લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

ગીત – ગૌરાંગ દિવેટિયા

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં,
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા,
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઈ નથી આવતા.
દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

-ગૌરાંગ દિવેટિયા

ભીતરના ખાલીપાથી ભર્યું ભર્યું આ ગીત આપણી અંદર જ ક્યાંક તૂટી ગયેલા માણસની વેદનાને ઉજાગર કરે છે. વાત અરીસાની ભીતર તૂટેલા માણસને એના ઘાવના કારણ પૂછવાની અને કોરા કાચમાંથી ઝરતા લોહીને લૂછવાની હિંમત કરવાની છે. ‘હિંમત’ શબ્દ એટલા માટે વાપરું છું કે આ કામ સહેલું નથી. કવિ પણ પૂછી શકો તો જરી પૂછો કહી આપણી હિંમતને પડકાર આપે છે. કેમ? કારણ કે ઘાનું કારણ ક્યારેક ઘા સહેવા કરતાં વધુ અસહ્ય હોય છે… ઝરતા લોહીને લૂછવામાં ક્યારેક ઘા ખુલી પણ જાય અને લોહી દડદડ વહી નીકળે એમ પણ બને… સૂરજ વિના વળી તડકો કેવો ? પણ આ કવિતા છે. સૂરજ યાને કે મૂળ નીકળી ગયું હોય એવા ફળસ્વરૂપ નિઃસત્ત્વ તડકાનું ફૂલ કેમ કરી સૂંઘાય ? કેવું દોહ્યલું કામ ! જે ખાલી આંખોમાં દૃષ્ટિ જ નથી રહી ત્યાં કોના આવવાની શક્યતા હોય કે હવે એ ફરકે ? પણ કવિ આપણી વેદનાને પડકારે છે, કહો કે ભાગીદાર બને છે, ફરકી શકાય તો ફરકો કહીને !

10 Comments »

 1. pradip sheth said,

  June 14, 2009 @ 5:31 am

  એક સરસ ગિત…..

 2. pragnaju said,

  June 14, 2009 @ 6:03 am

  આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
  પૂછી શકો તો જરી પૂછો,
  કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
  લૂછી શકો તો જરી લૂછો.
  સરસ
  આયના શેર યાદ…
  તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
  અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

  તૂટેલો અરીસો ને પ્રતિબિંબ તૂટ્યાં
  મારો જ આપસમાં ચહેરો લડે છે.

  ડર મને મારો જ થોડો હોય છે,
  કાચમાં ચહેરાને જોવો હોય છે.

  સ્હેજ રજકણ હોય તો એનો ય માર્ગ છે,
  તું અરીસો માંજ, પાછા ચાલીએ.

  કાચ માફક એ સમય ફૂટી ગયો,
  ને કરચ થઈ વાગતી પળપળ હતી.

 3. kirankumar chauhan said,

  June 14, 2009 @ 7:30 am

  સુંદર અને અસરકારક ગીત. ગુજરાતી સાહિત્યમાં અને ચાહકોના હૈયે અનોખું સ્થાન પામે એવું ગીત.

 4. Pinki said,

  June 14, 2009 @ 8:24 am

  વાહ………. સરસ ગીત !!

 5. urvashi parekh said,

  June 14, 2009 @ 8:02 pm

  સરસ ગીત..
  કોઈ ને એમ ઘાવ માટે પુછવુ અને લોહી લુછવુ એ સહેલુ કામ નથી.
  કામ કરવા જેવુ છે કરી શકાય તો સારુ..

 6. Sakhi said,

  June 14, 2009 @ 8:22 pm

  Vivek,

  This is a beautiful song but what is more beautiful and touching is your commentary on it.

  I really enjoy reading your write up on each of the posting.

  Thank you

 7. Ramesh Patel said,

  June 15, 2009 @ 4:25 pm

  દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
  ફરકી શકો તો જરી ફરકો.

  -ગૌરાંગ દિવેટિયા

  ભીતરના ખાલીપાથી ભર્યું ભર્યું આ ગીત આપણી અંદર જ ક્યાંક તૂટી ગયેલા માણસની વેદનાને ઉજાગર કરે છે. વાત અરીસાની ભીતર તૂટેલા માણસને એના ઘાવના કારણ પૂછવાની અને કોરા કાચમાંથી ઝરતા લોહીને લૂછવાની હિંમત કરવાની છે.
  વિભક્ત થતા જતા કુટુંબોનો ચીતાર અને ચીત્કાર આબેહૂબ વણાયા છે.

  ભાઈ વાંચો ફરીથી
  આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
  પૂછી શકો તો જરી પૂછો,
  કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
  લૂછી શકો તો જરી લૂછો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. varsha tanna said,

  June 16, 2009 @ 1:52 am

  અફલાતૂન અભિવ્યક્તિ. ખૂબ મજા આવી

 9. P Shah said,

  June 16, 2009 @ 12:01 pm

  દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
  ફરકી શકો તો જરી ફરકો.

  સુંદર રચના !

 10. vihar majmudar said,

  June 17, 2009 @ 12:44 pm

  Shri Gaurang Divetia,
  Adbhoot Rachana……..I would love reading your few more songs….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment