જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ઉમાશંકર વિશેષ :૧૩: મહાપ્રસ્થાન

Umashankar3

યુધિષ્ઠિર       :       હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
.                            ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
.                            ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ ?
.                          ક્યાં છે તે મહામનીષી ? ક્યાં છે કૃષ્ણ ?

અન્ય સૌ       :                                               કૃષ્ણ ? કૃષ્ણ !

પડઘા          :       કૃષ્ણ ! !

યુધિષ્ઠિર       :     કેવા કૃષ્ણ હવે ?

અર્જુન          :                                  કૃષ્ણ હવે અન્તર્યામી…
.                           કૃષ્ણલૂખું જીવન જે, એ જ મૃત્યુ.

સહદેવ         :                                       મૃત્યુયાત્રી,
.                              ચલો, જયેષ્ઠબંધુ પૂઠે, હિમશય્યા મૃત્યુશીળી
.                              પ્રતીક્ષા કરી છે રહી.

ભીમ           :                       કોણ, કોઈ પડ્યું ? થયો
.                                શાનો આ અવાજ ?

યુધિષ્ઠિર       :       અરે પાંચાલી !

ભીમ           :                       થાકી ગઈ કે ?
.                               ઊંચકી લઉં આ સ્કંધે ?… નથી અરૈ ઊચલાતી…

યુધિષ્ઠિર       :       ભીમ, લાક્ષાગૃહે થકી જનેતા સમેત ચાર
.                            બંધુને ઉપાડી દોડ્યો ભોંયરે તું એકશ્વાસે,
.                             હતો એયે સમય, આ સમય છે જુદો, ભાર
.                             સ્વ-કર્મનો ઊઠાવીને ચાલી શકે એ જ આજે
.                             ઘણું તારે માટે. ઊઠો, પાંચાલી, યાત્રા છે શેષ…

દ્રૌપદી         :       હશે તે તમારે માટે, મારી તો આ પૂરી થઈ
.                          તમારી આંખોની અમી-છાયા નીચે પાંચેયની.
.                          વિદાય આપો અને લો. જીવનમાઅં પીધું-પાયું
.                          સ્મરણ તેનું કરી લો. અગ્નિજા હું હતી ક્યારે-
.                         ક્યારે અગ્નિજિહ્વાળી, ને તપ્ત વેણ સ્હેવાં પડ્યાં
.                          હશે ધર્મરાજનેયે, ક્ષમા તેની આપો અને
.                         પાંચેના જીવનમાં હું પ્રવેશી, પુરુષવરો,
.                         તે પૂર્વે હતા પ્રવાસી તેમ હવેયે પ્રવાસ
.                         આગે ચલાવો તમારો…

સહદેવ         :       પાંચ આંગળીઓ જેવા
.                                           હતા પાંચેય પાંડવ;
.                            વળી જે મુક્કી તે કિંતુ
.                                          દ્રૌપદીના પ્રભાવથી.

– ઉમાશંકર જોશી

કવિ તરીકે ઉમાશંકર સબળ તો હતા જ, સજાગ પણ હતા. ગુજરાતી કવિતાનું માથું વૈશ્વિક સ્તરે ઊંચું રહે એ માટે ગુજરાતી કવિતાનું ખેડાણ જે ક્ષેત્રમાં ઓછું અથવા નહિવત્ થયું હોય એ ક્ષેત્રમાં પણ એ ઝંપલાવતા. કવિ કહે છે, ‘નાટ્યકવિતા (રંગભૂમિ પર ટકી શકે એવી) દુનિયાના સાહિત્યમાં વિરલ છે. નાટ્યકવિતા એ કવિત્વશક્તિને આહ્વાનરૂપ છે. ગુજરાતી કવિતાએ પણ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો રહે છે જ.’ એમણે લગભગ ચૌદ પદ્યનાટક લખ્યા. એમાંના એક નાટક મહાપ્રસ્થાનનો એક અંશ અહીં રજૂ કર્યો છે. મહાભારતના યુદ્ધ અને કૃષ્ણના નિર્વાણ પછી પાંડવો મહાપ્રસ્થાન કાજે હિમાલયમાં  જાય છે. દ્રૌપદી સહુથી પહેલી ઢળી પડે છે એટલો ભાગ અહીં લીધો છે.  છે નાટક પણ કવિતા સતત ઊભરાતી રહે છે. ચાર ભાઈ અને માતાને ખભે ઊંચકીને લાક્ષાગૃહમાંથી દોડેલો ભીમ આજે દ્રૌપદીને પણ ઊઠાવી નથી શક્તો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સ્વ-કર્મનો બોજ ઊંચકાય તોય ઘણું… સહદેવ કહે છે કે પાંચ પાંડવ પાંચ આંગળી સમા હતા પણ દ્રૌપદી જ એમની ખરી તાકાત, મુઠ્ઠી હતી…

5 Comments »

  1. Girish Parikh said,

    July 28, 2010 @ 11:26 PM

    આસ્વાદમાં વિવેક લખે છેઃ “સહદેવ કહે છે કે પાંચ પાંડવ પાંચ આંગળી સમા હતા પણ દ્રૌપદી જ એમની ખરી તાકાત, મુઠ્ઠી હતી…”
    સ્ત્રી એ ખરેખર શક્તિ છે. અને દ્રૌપદી તો પાંચ પાંડવોની મજબુત મુઠ્ઠી છે ! પણ પડે છે પહેલી – – પાંચ પાંડવોની પત્ની હોવા છતાં એને અર્જુન માટે કંઈક પક્ષપાત હતો !
    નાટ્યકવિતાનો સરસ ખંડ પસંદ કર્યો છે. કવિશ્રીનાં કાવ્યનાટકો (હું આ શબ્દ વાપરું છું કાવ્ય સ્વરૂપમાં નાટક માટે) ભજવાયાં તો હશે જ. એ વિશે માહિતિ આપશો તો વિશેષ આનંદ થશે.
    કાવ્યનાટકની વાત કરી રહ્યો છું ત્યારે વર્ષો પહેલાં ચન્દ્રવદન મહેતાનું રેડીઓ કાવ્યનાટક ‘શકુંતલા’ યાદ આવે છે. મેં અને મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે સાથે બેસીને મન ભરીને માણેલું એને એ બરાબર યાદ છે.
    કવિશ્રીનાં કાવ્યનાટકો જો રેકોર્ડ થયાં હોય તો એમાંથી પસંદ કરેલ ખંડ કે ખંડો પણ સંભળાવશો તો આનંદ થશે.

  2. વિવેક said,

    July 29, 2010 @ 12:03 AM

    આ વિષયમાં મારી વિશેષ જાણકારી નથી… ક્ષમા ચાહું છું…

  3. PUSHPA said,

    July 31, 2010 @ 1:47 AM

    LKHTA SHIKHVA MATE LKHU CHU STRI ANE PRUSH JIVAN SHATHI BNE TO SHKTI PAN MHASHKTI BNE. AHIYA PANCH AGLI EMA PAN MUTTHINI TAKAT ETLE EKTA.”JYA SUMP TYA JUMP”.

  4. nilesh said,

    October 18, 2011 @ 7:22 AM

    સમ્પ ત્યા જમ્પ એટ્લે ? કયાક કુદવા ની વાત?

  5. Naresh Kapadia said,

    July 20, 2022 @ 11:18 PM

    અદભુત ! કવિવરે કાવ્ય દ્વારા નાટક સર્જ્યું છે. પાંડવ પાત્રો સ્પષ્ટ થાય તેવું અને પાંડવ પત્ની સર્વોચ્ચ થાય તેવું.. વાહ કવિ વાહ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment