દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ (ઉત્તરાર્ધ)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ
(જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)

‘લયસ્તરો’ પર પહેલીવાર ગયા અઠવાડિયે નવા પ્રયોગ તરીકે કવિતાનો આસ્વાદ તૈયાર આપવાના બદલે વાચકોને આ કાવ્યનો આસ્વાદ કરાવવા માટે ઇજન અપાયું હતું જેના સુંદર પ્રતિસાદ બદલ સહુ મિત્રોનો આભાર…

રાવજી પટેલનું આ અમર કાવ્ય અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું આવી ઊભું જોઈને લખાયું છે. અહીં લય લોકગીતનો છે પણ ભાવ છે શોકગીતનો. મૃત્યુની સાક્ષાત્ અનુભૂતિ તો કદાચ અકળ છે પણ એ આંખ સામે આવીને ઊભું હોય ત્યારે જે સંવેદના થાય એનો મૃત્યુના સાક્ષાત્કાર સમો લવચિક છતાં બળકટ ચિતાર ચિત્કાર કર્યા વિના કવિએ અહીં આપ્યો છે. આ ગીતને રાવજીએ કોઈ શીર્ષક આપ્યું નથી પણ આપણે સહુ એને ‘આભાસી મૃત્યુના ગીત’ તરીકે ઓળખીએ છીએ. ઉમાશંકર જોશીએ આ રચનાને ‘રાવજીનું હંસગીત’ કહી વધાવ્યું હતું.

સુરેશ દલાલ, હરીન્દ્ર દવે જેવા ખ્યાતનામ કવિઓ અને થોડી મારી સમજણની ભેળસેળ કરીને આ ગીત ફરીથી માણીએ:

સમજાય એવું છે કે કાવ્યનાયક કવિ પોતે જ છે. એ ગૃહસ્થ છે, જુવાન છે અને આંખ સામે અડીખમ મૃત્યુ છે. આવા માણસના શ્વાસ સમેટાવાના હોય ત્યારે પહેલો વિચાર પત્નીનો, એના સૌભાગ્યનો જ આવે. સૌભાગ્ય સામે વૈધવ્ય જીતતું દેખાય ત્યારે સૌભાગ્યના પ્રતીક જેવો- કંકુના સૂરજ જેવો ચાંદલો પોતાની સગી આંખે- આથમતી આંખે દેખાય છે. ‘આથમ્યા…’ પછીનાં ત્રણ ટપકાં એ આંસુના ચિહ્ન હોઈ શકે છે અથવા કંઈક કહેવું છે અને કહેવાતું નથી એની વ્યથાના સંકેત પણ…

લગ્નગીતના લયમાં ફોરતું આ મૃત્યુગીત લગ્નની તૈયારીની જેમ જ પોતાના મૃત્યુના સામૈયાની તૈયારી કરે છે. વીરાને વે’લ શણગારવાનું અને રામણદીવડાની શગ (જ્યોત) સંકોરવાનું આહ્વાન આપી કવિ વેદનાને વલૂરે છે. લોકગીત કે લગ્નગીતમાં સામાન્યરીતે પંક્તિના અંતે આવતો ‘રે’ અહીં પદારંભે વપરાયો છે. દુઃખની વાત હોય ત્યારે આપણે ‘રે..રે… આ શું થઈ ગયું?’ કહીએ, શું એ અહીં કવિને અભિપ્રેત હશે? સૂરજ આથમે ત્યારે અંધારું થાય પણ દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા રહે છે. પાસે બળતા દીવાનું અજવાળું? ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા? तमसो मा ज्योतिर्गमय ?

પીળો રંગ રોગનો રંગ છે. પાનખરનો રંગ છે. લીલો રંગ તાજગીનો, વસંતનો, યૌવનનો રંગ છે. ઘોડો પ્રતીક છે શક્તિનો, તાકાતનો, સવીર્યતાનો. બેલગામ યૌવનના ઘોડા એક પીળા પાંદડામાં જ્યારે ડૂબી જાય છે ત્યારે માત્ર કવિ કે કાવ્યનાયક જ નહીં એની સાથે યૌવનના અગણિત સપનાંઓ, અલકાતાં-મલકાતાં રાજ-કાજ બધું જ ડૂબે છે. આનંદમાં હોઈએ ત્યારે આપણે ક્યારેક શબ્દોને બેવડાવીને બોલીએ છીએ.. અલક-મલકની વાતો… કવિ અહીં દુઃખના પ્રસંગે અલકાતાં સાથે મલકાતાં અને રાજ સાથે કાજનો માત્ર પ્રાસ નથી બેસાડતા, દુઃખની દ્વિરુક્તિ પણ કરે છે… હણહણતી સુવાસમાં ઘોડા સાથે હનહણવાનો સંદર્ભ તરત પકડાઈ જાય છે પણ જ્યાં ‘હણહણતી’ સુવાસને ‘સાંભળવા’ની વાત આવે છે ત્યાં દૃશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણ સંસ્કારોનો ઇન્દ્રિયવ્યત્યય થયેલો અનુભવાય છે.  સુવાસ નિરાકાર છે. હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી… કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે સંભળાતા રહેશે !

દીકરીને વિદાય કરતી વખતે મા-બાપ કહે છે, ‘તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાયે સાથે…’ યુવાન પતિને મરતાં અટકાવવા કોણ સહુથી વધુ ઝંખે? પત્ની જ સ્તો ! સત્યવાનની સાવિત્રી જ ને ! અને પત્ની કેવી રીતે રોકવા મથે છે ? ડૂમો ભરેલા ગળેથી અડધોપડધો બોલ માંડ નીકળે છે.. ડગલું ભરવા ઊંચકેલ પગ આગળ વધે એ પહેલાં આઘાતથી અટકી જાય છે એટલે ઝાંઝર પણ અડધું જ બોલે છે.  ઘા જોરથી થાય તો એની વેદના ક્ષણજીવી રહે પણ હળવા ઘા ચિરંજીવી બની રહે છે. નાયક મૃત્યુનો સાક્ષાત્કાર કરવા તો જઈ રહ્યો છે પણ આવી સજીવ હળવાશ એને હજી પણ અટકાવી રહી છે… સ-જીવી હળવાશમાં કદાચ, બે જીવ-સોતી પત્નીના ભાવિમાં ઝળુંબતા વૈધવ્યની વેદનાનોય સંકેત હોય. રાવજીના મૃત્યુ સમયે, એમની પત્ની એવી અવસ્થામાં હતીય ખરી.

વ્યથાને હદમાં રહીને તો સૌ કોઈ શબ્દમાં કંડારે છે; ક્યારેક અનહદ વ્યથાનું પૂર શબ્દોના અર્થના સીમાડાને તોડીને ફેલાઈ જતું હોય છે. પાંપણ ભીની કર્યા વિના ક્યારેય વાંચી ન શકાય એવા આ કાવ્યમાં એવું બન્યું છે!

18 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    September 5, 2009 @ 12:58 AM

    ખરેખર પાંપણ ભીની કર્યા વિના વાંચી ના શકાય એવું ગીત છે…
    મને રોકે પંછાયો એક ચોકમાં;
    અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
    મને વાગે સજીવી હળવાશ !
    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

  2. manhar mody ('મન' પાલનપુરી) said,

    September 5, 2009 @ 5:40 AM

    સ્વજનના કે કોઇ અન્યના મ્રુત્યુપ્રસંગો ના ગીતો ઘણા વાંચ્યા હતા પણ સ્વનું-પોતાનું મ્રુત્યુ સામે દેખાતું હોય ત્યારે આલેખાયેલું આ ગીત હૈયાને હલબલાવી નાંખે છે. કાવ્યનો આસ્વાદ પણ ખુબજ હ્રદયસ્પર્શી છે. આભાર અને અભિનંદન લયસ્તરો, આવું દુર્લભ ગીત આપવા માટે.

  3. Kirtikant Purohit said,

    September 5, 2009 @ 7:26 AM

    એક અમર ગીત અને અભિનંદનીય ગહન આસ્વાદ સાથે.

  4. डॉ. निशीथ ध्रुव said,

    September 5, 2009 @ 8:31 AM

    अगाउना प्रतिभावमां में नोंध्युं हतुं के आवा गीतने इङ्ग्लिशमां swan-song कहे छे. श्री उमाशङ्कर जोशीए एने माटे हंस-गीत एवो शब्द घड्यो हतो ए मने नहोती खबर. ए जाणकारी माटे आभार. एक ज काव्य एना वाचको पर नानाविध भावो उत्पन्न करे छे एनुं दृष्टान्त आ नूतम प्रयोगे आप्युं. एकदम निखालसपणे कबूलुं छुं के हणहणती सुवासना प्रतीकनो अर्थ हजी मने तो श्रद्धेय लाग्यो नथी. पंछायानो अने सजीवी हळवाशनो अहीं आपेलो अर्थ गम्यो – अने मने समजायेला अर्थनी जेम ज कविनी परिस्थितिने अनुरूप पण लाग्यो. आभार.

  5. sapana said,

    September 5, 2009 @ 10:34 AM

    વિવેકભાઈ,
    રડાવી દે એવું આસ્વાદ.
    સપના

  6. pravina Avinash said,

    September 5, 2009 @ 1:22 PM

    અરે આ તો ખૂબ જ જુદો દ્ર્ષ્ટિકણ છે.

  7. sudhir patel said,

    September 5, 2009 @ 2:10 PM

    ખૂબ જ કરુણ ગીતનો ભાવવાહી આસ્વાદ!
    સુધીર પટેલ.

  8. Pancham Shukla said,

    September 5, 2009 @ 6:11 PM

    રે હણહણતી મેં સાંભળી સુવાસ

    હું આ રીતે સમજ્યો છું-

    હય (અશ્વ)નું પ્રતીક એ મનુષ્ય્ની ઈન્દ્રિયો/વાસનાઓ સંદર્ભે વપરાતું જોયું છે, એ સંદર્ભે ઈન્દ્રિયોની ઈક્ષાઓનું એના મૂલતઃ નિર્વિકારી અને નિરામય સ્વરૂપમાં સાનંદ પુનઃ સ્થાપન.

  9. pragnaju said,

    September 6, 2009 @ 4:41 AM

    રે હણહણતી મેં સાંભળી સુવાસ
    હણહણતી સુવાસમાં ઘોડા સાથે હનહણવાનો સંદર્ભ તરત પકડાઈ જાય છે પણ જ્યાં ‘હણહણતી’ સુવાસને ‘સાંભળવા’ની વાત આવે છે ત્યાં દૃશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણ સંસ્કારોનો ઇન્દ્રિયવ્યત્યય થયેલો અનુભવાય છે
    એમ કહેવાય છે કે ઘોડા પાસે શેતાન આવી શકતો નથી માઠા બનાવની ૪૦ દિવસ અગાઉ તેને ખબર પડે છે. જે ઘરમાં ઘોડો હોય ત્યાંથી બલા તથા દુ:ખ દૂર થઈ ઘ઼ણી આઝાદી ભોગવવાનું મનાય છે.
    ઘોડા ની નાળ કે જે ઘોડા ના ડાબલા પર ઘસાઇ હોય તેને ઘર ના મુખ્ય દ્વાર પર રાખવાથી મેલી વસ્તુ ઘર મા પ્રવેશી શકે નહિ.
    ઘોડા માટે એક કહેવત પણ છે: “ઘોડા તુજ મે તીન ગુણ,
    અવગુણ પણ ભરપુર.
    છેટે થી ભેળા કરે,
    (પાછા)લઈ જાય દુરમ દુર.”
    સાંભળવા’ની વાતમા કદાચ શ્રવણેન્દ્રિય છેલ્લી જાય અને સંતોનું કહેવું છે કે કારણ-શરીરમા પણ તે સાંભળે અને ગંધ લઈ શકે છે
    ….બાકી આવી કરુણ રચનાઓ કમાણીનું તગડું સાધન બને છે
    આવાં દુ:ખો જીવનમાં બને છે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ એટલું જ નહીં પણ એવું ફરી ક્યારેય ન બને તેવું ઈચ્છીએ છીએ. આવા બનાવોમાં આપણને રસ પડતો નથી પણ દુ:ખ થાય છે. જ્યારે સાહીત્યમાં રજુ થયેલા અત્યંત કરુણ બનાવો પણ આપણે વારંવાર વાંચીએ છીએ; નાટકમાં જોઈએ છીએ;સીનેમાના પડદે માણીએ છીએ.
    કે ભગવાન આવું ફરીવાર ન બને અને એવી જ ઘટના સાહીત્યમાં, નાટકમાં, સીનેમામાં બનતી જોવા માણવા વારંવાર આપણે પૈસા ખરચીએ છીએ!!

  10. Tejal jani said,

    September 8, 2009 @ 12:29 AM

    Aa kavy nu aapnu arthghatan khub gamyu..
    Aabhar…

  11. ઊર્મિ said,

    September 8, 2009 @ 9:28 AM

    ખૂબ જ સુંદર અર્થઘટન અને આસ્વાદ… મજા આવી ગઈ.

  12. લયસ્તરો » મૃત્યુ -ચંદુ મહેસાનવી said,

    September 8, 2009 @ 6:47 PM

    […] પહેલા લયસ્તરો પર જ્યારે રાવજીભાઈનાં ‘આભાસી મૃત્યુનાં ગીત’ માટે (વાચકોનાં અને વિદ્વાનોનાં) […]

  13. Pinki said,

    September 9, 2009 @ 12:42 AM

    મૃત્યુ સમયે , કોઇક ગહન સુવાસનો અનુભવ થાય તેવું સાંભળ્યું છે.

    તો મૃત્યુના પ્રતિકરુપે ‘હણહણતી મેં સાંભળી સુવાસ’ – હોય શકે ? એટલેકે, યૌવનના ઘોડા ડૂબ્યા અને મૃત્યુ ચડ્યે ઘોડે આવ્યું … ??!

    પહેલાં રસાસ્વાદ કોઇનો વાંચવા ન’તો મળ્યો, એટલે જાતે સમજવાનો મોકો પણ મળ્યો અને સરસ જાણવા પણ મળ્યું…. !! અને શીર્ષક ‘આભાસી મૃત્યુનું ગીત’ –

    https://layastaro.com/?p=58 🙂

  14. mahesh dalal said,

    September 9, 2009 @ 12:29 PM

    મોટાભઆગ્ ના રસિક મિત્રો એ ભાવ રજુ ક્ર્યો.. મરો સાદ પુરુ . .. હૈયુ ભિનુ કરિ દે .. વાહ્

  15. mahesh dalal said,

    September 9, 2009 @ 12:30 PM

    મોટાભઆગ્ ના રસિક મિત્રો એ ભાવ રજુ ક્ર્યો.. મારો સાદ પુરુ . .. હૈયુ ભિનુ કરિ દે .. વાહ્

  16. લયસ્તરો » યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત – રાવજી પટેલ said,

    December 16, 2009 @ 7:13 PM

    […] લીધેલું. એ પછી વિવેકે પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો એનાથી વધારે મારે ખાસ કાંઈ […]

  17. Patel Popatbhai said,

    February 24, 2010 @ 9:22 PM

    Papan Bhini Thai, Bei Gaal Parthi MOTIO Vahi Gaya,
    Toye Fari-Fari, Varam-Var Kaya Vanchyun.
    Ravjini Vytha Manva Koshish Kari,
    Mrutyu ne Manava ” Koshish ” Kyan Purti Chhe ???
    Visrjanno Marg Chalvathi Pasar Thodo Thay Chhe ???

  18. PARESH BAROT said,

    January 21, 2012 @ 10:29 AM

    શું રાવજી ને cash કરવાને બદલે આપણે કશુક એવું ના કરી શકીએ કે જેથી રાવજી આપણી વચ્ચે જીવતા રહે…….મ્રુત્યુ નો પણ વેપાર……..હુ રાવજી ના ઘરને maintain કરીને તેને સ્મારક બનાવવા માગુ છુ ……ચાલો રાવજી ના ઘરે જઈએ……તેમના સગાઓને – મીત્રોને મળીએ….મારો contact no. 09312433114…..આવો સાથે મળીને…..આપણા રાવજીને જીવતા કરીએ….ઍજ સાચુ તર્પણ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment