છે સમયની કેટલી માઠી અસર
વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર
– મયંક ઓઝા

માણસ હોવું – હેમંત દેસાઈ

પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

ચડતા શીખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે,
મચ્યા રહ્યાનું લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાનાં, ખર્યે જવાનાં ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું- માણસ હોવું.

ચરણ રુકે ત્યાં સ્વાગત ઝીલતાં દુનિયામાં ફૂલ્યાં ફરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.

મહામોલનાં શિર દઇ દેતાં હસતાં હસતાં ક્ષણમાં તેને
સસ્તાં સસ્તાં જીવનનું અભિમાન હોવું – માણસ હોવું.

સમજણની સિધ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરધાર નાદાન હોવું – માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજનપરાયાં જોખ્યાં કરવાં,
ઢળ્યાં અહીં કે તહીં, બધે વેરાન હોવું – માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુધ્ધે હોમાયાંનું,
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું- માણસ હોવું.

– હેમંત દેસાઈ

માણસ હોવું એ વિરોધાભાસી ઘટનાને અલગ અલગ ખૂણેથી ચકાસતી ગઝલ. વાંચો તો તરત નયનભાઈની માણસ ઉર્ફે ગઝલ યાદ આવે. (એ તો જોકે વધારે અમૂર્ત ગઝલ છે.) બે-ત્રણ વાર વાંચો પછી જ આ ગઝલ વધારે ખૂલે છે અને પછી કવિની બારીક અવલોકનશક્તિને સલામ કરવાનું મન થઈ જાય છે !

પડ્યા પછી ઊભા થવાનું જ્ઞાન જ માણસને માણસ બનાવે છે. પણ એ સાથે જ માણસને (લોટાની જેમ) ગમે તે તરફ ગબડી જવાનું વરદાન પણ મળેલું છે ! આવા ચમત્કૃતિસભર શેરથી કવિ ગઝલનો ઉપાડ કરે છે. આગળ તમે જાતે જ જોઈ લો…

6 Comments »

  1. sapana said,

    August 18, 2009 @ 11:14 PM

    સાચી વાત છે સમજવા માટે બે ત્રણ વખત વાંચવી પડી.માણસ હોવાનું સાહસ એ પણ એક મોટુ સાહસ છે.
    પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
    ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

    સરસ ગઝલ.

    સપના

  2. વિવેક said,

    August 19, 2009 @ 12:37 AM

    સુંદર અરુઢ ગઝલ…

  3. Pinki said,

    August 19, 2009 @ 1:34 AM

    પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
    ગમેતેમ ના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

    મક્તામાં બહુ સરસ વાત કરી … ભાન હોવું – એ જ માણસ હોવું.

    ચડતા શીખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે,
    મચ્યા રહ્યાનું લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું. – સરસ વાત.

  4. Pancham Shukla said,

    August 19, 2009 @ 5:42 AM

    નોખી ભાતની આ ગઝલ માણવાની મઝા પડી.

  5. Himanshu said,

    August 19, 2009 @ 10:51 AM

    I always read Hemant Desai’s poems with full concentration.This gazal recalled my memory of first checking if Hemant Desai’s poem has been published in Kumar”.Would’nt it be interesting to know when this was written and published.This particular gazal cirtainly is hight of maturity-simple words filled with wisdom,philosophy and what not?-himanshu.

  6. pragnaju said,

    August 19, 2009 @ 11:04 AM

    સુંદર ગઝલ
    ખૂબીખામીના જુદા તોલથી સ્વજનપરાયાં જોખ્યાં કરવાં,
    ઢળ્યાં અહીં કે તહીં, બધે વેરાન હોવું – માણસ હોવું.

    હારજીતના ભેદ ભુલાવે એવા યુધ્ધે હોમાયાંનું,
    મળે તેમના જીવ્યાનું સન્માન હોવું- માણસ હોવું.
    આ શેરો વધુ ગમ્યા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment