વૃક્ષ તો અફળાય સ્વાભાવિક રીતે,
આગ પેલા વાયરા પેટાવતા.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું- સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

(જન્મ: ૨૯-૦૬-૧૯૫૫)

સંગીત: શ્યામલ – સૌમિલ
સ્વર: શ્યામલ મુનશી

[audio:http://urmisaagar.com/saagar/audio/em_puchhine_thaai_nahi_prem.mp3]

તુષાર દુર્ગેશ શુક્લ.  પિતા જાણીતા સાહિત્યકાર.  પોતે કવિ અને કુશળ સંચાલક ઉપરાંત આકાશવાણી-અમદાવાદ સાથે પણ સંકળાયેલા છે. ફિલ્મો-ટેલીવિઝન માટે પણ અનેક ગીતો લખ્યા છે. (કાવ્યસંગ્રહો: ‘તારી હથેળીને‘,’મારો વરસાદ’,’પૂછીને થાય નહીં પ્રેમ’,’આશકા’ અને ‘આ ઉદાસી સાંજની‘)

આ ગીતની ધ્રુવપંક્તિ આજકાલ પ્રેમી-પંખીડાઓ માટે કહેવતસમાન બની ગઈ છે એટલી હદે આ ગીત લોકપ્રિય થઈ ચૂક્યું છે.  તુષારભાઈનાં સરળ શબ્દોની કમાલને લોકોની જીભે રમતી કરવામાં અને આ ગીતને ચાર ચાંદ લગાડવામાં આપણા ગુજરાતી સુગમ સંગીતની લોકપ્રિય બેલડી શ્યામલ-સૌમિલભાઈઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે.  કિનારાની રેતીને ભીંજવવા માટે દરિયાએ પહેલા એની પરવાનગી લેવી પડતી નથી, એવી જ રીતે પૂછીને પૂછીને કદી પ્રેમ નથી પ્રગટતો.  પ્રેમનું પ્રાગટ્ય તો સાવ સહજ અને અનાયાસ છે.  વાંધાની વાડને વટાવીને એકમેકનાં અલગ અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર કરવો એનું નામ પ્રેમ.  પુરુષનાં મિજાજને રજૂ કરતા આ ગીત પછી તુષારભાઈએ સ્ત્રીનાં મિજાજને રજૂ કરતું આવું જ એક બીજું ગીત પણ (આના જવાબરૂપે) તાજેતરમાં જ લખ્યું છે, એ પણ માણવાલાયક છે- મને મોજું થઈ મળવાને આવ ને…!

આ ઉપરાંત પણ ઘણા એમનાં ગીતો લોકપ્રિય થઈ ચૂક્યા છે, જેમ કે- આંખોમા બેઠેલા ચાતક કહે છે, શબ્દ કેરી પ્યાલીમાં, સંગાથે સુખ શોધીએ, સાવ અચાનક મૂશળધારે, હું અને તું નામના કાંઠાને તોડી, મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને કોઈ, વગેરે જેવા કેટલાંયે સુંવાળા ગીતો.

તા.ક.:

કવિશ્રી તુષારભાઈનાં શબ્દો આ ગીત વિશે…

‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ – એ રચનાને નવી પેઢીએ પ્રેમ કર્યો છે.  મેં એ મારી ઓફિસનાં ટેબલ પર લખેલી.  ચાહવા માટે પૂછવું જરૂરી નથી- એ વાત કહેવાની જરૂર લાગી, એ ક્ષણ એની પ્રેરણાની ક્ષણ. આ ગીતનો ઉઘાડ એની સફળતા છે.  મૂળ આ ગીત ‘એમ પૂછીને…’ થી શરૂ થતું હતું, પરંતુ સ્વરકારોએ ‘દરિયાનાં મોજા…’થી શરૂ કર્યું અને જામ્યું, આ એમનું યોગદાન !  સ્વરબદ્ધ થયા પછી સાંભળ્યું અને ગમ્યું… આ ઉઘાડ રહસ્ય જાળવે છે અને પછી નિર્ણય આવે છે- એમ પૂછીને થાય નહીં પ્રેમ !  એમાં આવતો ‘ખીજું ?’ એ સવાલ છે… ઉક્તિ છે ‘ખિજાવું’.  એ અર્થમાં રમતીયાળ expression ‘સામી અગાશી’ છે.  અહીં અગાશી સાથે જોડતા બધા જ સંદર્ભો યાદ કરી શકાય… એકપક્ષી પ્રેમનું પુરસ્કર્તા છે પણ પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા પણ આપે છે.  દરિયો ભિંજવશે એ શ્રદ્ધા છે એટલે રેતીને કોરા થવાનું મન થાય છે, કે રેતીને કોરી જુવે છે એટલે દરિયાને ભિંજવવા દોડી આવવાનું ગમે છે.  એ સંશોધનનો નહીં સંવેદનાનો વિષય છે.  તમને ગમ્યું એ મને ગમ્યું…

10 Comments »

  1. Pushpakant Talati said,

    December 18, 2009 @ 7:58 AM

    અતિ સુન્દર,
    પ્રેમીઓ ને પ્રેમ કરવા માટે ઇજન આપતુ તથા ચાનક ચડાવતુ ગીત.
    તમારે તો પ્રેમ કરવાનો – ગીતામા કહેલ છે ને કે “તમે તમારુ કર્મ કરો” બસ “બાકીનુ મારા ઉપર છોડી દ્યો.” તેમ પ્રેમી એ તો તેનુ ટારગેટ જ જોવાનુ ! !! ગીતા મુજબ જેમ સારા કામ/કર્મ નુ ફળ હમેશા સારુ જ હોય છે તેમ જો સાચો પ્રેમ હશે તો તમે નાસીપાસ નહી જ થાવ.

  2. વિવેક said,

    December 18, 2009 @ 8:53 AM

    મારું મનગમ્તું ગીત… દરિયાના મોજાંની જેમ જ અનવરત વહેતો રહેતો લય અને સહજ-સાધ્ય કલ્પનોની ભીડમાંથી ઊઠતો પ્રેમ આ ગીતના સંદર્યને અનોખી તાજગી બક્ષે છે…

  3. ઊર્મિ said,

    December 18, 2009 @ 9:14 AM

    કવિશ્રી તુષારભાઈનાં આ ગીત વિશે શબ્દો… થોડા મોડા મોડા અત્યારે જ પોસ્ટમાં ઉમેર્યા છે!
    (I just received the email from Tusharbhai… )

  4. ધવલ said,

    December 18, 2009 @ 4:41 PM

    પ્રિય ગીત…. સુંદર ગાયકી… એનાથી વધારે શું જોઈએ ? !

  5. pragnaju said,

    December 18, 2009 @ 9:57 PM

    આવા મધુર યાદગાર ગીતની સાથે તેમના જ શબ્દોમા આ ગીત અંગે તેમની યાદગાર ભાવનાનો
    ઊર્મિસભર પરિચય ઉમેરો તો વધુ મસ્ત બને …
    ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
    મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું- સામી અગાશી.
    મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
    એમ પૂછીને થાય નહીં પ્રેમ.
    ગવાયા બાદ તેમને મળવા યુવાન આવ્યો અને તેમનું સરનામું પૂછ્યુ …
    તેમની સામી અગાશી માટે!
    તેમણે જે કહ્યું તે વધુ યાદગાર દોરવણીરુપ બન્યુ કે –
    આ અગાશી તો દરેકે પોતે શોધવાની રહે……

  6. tushar shukla said,

    February 9, 2010 @ 11:52 AM

    My birth year is 1955. rest is o.k.

  7. નિનાદ અધ્યારુ said,

    February 9, 2010 @ 1:45 PM

    માત્ર બુદબુદા થવાનુ હોય છે,
    પ્રેમમા ખુદા થવાનુ હોય છે,
    ગમવું કે ના ગમવું એના હાથમાં,
    આપણૅ ફીદા થવાનુ હોય છે !

    પ્રેમીઓને અભિનંદન….! તુષારભાઈને એકજ પેઇજમા ૧૩ વરસ નાના થવા માટૅ.!

  8. ઊર્મિ said,

    February 9, 2010 @ 10:29 PM

    પ્રિય તુષારભાઈ, ભૂલમાં વર્ષની માહિતી ખોટી મળી હતી… માફ કરશો. હવે તમારા જન્મ-વર્ષ પ્રમાણે તમને ફરીથી નાના કરી દીધા છે… 🙂 આભાર…

  9. TARUNKUMAR SHAH said,

    March 31, 2010 @ 5:25 AM

    આત્મન,
    સ્‍નેહી શ્રી,
    કુશળ હશો !
    હું તરૂણ શાહ !
    ભારત દેશમાં રહુ છું. અહીં મારી પોતાની વેબસાઇટ બનાવવાની નાનકડી કંપની છે. અમો એક અભ્‍યાસ અને શિક્ષણને લગતું પોર્ટલ બનાવી રહ્યા છીએ. આ પોર્ટલમાં અમો એક આખો વિભાગ બાળકો માટેની માહિતીનો તૈયાર કરી રહ્યા છીએ. આપની સુંદર વેબસાઈટમાં આ બાબતની ઘણી જ માહિતી છે. અમો પણ આવું જ કશુંક વિગતવાર મૂકવા માગીએ છીએ. જો આપ મહોદય આપની વેબસાઈટમાંથી માહિતી લેવાની પરવાનગી અમોને આપો તો અમે એ માહિતી જરુરી ફેરફાર કરીને અમારા પોર્ટલમાં મૂકીએ. સાથોસાથ પરવાનગી આપવા બદલ આપનું સૌજન્‍ય પણ મૂકીશું. સંસ્‍કૃતિ તથા બાળસેવાનાં આ કાર્યમાં અમોને મદદ કરી જો આપને યોગ્‍ય લાગે તો અમોને પરવાનગી આપી ઉપકૃત કરશોજી.
    આપનો
    તરૂણ શાહ

  10. Zarna Rasalawala said,

    February 1, 2013 @ 11:28 AM

    sir , ap ni a kavita ke “” dariya na moja kae reti ne puche ke tane bhijavu gamshe ke kem”” jetlu kahu tetlu ochhu pade 6 ,khubj sunadar 6 ap ni a kavita

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment