લગાગાની મૌસિકી અને રદીફ/કાફિયાનો કસ કાઢતી તસોતસ ગૂંથણીથી આ ગઝલ વાંચતા જ સ્પર્શી જાય છે.

  વિવેકભાઈનું ઝીણી નજરનું કુતૂહલ પણ મઝાનું છે.

 2. jayesh rajvir said,

  July 13, 2011 @ 6:40 am

  વાહ્ મનોજ ભૈ વાહ્.

 3. ડેનિશ said,

  July 13, 2011 @ 9:50 am

  સુંદર ગઝલ !
  બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
  અને એ ધુતારી નથી કોઈની પણ.
  આ શેર વધુ ગમ્યો ને ‘ધુતારી’ કાફિયો પણ ખૂબ સરસ…

 4. ધવલ said,

  July 13, 2011 @ 11:47 am

  જરા આયના પાસ બેસી વિચારો,
  બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.

  – સરસ !

 5. ડૉ. મહેશ રાવલ said,

  July 13, 2011 @ 1:13 pm

  નખશિખ ગઝલ- કહી શકાય એવી ગઝલયતથી છલોછલ…
  કવિને ઉમદા ગઝલ અને લયસ્તરોને ઉત્તમ સાહિત્ય ચૂંટીને ભાવકો સુધી પહોંચાડવાના ક્લાસિક આશય બદલ બિરદાવીએ….
  -અભિનંદન.

 6. Sudhir Patel said,

  July 13, 2011 @ 9:39 pm

  વાહ! શાનદાર ગઝલ!!
  સુધીર પટેલ.

 7. Rina said,

  July 13, 2011 @ 10:30 pm

  બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
  અને એ ધુતારી નથી કોઈની પણ.

  જરા આયના પાસ બેસી વિચારો,
  બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.
  વાહ….

 8. મીના છેડા said,

  July 13, 2011 @ 11:51 pm

  વાહ!

 9. Rina said,

  July 14, 2011 @ 1:01 am

  કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
  દશા એકધારી નથી કોઈની પણ.
  so true..
  feel like reading it again and again…
  આંસુ કદી ન આવ્યા એમ ન કહેવાય ને
  હોઠ સદા હસતા જ રહ્યા એમ પણ નથી.

 10. અશોક ચાવડા બેદિલ said,

  August 10, 2011 @ 7:45 am

  ભાઈ વિવેકની કોમેન્ટ સાથે સહમત થવું પડે તેમ છે. ‘કવિનું ઉપનામ ‘મન’ હોવા છતાં એમણે શા માટે ‘મન’વાળો ત્રીજો શેર મક્તા ન બનાવ્યો? એ શેર મક્તાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં અવ્વલ સ્થાને બેસી શકે એવો થયો છે…’
  આવી ઝીણી નજર અને નુક્તેચીની બદલ વિવેકભાઈને અભિનંદન. તેમજ કવિશ્રીને આ સૂચન ધ્યાનમાં લેવાની વિનંતી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment