ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

થંભી હતી – હર્ષ બ્રહ્મભટ્ટ

મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા ?
જિંદગી હમણાં જ મેં રંગી હતી !

એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્હાડ શી જંગી હતી.

મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી !

– હર્ષ બ્રહ્મભટ્ટ

તડકા અને છાંયડાની માફક જીવન વેદના અને હર્ષ- બંને રંગોથી સમાનભાવે રંગાયેલું હોવા છતાં કળાના લગભગ તમામ પ્રકારને વેદનાનો ગાઢો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. દર્દને ખોતરતા રહેવામાં જ કદાચ આપણને સહુને વધુ આનંદ આવે છે, એ કારણ હશે ? જીવનને ગમે તે રંગે રંગો, દર્દના ડાઘા પડતા જ રહેવાના. વેદના જ કદાચ આપણી સાચી જીવનસંગિની છે… આપણે સહુ અંદરથી વાંસ જેવા પોલા થઈ ગયા છીએ પણ સૂર જન્માવવા માટે માત્ર પોલાપણું કામ નથી આવતું, ભીતર છેદ પણ હોવા જોઈએ તો જ પસાર થતી હવા સંગીત જન્માવી શકે… એક શેર સાથે મૂકવાનું મન થાય છે: સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ, દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

‘લયસ્તરો’ને એમના ગુજરાતી કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’ તથા ઉર્દૂ ગઝલસંગ્રહો ‘કંદીલ’, ‘સરગોશી’ અને ઑડિયો સીડી ‘લે, ગઝલ પ્રગટાવ તું’ (કાવ્યપઠન) ભેટ આપવા બદલ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો આભાર.

12 Comments »

 1. mrunalini said,

  June 20, 2009 @ 2:06 am

  મેં જ તો એને સતત ઝંખી હતી,
  વેદના મારી જીવનસંગી હતી.
  matla bahu suMdara

  કેટલાક જીવો એવા હોય છે જેમને વેદના વહાલી છે. વહાલની વેદનામાં ન્હાવું જેમને મન સુધાસ્નાન બરાબર થઈ પડે છે. એમની આંખ આગળ એમની આરાધ્યદેવી ઊભી રહે એટલે થયું. તે પ્રેમ પીએ …

 2. pragnaju said,

  June 20, 2009 @ 2:22 am

  મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
  એકદમ વહેતી નદી થંભી હતી !
  મઝાની અભિવ્યક્તી—
  પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતી નદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેવા જોઈએ. વહેતા રહેવું એ પ્રેમનો સ્વભાવ ! બે કાંઠે ભરપૂર વહેતી નદી લાગણીની-પ્રેમની પ્યાસમાં ઝૂરી ઝૂરી સૂકાઇ ગઇ છે ?કે સમય નિરંતર વહેતી નદી છે, જેની સપાટીએ કોઈક વસ્તુનો ઘટાડો હોય તો તરત જ દેખાઈ જાય છે! કે વેદનાને લીધે- ખળખળ વહેતી નદી, નાચતાં કૂદતાં સંગીતમય ઝરણાં, મહાસાગરનાં ઉછળતાં મોજાં અને એની ગર્જના, વૃક્ષોની હરિયાળીથી ભરેલા પહાડો, હિમાચ્છાદિત શિખરો, રંગબેરંગી ફૂલો, સુંદર પક્ષીઓ બધું થીજી ગયું???

 3. ધવલ said,

  June 20, 2009 @ 8:34 am

  વાંસવન જેવું બનેલું મન છતાં,
  વાંસળીની ચોતરફ તંગી હતી.

  – વાહ !

 4. sudhir patel said,

  June 20, 2009 @ 10:56 am

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 5. Lata Hirani said,

  June 20, 2009 @ 12:32 pm

  એક તરાપો પાણીમાઁ મુક્યો અને…

  એકદમ સુપર્બ…

 6. પંચમ શુક્લ said,

  June 20, 2009 @ 4:36 pm

  વાંસવન જેવું બનેલું મન છતાં,
  વાંસળીની ચોતરફ તંગી હતી.

  શીરાની જેમ ઉતરી જાય એવી સ્નિગ્ધ ગઝલ.

 7. himanshu patel said,

  June 20, 2009 @ 6:46 pm

  વિવેકભૈ તથા ધવલ ભૈ લયસ્તરોને તો મે પન કવ્યસન્ઘ્રહો ભેટ આપ્યાચ્હે ક્યા ચ્હે સ્વિકાર?
  આ કેવુ!

  લયસ્તરો’ને એમના ગુજરાતી કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’ તથા ઉર્દૂ ગઝલસંગ્રહો ‘કંદીલ’, ‘સરગોશી’ અને ઑડિયો સીડી ‘લે, ગઝલ પ્રગટાવ તું’ (કાવ્યપઠન) ભેટ આપવા બદલ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો આભાર.

 8. ઊર્મિ said,

  June 20, 2009 @ 11:47 pm

  ફરી ફરીને માણવાનું મન થાય એવી… મારી ખૂબ જ ગમતીલી ગઝલ…

 9. વિવેક said,

  June 21, 2009 @ 12:31 am

  પ્રિય હિમાંશુભાઈ,

  આ પ્રતિભાવ જાહેરમાં આપવાના બદલે ઇ-મેઇલમાં આપ્યો હોત તો આપની સર્જક તરીકેની ગરિમા સુપેરે જળવાત… આપના સંગ્રહ મળ્યા હોવાનો મેઇલ મેં આપને કર્યો જ છે અને એ સંગ્રહમાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યો છું. યોગ્ય સમયે એનો પણ ઋણસ્વીકાર થશે જ…

  …સંપાદક તરીકે અમારા માટે બધા સમાન જ છે…

 10. Kirtikant Purohit said,

  June 21, 2009 @ 1:31 am

  સુંદર કાફિયા સાથે એક સુંદર ગઝલ માણવા મળી.

 11. deepak said,

  June 22, 2009 @ 12:07 am

  બધા શેર એક બીજાથી ચડિયાતા છે…

  તો પણ… આ બે શેર મને મારા પોતાન લાગ્યા…

  મેં જ તો એને સતત ઝંખી હતી,
  વેદના મારી જીવનસંગી હતી.

  ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા ?
  જિંદગી હમણાં જ મેં રંગી હતી !

 12. varsha tanna said,

  June 28, 2009 @ 6:39 am

  જીવનમા વણેલી વેદનાને લિપિમા સરસ કંડારી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment