જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ થતો જણાય છે.  નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!

૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૬/૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…

29 Comments »

 1. Pancham Shukla said,

  July 30, 2009 @ 4:02 am

  વાહ વિવેકભાઈ …આ કાવ્યને બે ભાગમા સારો ન્યાય મળશે.

 2. sapana said,

  July 30, 2009 @ 5:09 am

  કેવું સરસ!!!

  સપના

 3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  July 30, 2009 @ 6:09 am

  ઘડપણનું બાળાપણમાં રુપાંતરણ થઈ ગયું.
  મા ગંગાનું શિવશિરથી અવતરણ થઈ ગયુ.
  યાદ આવી ગઈ બાળપણને શાળાની વાતો.
  વાંચી કાન્તને,જીવનનું વિસ્મરણ થઈ ગયું.

 4. jjugalkishor said,

  July 30, 2009 @ 7:36 am

  વિવેકભાઈ ! તમે આ કાવ્ય મૂકીને નેટજગતમાં આપણા સાહિત્યના એક અનુપમ પુષ્પની ફોરમ સૌમાં વહેંચી છે ! કાવ્યમાંના શબ્દોની પસંદગી જ ફક્ત જોઈને મન પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે.

  કાન્ત, કલાપી અને નાનાલાલે અનુક્રમે ગુજરાતી સાહિત્યને બહુ મોટી ઉંચાઈ આપી હતી. કાન્ત તો કલાપીના બહુ મોટા માર્ગદર્શક હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં કાન્ત વ્યાખ્યાન આપી રહ્યા હતા એ જ સમયે ખંડમાં દાખલ થઈ રહેલા નાનાલાલને સંબોધીને એમની જ પંક્તિથી કાન્તે વધાવ્યા હતા – “ઊગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ !“ આ ભવિષ્યવાણીને નાનાલાલે અક્ષરશઃ સાચી પાડી બતાવી ! નાનાલલ અને કાન્ત વચ્ચે દસ વરસનો ગાળો. સુન્દરમના શબ્દોમાં કહીએ તો ‘કાન્તની કવિતા ગુજરાતી કવિતામાં કળાની વસંતના આગમન જેવી છે તો કાન્તની પાછળપાછળ ચાલ્યા આવતા નાનાલાલની કવિતા એ કળાવસંતના ઉત્સવ જેવી છે’

  ‘અર્વાચીન ગુજ.સાહિત્યનો ઈતિહાસ’માં શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ નોંધે છે, “ ‘સાગર અને શશી’ આંતરબાહ્ય એકમયતાનો કલાનુભવ કરાવતી સર્વાંગસુંદર રચના છે…પરંપરિત ઝૂલણાને યોજીને પોતાને થયેલા હર્ષોલ્લાસ સાથે, સમુદ્રમાં ભરતી સાથે ઊભરાઈ ઊભરાઈને આવતાં મોજાંની ગતિ સાથે જાણે તાલ મેળવ્યો છે. સમગ્ર કૃતિ એમાં આવતી કલ્પનોની, અલંકારોની સૃષ્ટિને લીધે તથા તેની આંતરિક, બહિર્ગત સંઘટનાને લીધે એમાં વ્યક્ત થતા ભાવને સંવેદ્ય બનાવે છે. પ્રકૃતિ, પરમેશ્વર અને મનુષ્ય, જડચેતન, અતીત–વર્તમાન–ભવિષ્ય આ બધા ભેદો ઓગળી જઈને અહીં આંતરજગત અને બહિર્જગત વચ્ચે એકતા અનુભવાય છે.આ દ્વૈતનો નહિ, અદ્વૈતનો અનુભવ છે. એ અનુભવમાં માત્ર વ્યષ્ટિ જ નહિ, સારી સમષ્ટિ સમુલ્લાસ ધારણ કરે છે.” (પૃ. ૧૩૯)

  ફક્ત ‘ધન્યવાદ’ કહીને તમારા આ કાર્યને વધાવી નહીં શકાય !

 5. ઊર્મિ said,

  July 30, 2009 @ 9:13 am

  જ્યારે મારો બ્લોગ પહેલીવાર ચાલુ કરેલો ત્યારે થોડા દિવસમાં મેં આ જ રચનાને સૌપ્રથમ મૂકી હતી… અને ત્યારે ૨૦૦૬માં કવિ કાન્તનાં જીવન પર આધારિત ‘ગુજરાત સમાચાર’માં આવેલા ત્રણ લેખોની લિન્ક પણ ત્યાં મૂકી હતી… રસ ધરાવનાર વાંચકો હજીયે એ લેખો અહીંથી વાંચી શકે છે… http://urmisaagar.com/saagar/?p=21

 6. pragnaju said,

  July 30, 2009 @ 11:16 am

  અદભુત રચના અને મઝાનું રસદર્શન
  ગુજરાતના મોટા ગજાના કવિ, મણિશંકર રત્નજી ભટ્ટ ભાવનગરના રાજા ભાવસિંહજીના વખતમાં કેળવણી ખાતાના અમલદાર હતા.’ કવિની પીઠ પર મૈત્રીભર્યા હાથ મૂકીને ભાવસિંહજીએ ઉમેર્યું. ‘બસ હવે આપ વન વિહારિણી આ સંઘ્યાને આનંદથી અવલોકો. આજ કોઇ નવી કવિતા રચાશે તો મારી પણ સાંજ સુધરી જશે.’એ વેળા-આથમણા આકાશની લાલીમાના આરે ઓવારે, ફરફરતી કેસરી રંગની સંઘ્યાની ચૂંદડીમાં ફૂલગુલાબી રંગના બુટ્ટા છપાઇ ગયા.

  અને રચાઈ સાગર અને શશી

 7. mrunalini said,

  July 30, 2009 @ 11:24 am

  એકો હી દોષો ગુણસન્નિપાતૈહી…જેમ
  કામિની કોકિલા કેલિ કૂજન કરે
  નો પહેલો ઉલ્લેખ થાય કે
  વૈજ્ઞાનિક રીતે
  કોકીલા ને બદલે કોકીલ જોઈએ

 8. વિવેક said,

  July 30, 2009 @ 12:05 pm

  હા, એ વાત સાચી છે કે જે કૂંજન કરે છે તે કોયલ નહીં પણ કોકિલ હોય છે…પણ કવિતામાં વિજ્ઞાન ?

  સુરેશ જોષી આ જ કાવ્યનો રસાસ્વાદ કરાવતી વખતે કહે છે તેમ, સાચો કવિ અનુભૂતમાંથી અનનુભૂત સુધીનો વિસ્તાર સાધી આપે છે. કવિ જે દૃશ્ય જુએ છે અને એ દૃશ્ય જોવાથી એના ચિત્તમાં જે પ્રતિભાવ જાગે છે તે આ બે બિન્દુની વચ્ચે ભાવકને વિહરવા માટે એક સારાસરખા વિસ્તારની સગવડ કરી આપે છે. એણે યોજેલાં પ્રતીકો, એણે યોજેલી શબ્દાવલી આ વિસ્તારને ઉપકારક નીવડે છે. પ્રાકૃતિક દૃશ્ય અને તેથી થતા પ્રતિભાવનો સમ્બન્ધ ઊંચી કોટિના કવિમાં કદીય બીજગણિતના સમીકરણ જેવો હોતો નથી…

 9. urvashi parekh said,

  July 30, 2009 @ 6:34 pm

  સરસ કાવ્ય મુક્યુ છે.
  શાળા અને ત્યારે ભણેલી કવીતા અને ગુજરાતી કવીતા સમજાવતા સર..
  ઘણુ બધુ યાદ આવી ગયુ.
  આભાર વીવેકભાઈ.

 10. sudhir patel said,

  July 30, 2009 @ 10:06 pm

  કવિ શિરોમણી શ્રી કાન્તનું અદભૂત અદભૂત કાવ્ય! ઝૂલણા છંદ અને વર્ણસગાઈનું અનુપમ ઉદાહરણ!
  વિવેકભાઈનો એવા જ સુંદર માહિતી સભર આસ્વાદ માટે આભાર.
  સુધીર પટેલ.

 11. સુનીલ શાહ said,

  July 31, 2009 @ 2:22 am

  મસ્ત મઝાનું કાવ્ય. સરસ રસ દર્શન

 12. વિહંગ વ્યાસ said,

  July 31, 2009 @ 2:24 am

  વાહ ડિઅર વાહ, હૃદયમાં હર્ષ જામ્યો છે જોરદારનો

  વિહંગ

 13. Dhaval Navaneet said,

  July 31, 2009 @ 7:00 am

  ખુબ સરસ ..આંનદ આવી ગ્યો

 14. sneha said,

  July 31, 2009 @ 12:51 pm

  વિવેક્ભાઈ, ખુબ જ સરસ આસ્વાદ કરાવવા બદલ દિલ થી આભાર.

 15. डॉ निशीथ ध्रुव said,

  July 31, 2009 @ 11:21 pm

  मारुं मनगमतुं काव्य फरी मारी सामे आव्युं अने स्मृतिपटल पर शाळाना दिवसो जागी गया. गुजराती विषय हतो तेथी आपणा साहित्यनुं रसपान करवा पामतो. पछी मेडिकलमां आव्यो त्यारथी ए प्रवृत्ति लगभग बन्ध थई गई. मने याद आवे छे के महाराज! अने पिता! ए सम्बोधनो कोने उद्देशीने करायां छे ए प्रश्न में पूछ्यो त्यारे गुजरातीना शिक्षके अमने जणाव्युं हतुं के कान्ते ख्रिस्ती धर्म स्वीकार्या बादनुं आ काव्य छे अने तेथी Lord! अने Father एवां सम्बोधनोनी आ गुजराती आवृत्ति छे.

 16. Vipool Kalyani said,

  August 1, 2009 @ 5:04 am

  ધન્ય થયો. સમગ્ર ભણતર વેળા ગુજરાતી માત્ર એક િવષય જ રહેલો. સમગ્ર ગુજરાતીનો formal અભ્યાસ તો પામ્યો જ નથી. અને છતાં અાવું થાય છે ત્યારે અનુભવાય છે : ખૂબ ખૂબ લાભું છું. અાથીસ્તો, અાજે અાફરીન છું. વિવેકભાઈ ઉપરાંત, નિશિથભાઈ, જુગલકિશોરભાઈ, પ્રજ્ઞાજુએ સારી પેઠે તરબતર કર્યો છે. ધન્યવાદ.

 17. Neela said,

  August 1, 2009 @ 6:24 am

  સુંદર કાવ્ય રચના.

 18. kishore Modi said,

  August 1, 2009 @ 9:04 am

  સંગીતનું ઉત્તમ દર્શન

 19. pravina Avinash said,

  August 1, 2009 @ 10:26 am

  ઘણા વખત પછી આવું સુંદર કાવ્ય વાંચ્યું.
  લાગે છે શાળા છોડ્યા પછી પહેલી વાર.

 20. Maheshchandra Naik said,

  August 1, 2009 @ 2:59 pm

  સરસ કવિતા અને એનો ભાવ સારી રીતે વ્યક્ત કરવા બદલ અભિનદન, શ્રી ડો.વિવેક્ભાઈ, ૬ નંબરની ગોપીપુરા, સુરતની ગુજરાતી શાળા અને ગુરુજનોને યાદ કરાવવા બદલ આપનો આભાર………..

 21. indravadan g vyas said,

  August 1, 2009 @ 3:51 pm

  અતિ સુન્દર કાવ્ય અને તેનુ રસદર્શન પણ અફલાતુન ! બધા પ્રતિભાવકોને મારા વંદન. ડૉ.વિવેકને ખાસ અભિનંદન.અહિં અમેરિકામા બેઠાબેઠા આવી સાહિત્યગોષ્ટીનો લાભ મળે છે એ અમારા ભાગ્ય.સૌ મિત્રોને ધન્યવાદ્…

 22. Govind Maru said,

  August 2, 2009 @ 11:13 pm

  ડૉ. વીવેકભાઈ,
  બાળપણની યાદો તાજી થઈ… ખુબ સરસ ..
  આભાર

 23. Dinesh J. Karia said,

  August 3, 2009 @ 7:51 am

  સાગર અને શશી ઉપરથી કાન્તની ક્ષમા યાચના સાથે શ્યામલ મુનશીએ લખેલી પંક્તિઓ યાદ આવી ગઇ.

  આજ મારા જ પપ્પા અને મમ્મી બે
  જાણીતા સાગર અને શશી નામે
  એ મિલનથી સૃજન પામેલી પુત્રીઓ
  નિત કવન મહીં ફરિયાદ પામે
  કે કાઇનેટિક સીટ પર દામિની રખડતી
  ને યામિની તો મોટરમાં વિહરતી
  તોરલ તો રાણી સમી ફક્કડ ફરતી
  પિતા તારી પુત્રીઓ બિન્દાસ્ત બનતી.

  એક જ વિષયના શિક્ષક અને શિક્ષિકા યુગલના બાળકોની વેદના હળવી રીતે રજુ કરતા તેમના એક કાવ્યમાં ગુજરાતીના શિક્ષક અને શિક્ષિકાના બાળકો વિષે આ પંક્તિઓ સાગર અને શશી પરથી પ્રેરણા લઇને લખેલ છે.

 24. mrunalini said,

  August 6, 2009 @ 10:22 pm

  પહેલા પ્રતિભાવમા થોડી ગેરસમજ થઈ છે…વિજ્ઞાન દ્રુષ્ટિથી જ આવી સુંદર રચનામાં ભૂલ દેખાઈ!
  બધી રીતે સરસ કાવ્યને આ તો અંજલી છે!
  ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
  ધરાવે કો એને કુસુમ, અથવા તાડન કરે,
  સમત્વે રહેલું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
  સ્તુતિ, સ્તોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,

  હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં … ચારેબાજુ કુસુમોનું વન -વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય

 25. Prabhulal Tataria"dhufari" said,

  November 28, 2009 @ 2:53 am

  શ્રી વિવેકભાઇ,
  દીકરી ચેતનાએ શ્રી પ્રકાશભાઇના સૌજન્યથી આ કાવ્યની મારી માંગણી પુરી કરેલ ત્યારે મને અમારા પૂજ્ય વડિલશ્રી સ્વ,નાનાલાલ વોરા સાહેબ જે રામકૃષ્ણ હાઇસ્કૂલના પ્રાધ્યાપક હતા(શ્રી વિનાયક વોરાના પિતાશ્રી)તેમણે આ કાવ્યનો ભાવાર્થ સમજાવેલ તે તમારા લખાણથી ફરી સ્મૃતિપટલ પર ઉભરી આવ્યું. મને ચેતનાએ જ કહ્યું(લખ્યું)કે કાકા લયસ્તરમાં ભાવાર્થ જરૂર વાંચજો,ખરેખર ચેતનાની વાત સાચી છે.જો ન વાંચ્યું હોત તો વંચિત રહી જવાતતમે જ્યારે કાવ્ય રચનાની તારીખ સુદ્ધા આપી છે ત્યારે ભગવાન માફ કરે કારણ કે હું કોઇ સાક્ષર નથી છતાં ભાઇશ્રી
  પ્રજ્ઞાજુની કોમેન્ટ અસંગત લાગે છે.ખેર સૌ સૌની વિચારસરણી અલગ હોય છે એ નિર્વિવાદ છે.
  ભાઇશ્રી દિનેશ કારિયાની રચનાથી સરસ આનંદ થયો.
  અભિનંદન

 26. વિવેક said,

  November 28, 2009 @ 7:22 am

  પ્રિય પ્રભુલાલભાઈ,

  આ કાવ્યનો ખરો રસાસ્વાદ શ્રી સુરેશ જોશીએ કરાવ્યો છે, એ માણવાનું ચૂકશો નહીં…

  http://layastaro.com/?p=2558

  અને હા, પ્રજ્ઞાજુ એ કવયિત્રી યામિની વ્યાસના ‘મમ્મી’ છે!!

 27. કાન્ત , Kant « ગુજરાતી પ્રતિભા પરિચય said,

  June 11, 2011 @ 1:28 am

  […] […]

 28. SHREYAS said,

  December 14, 2011 @ 2:03 pm

  ગુજરાતી ભાષા નુ સૌથી ઉત્ક્રુષ્ટ અને પ્રસાદિક કાવ્ય.

 29. સાગર અને શશી – કાન્ત « "મધુવન" said,

  August 9, 2012 @ 6:21 am

  […] માણવા નીચેની લિંક પર ક્લિક કરશો : સાગર અને શશી – કાન્ત (ભાગ-૧) સાગર અને શશી – કાન્ત (ભાગ-૨) મણિશંકર […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment