સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
વિવેક મનહર ટેલર

ઉમાશંકર વિશેષ :૧૫: ભારત

UJo

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
.                             ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
.                             ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
.                             ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
.                            જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
.                            ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત
.                           અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
.                           વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
.                           વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
.                            કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
.                            મનુકુલ-મનનની ધારા.

– ઉમાશંકર જોશી

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્ય રસિક મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ !!

કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દીવર્ષની ઉજવણીના અનુસંધાનમાં આજના દિવસનું ઔચિત્ય ધરાવતી કૃતિ.  આઝાદીના ત્રેંસઠ વર્ષ પછી પણ શું આપણે સાચા અર્થમાં સમજી શક્યા છીએ કે ભારત શું છે ?

(ગિરિગહ્વર = પર્વત અને ગુફા, રતનાગર= રત્નોની ખાણ, સમુદ્ર; ચિરનિરુદ્ધ = લાંબા સમય સુધી રોકી ન શકાય એવું)

10 Comments »

 1. Pancham Shukla said,

  August 15, 2010 @ 4:56 am

  ભારતના અંતઃસત્ત્વને ઉજાગર કરતું કાવ્ય, પ્રભાવી પઠનલયમાં ઉત્તુંગ આરોહણની મઝા લેતાં લેતાં, વાંચી સ્વાતંત્ર્યદિનને વધાવ્યો.

  આ સાથે આજના ઑનલાઈન દિવ્યભાસ્કરમાંથી કવિ વિપિન પરીખનું એક કાવ્ય પણ સ્મરી લઈએ:

  અફસોસ થાય છે
  પાંચદસ વર્ષ મોડો જન્મ્યો-
  નહીં તો
  ‘ચલો, દેશની હાકલ પડી છે’, નાદ સાંભળી
  હું પણ ઘરની બહાર નીકળી પડયો હોત!
  વાનરસેના ઊભી કરી હોત.
  ઘરેઘરે ચોપાનિયાં વહેંચી લોકોને સાબદા કર્યા હોત
  અને હાથમાં ત્રિરંગી ઝંડો લઇ
  પોલીસને થાપ આપી સરકારી કચેરી પર
  તેને ફરકાવી
  ‘જયહિન્દ’ના નારાથી આકાશને ગજવી મૂકયું હોત.
  છુપા રેડિયોસ્ટેશનેથી ખબરો ફેલાવી
  શહેરને જાગૃત રાખ્યું હોત
  અને ગોરા અમલદારને લઇને જતી કોઇ ટ્રેનને
  ઉડાવી દેવાના કાવતરામાં હું પણ સામેલ થયો હોત!
  ગાંધીજીને પ્રણામ કરી
  જીવનભરનું ભાથું ગાંઠે બાંઘ્યું હોત.
  અને ચપટી મીઠું ચોરી કૂચમાં ભાગ લઇ
  ઇતિહાસને બદલવાનાં સ્વપ્નો આંખમાં ભર્યા હોત!
  મારી નાનકડી પૂણીનાં થોડાંક તાંતણાથી
  દૂરદૂરના કોઇ દીનહીન બંધુના દેહને
  ઢાંકવાનું ગૌરવ માન્યું હોત!
  દેશની સ્વતંત્રતામાં રકતની એકાદ ધાર
  મારી પણ હોત!
  ચાર દીવાલોમાં બંધિયાર મુકિતની લાચાર
  અને દિશાહીન હવા કરતાં
  ક્રાન્તિની ખુમારીભરી અને થનગનતી હવામાં જીવવું
  મને વધુ ગમ્યું હોત!

  http://www.divyabhaskar.co.in/article/spl-what-is-self-dependent-means-1261976.html

 2. pragnaju said,

  August 15, 2010 @ 8:27 am

  જય હિંદ

 3. Bharat Trivedi said,

  August 15, 2010 @ 10:24 am

  ક્યારેક થાય છે કે ઉમાશંકરભાઈ ગુજરાતી કવિ ના હોત ને કોઈ વિદેશમાં જન્મ્યા હોત તો વિશ્વ-સાહિત્યમાંય તેમનું સ્થાન કેવું ઊચું હોત! નોબેલ પુરસ્કારના અધિકારી હોવા અંગે તો આમેય કોઈ પ્રશ્ન નથી ને ગુજરાતના ટાગોર કહેવામાંય ક્યાં ઔચિત્ય ભંગ થાય છે? વિપીનભાઈ પણ જેટલા પોંખાવા જોઈયે તેટલા ક્યાં પોંખાયા છે! મને જ્યારે મને ગમતાં ગુજરાતી કાવ્યોનો અનુવાદ કરવાનું નિમંત્રણ મળ્યું ત્યારે મારી નજર સૌથી પહેલી વિપીનભાઈ પર જ ગઈ હતી! આવાં સુન્દર કાવ્યોની યાદ અપાવી તમારી ટીમ અમને બધાંને ખુશ કરી દે છે! Great work indeed.

  -ભરત ત્રિવેદી

 4. Girish Parikh said,

  August 15, 2010 @ 4:36 pm

  આજે મોડેસ્ટો, કેલિફોર્નિયાના હિંદુ મંદિરમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી થઈ. આ લખનારને થોડું બોલવાનું આમંત્રણ મળ્યું હતું. Spiritual Significance of August 15 એ વિષય પર એ બોલ્યો. એમાં એણે કવિશ્રી ઉમાશંકર જોશીનો તથા એમના આ ગીતની શિરમોર પંક્તિ ‘ભારત આત્મની આરત’નો ઉલ્લેખ કર્યો. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર Spiritual Significance of August 15 વિશેનું લખાણ પોસ્ટ કર્યું છે. (લખાણ પહેલાં તૈયાર કરેલું અને કવિશ્રી ઉમાશંકર જોશીનું ગીત આજે સવારે જ વાંચ્યું એટલે લખાણમાં એનો ઉલ્લેખ નથી પણ વક્ત્વ્યમાં એમના વિશે અને એમની પંક્તિની રજૂઆત કરેલી અને શ્રોતાઓને એ ગમેલું.)

 5. Girish Parikh said,

  August 15, 2010 @ 5:03 pm

  મા સરસ્વતી, મા ગુર્જરી, અને મા અંગ્રેજીની કૃપાથી ગુજરાતી સાહિત્યકાર નોબેલ પ્રાઈઝ કઈ રીતે જીતી શકે એ અંગે મારા વિચારો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં અનૂકુળતાએ રજૂ કરીશ. મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય અપીલ ધરાવતાં શ્રેષ્ઠ ગુજરાતી સર્જનોને અંગ્રેજીમાં અવતાર મળ્યા પછી વિશ્વસાહિત્યમાં એ સ્થાન લેશે અને પછી ગુજરતીઓ પણ એ સર્જકો અને સજકોની કદર કરશે!

 6. Ramesh Patel said,

  August 15, 2010 @ 5:28 pm

  ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
  . ભારત ઉન્નત નરવર;
  ભારત નહિ ગંગા, નહિ યમુના,
  . ભારત સંસ્કૃતિનિર્ઝર.
  ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
  . ભારત આત્મની આરત;
  આઝાદ દીનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Kalpana said,

  August 15, 2010 @ 6:37 pm

  અપણન સૌને આઝાદદિનની શુભકામનાઓ. ભારતભૂમિને નવાજવામાટે કવિવરનો આભાર.
  ભરત ખરેજ આત્મની આરત.
  કલ્પના

 8. ’પ્રમથ’ said,

  August 16, 2010 @ 12:02 am

  આ કાવ્ય ગમે પણ છે અને નથી પણ ગમતું. સારું કાવ્ય – પણ અયોગ્ય સમયે. ક્ષમા કરજો પણ આવું કાવ્ય આ સમયે શાહમૃગી વૃત્તિને ઉત્તેજન આપે છે.

  @ભરતભાઈ, “ઉમાશંકરભાઈ ગુજરાતી કવિ ના હોત ને કોઈ વિદેશમાં જન્મ્યા હોત તો” – માત્ર સિંધમાં જ જન્મ્યા હોત તો “પાકિસ્તાન નહિ નહિ કશ્મિર, જૂનાગઢ!” ગાવાથી ગદ્દાર તરીકે વગોવાઈ ગયા હોત! ચીનમાં જન્મ્યા હોત તો “ચીન નહિ નહિ તિબેટ કે તાઈવાન” કહેવા બદલ ગોળીએ દેવાઈ ગયા હોત!

  ઉદારમત સમર્થોને અરઘે.

 9. Girish Parikh said,

  August 16, 2010 @ 10:43 am

  જય ઉમાશંકર

 10. AMIT SHAH said,

  August 17, 2010 @ 10:01 pm

  aa geet ajit sheth na swarankan ma , khoob saras rite gavavu chhe

  source : sangeet bhavan trust

  male to mukjo

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment