આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

કક્કાજીની અ-કવિતા – ચંદ્રકાંત શેઠ

કક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો ?
ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણ તેથી ટ્રાફિક જામ થવાના ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ !
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદયે
કાપડની મિલના ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં.
તેઓ તો  ઈચ્છે છે :
આ ભાષાને ચોળીચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા મારતી જોવાને !
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી !
કંઈક એવું ઘુસાડ્યું બખડજંતર એના દિમાગમાં,
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવનના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.

– ચંદ્રકાંત શેઠ

કવિતા વાંચીને ગરમ થવાની જરૂર નથી, નરમ થવાની જરૂર છે.

ભાષાએ સુંદર વસ્ત્રપરિધાન કરીને બેઠેલી સ્પર્શથી પર એવી સુંદરી નથી. એતો છોકરાને કેડ પર બાંધીને સતત કાર્યરત એવી પ્રસ્વેદવદન તેજસ્વી નારી છે.

ભાષા આપણી મા છે. અને માને ખૂણામાં બેસી રહેવાનું પાલવે નહીં.

ઘણા લોકોને એવો ભ્રમ માફક આવી ગયો છે કે લેખકો લખે એ જ ખરી ભાષા છે. ખરી ભાષા તો એ છે જે લોકોની જીભ પર જીવે છે. લેખકો (ને કવિઓ)ની કલમ તો માત્ર એ જીભનું સાચું અનુકરણ પણ કરી શકે તો કૃતાર્થ ગણાય.

ભાષાના પગલાં કુમકુમવરણા ન હોય, એ તો ધૂળિયા જ શોભે. એમાં જ એની સચ્ચાઈ છે. એમાં જ એનું ગૌરવ છે.

7 Comments »

 1. Bharat Trivedi said,

  May 10, 2011 @ 9:06 pm

  શેઠ સહેબનો હું વિધ્યાર્થી હતો કપડવણજ કોલેજમાં. સાલ હશે ૧૯૬૨/૬૩ અને તે પણ અમારી પોળ નાના નાગરવાડામાં રહે એટલે તેમનાં દર્શન દિવસમાં બે/પાંચ વાર તો થાય જ! તેમના ક્લાસમાં મને બહુ મજા આવતી નહીં કમકે મને તે વેદિયા લાગતા. તેમની કવિતામં પ્રવેશ પણ મને મળતાં ખાસ્સો સમય લાગ્યો હતો પરંતુ એક વાર તેમની કવિતાનો રંગ લાગ્યો ત્યારે એ વાતનો અફસોસ રહી ગયો કે કશા પણ પૂરાગ્રહ વિના કવિની વધારે નજીક જવાનું બન્યું હોત તો તેમની પાસેથી ઘણું ઘણું શિખી શકાયું હોત !

  આટલી પૂર્વ ભૂમિકા પાછળનું એક જ કારણ કે આ કાવ્યમાં શેઠ સાહેબના વ્યક્તિત્વની એ સાઈડ અહીં જોવા મળે છે જે હું મારા કોલેજ કાળમાં જોઈ શક્યા ના હતો.

 2. Pancham Shukla said,

  May 11, 2011 @ 5:04 am

  Beautiful poem. It captured all my emotions on a first glance. Probably, this poem is a good example of: ‘spontaneous overflow of powerful emotions’.

  બાનીની પ્રશિષ્ટતા, તાજગી, પાકટ-વ્યંગ અને ત્વરિત રસનિષ્પત્તિથી કવિતા મોહક બની છે. આ પ્રકારના કાવ્ય ખરેખર દુઃસાધ્ય હોય છે. આરંભમાં પ્રૌઢી બતાવનારા મોટા ગજાના કવિઓએ ઉત્તરાર્ધ કે ઢળતી સંધ્યાએ આવા રસાળ વ્યંગ/કટાક્ષ કાવ્યો આપ્યા છે.

  હમણા જ કૃષ્ણલાલ શ્રીધરાણીના ‘આઠમું દિલ્હી’ અને ‘અંગત મંત્રી’માંથી પસાર થવાનું બન્યું હોવાથી આ કાવ્યોનું પણ સહજ સ્મરણ થઈ આવ્યું.

  દિવેલિયા ડાચે ગંભીર ગઝલો માણનાર મોટાભાગે ભૂલી જતાં હોય છે કે હઝલનું પણ એક આગવું ફલક છે. હકીકતે હઝલ, ગઝલથી વધુ મુશ્કેલ છે. હા, હઝલમાં આ કાવ્યની કક્ષા જેવો વ્યંગ ઉપસાવી શકે એવા હઝલકારો જૂજ જ રહેવાના.

 3. pragnaju said,

  May 11, 2011 @ 7:34 am

  શ્રી ચંદ્રકાંત કવિ, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક. વાર્તા, નાટકો અને બાળગીત ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન કરનારના આ અછાંદસમાં
  ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
  ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને
  જીવનમા માતૃભાષાના અસ્તિત્વના બોદાપણાનો વસવસો છલકાતો નજરે ચડે છે.
  જેમનો લય ને કલ્પનોની તાજગી એ મુખ્ય આયામ છે તે વૈષ્ણવવણિક સાવ સફાળા લખે…
  એક સવારે
  ભાષા
  શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
  ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવનના માર્ગે.
  ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.
  … ત્યારે લોકોની જીભ પર જીવે છે તે માનું સત્ય સંદેશ વહેવા માંડે.યાદ આવે અમારી આદીવાસી રેવલી જે સહજતાથી પેટને બોકો કહેતી અને ધવડાવવાને બોબલો ખવડાવુ કહેતી અને બીજી તરફ
  બકઠા હૂરટ મા ઘોડાગાડીવાળા પાસે શુધ્ધ ભાષાનો આગ્રહ રાખતા!

 4. વિવેક said,

  May 11, 2011 @ 9:53 am

  વાહ… સાચી કવિતા !

  ધવલનું અને પંચમદાનું વિશ્લેષણ પણ એટલું જ આસ્વાદ્ય !

 5. Dr Faruque Ghanchi said,

  May 11, 2011 @ 2:54 pm

  પરંપરાને સાંપ્રત સાથે સાંકળે, અને હ્રદયથી જે ઉભરે એ ભાષા વધુ પ્રભાવકારી હોય છે. શેઠ સાહેબ જાણે કાવ્ય પંખીને મુક્ત વિહરવા આહ્વાન કરે છે, આ શબ્દો તો ખૂબ બોલકા લાગ્યા… એ સ્વયં કાવ્ય જ છે !

  …કવિતા નથી
  છંદની છ હજાર વર્ષ જૂની …
  મીંચેલી આંખે
  ઈસવી સન પૂર્વે જોયેલા ….
  …ભદ્રંભદ્રનાં…
  દિમાગમાં!
  ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.

  ને મોજથી જીવે છે.

 6. DHRUTI MODI said,

  May 11, 2011 @ 9:17 pm

  વાહ! બહું સુંદર.

 7. રમેશ સરવૈયા said,

  May 16, 2011 @ 5:52 am

  ખરેખર સાચી વાત છે અંતરના ઉંડાણ માથી જે નિકળે એજ કવિતા બાકી તો કઈક આવુજ

  ખુબ તપી ગઈ ધરા ચાલો શબ્દો વાવીએ
  કલ્પના ના ક્યારાને પ્રાસ થી પલાળીએ
  માનો કે કદાચ મોન હશે પરિભાષા પ્રેમની
  તો શબ્દકોશ અને વાક્ચાતુરી શા કામની
  કાગળના ખેતરમાં કલમના હળ ચલાવીએ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment