એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
વિવેક ટેલર

યાદગાર ગીતો :૦૯: નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે.  પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

8 Comments »

 1. Jayshree said,

  December 9, 2009 @ 1:33 am

  વાહ… મઝા આવી..

 2. Nirav said,

  December 9, 2009 @ 1:35 am

  નવમાં ધોરણમાં પાઠ્યપુસ્તક માં આ ગીત ભણતા અને ગણગણતા એ યાદ આવી ગયું. નવો શબ્દ પ્રયોગ – પાંશુમલીન હમેશ માટે મગજ માં જડાઈ ગયો છે
  મને ગમતી એક સુંદર રચના .

 3. pragnaju said,

  December 9, 2009 @ 1:48 am

  મઝાના ગીતની મધુર મધુર ગાયકીની
  આ પંક્તિઓ તો ખૂબ જ ગમી
  કયારેક મને આલિંગે છે
  કુસુમ કેરી ગંધ;
  કયારેક મને સાદ કરે છે
  કોકિલ મધુરકંઠ,
  નેણ તો ઘેલાં થાય નિહાળી
  નિખિલના સૌ રંગ,
  મન મારું લઈ જાય ત્યાં જાવું
  પ્રેમને સન્નિવેશે.
  પ્રકૃતિનો વૈભવ પાસે હોવા છતાં પામવા મળતો નથી. પ્રકૃતિને પામનારની પોતાની પ્રકૃતિ પણ નોખી હોય છે. તમે પ્રકૃતિને જોતાં – ચાહતાં શીખશો તો તમારી પ્રકૃતિ પણ બદલાઈ જશે. ને પ્રકૃતિનાં રહસ્યોને સમજવા મથશો તો અનેક આશ્ચર્યોથી તમે રોમાંચિત થઈ જવાના. પ્રકૃતિને સમજનાર પછી એને જીવનનું સત્ય સમજાવા માંડે છે-ને કોયલનો કૂહુરવ હવાને વધુ માદક બનાવે છે..અલખના આ જગતમાં બધું બનતું રહે છે. એમાં સુખ-દુઃખના ખયાલો કે આશા – અરમાન – આનંદની ભાવનાઓ આપણે માણસો ઉછેરીએ છીએ. તમે એની બહાર રહીને આ નિ રુ દ્દે શ જગતને જુઓ તો મજા પડશે. ખરો આનંદ અને હોવાપણાની પ્રસન્નતા પણ નિરુદ્દેશે પ્રકૃતિમાં વિહરવાથી મળે છે
  યાદ આવી પંક્તીઓ
  તળેટીથી ટૂકો લગ ખેલતું વાદળ પવન સંગે,
  નિરુદ્દેશે મજાનું મન ધજાની જેમ ફરફરશે.
  સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં ?
  ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે.

 4. Pancham Shukla said,

  December 9, 2009 @ 5:11 am

  ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ બાદ ગુજરાતી સાહિત્યને જ્ઞાનપીઠની ઊંચાઈ સુધી લઈ જનાર વટવૃક્ષ સમી પ્રતિભા એટલે કવિશ્રી રાજેન્દ્ર શાહ. મને ખૂબ ગમતા પ્રશિષ્ટ કવિ એમણે એટલાં વિપુલ અને સુંદર ગીતો લખ્યાં છે કે એમનું એકમાત્ર યાદગાર ગીત શોધવું સાચે જ કપરું છે- જે લયસ્તરોએ આગવી સૂઝથી બખૂબી ઉકેલ્યું છે. એમના વિશે વધુ માહિતી અહીં મળશેઃ
  http://sureshbjani.wordpress.com/2006/11/05/rajendra_shah/

 5. Girish Parikh said,

  December 9, 2009 @ 3:57 pm

  રાજેન્દ્ર શાહની ઉમદા રચના.
  ઉમાશંકર જોશીનું “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા …” યાદ આવ્યું.

  મારાં સાહિત્ય સંસ્મરણોઃ
  પણ હું તો રાજેન્દ્ર શાહને “કેવડીઆનો કાંટો” વગાડનારા કવિ તરીકે ઓળખું છું! વર્ષો પહેલાં અમદાવાદની એલ. ડી. એંન્જિનિયરીંગ કોલેજમાં ભણતો હતો ત્યારે એક બે મિત્રો સાથે રાયપુરમાં આવેલા કુમાર કાર્યાલયમાં દર બુધવારે સાંજે યોજાતા (એ “બુધવારિયું” કહેવાતું) કવિઓના કાર્યક્રમમાં કોઈ કોઈ વાર જતો. કુમારના તંત્રી, કવિતા (અને અન્ય સાહિત્ય) ના હીરાપારખુ, સ્વ. બચુભાઈ રાવત કહેતા, “કેવડીઆનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે …” જેવું ગીત જવલ્લે જ મળે!

 6. sudhir patel said,

  December 11, 2009 @ 8:02 pm

  સુંદર ગીત!

 7. વિવેક said,

  December 12, 2009 @ 5:13 am

  અદભુત ગીત… આ કાવ્ય વાંચો, સમજો તો ખ્યાલ આવે કે ગુજરાતી કવિતા શી ચીજ છે?

 8. Niruddeshe | ટહુકો.કોમ said,

  September 23, 2010 @ 6:49 pm

  […] (લયસ્તરો પર ‘યાદગાર ગીતો’ શ્રેણીમાં આ ગીતની સા… અહીં એમના જ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment